તમામ સેક્ટોરલના સુધારા અને સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થ સાથે બજારની આગેકૂચ

29 May, 2025 06:58 AM IST  |  Mumbai | Anil Patel

લીલા હોટેલ્સને પ્રથમ દિવસે માત્ર છ ટકાનો રિસ્પૉન્સ, પ્રીમિયમ ઘટીને ૧૩ રૂપિયા: યુનિફાઇડ ડેટા-ટેકનો SME ઇશ્યુ કુલ ૯૧ ગણાથી વધુ છલકાયો, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે બેસ્ટ ગેઇનર બનેલી એટર્નલ સોમવારે બન્ને બજારમાં ટૉપ લૂઝર બની : સાધારણ પરિણામ વચ્ચે ઑર્ડરબુક વધવાના આશાવાદમાં ભારત અર્થમૂવરમાં ૫૬૩ રૂપિયાની તેજી : પરિણામ પહેલાં શિલ્પા મેડિકૅર વૉલ્યુમ સાથે ઊછળી, બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝને રિઝલ્ટ નડ્યાં : ICICI બૅન્ક નવી સર્વોચ્ચ સપાટી બનાવી બજારને સર્વાધિક ફળી : બોરણા વિવ્સ આજે લિસ્ટિંગમાં જશે, પ્રીમિયમ ઘટીને ૪૦ રૂપિયા : લીલા હોટેલ્સને પ્રથમ દિવસે માત્ર છ ટકાનો રિસ્પૉન્સ, પ્રીમિયમ ઘટીને ૧૩ રૂપિયા: યુનિફાઇડ ડેટા-ટેકનો SME ઇશ્યુ કુલ ૯૧ ગણાથી વધુ છલકાયો, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટ્યું

એશિયન બજારોના મિશ્ર વલણ વચ્ચે ગઈ કાલે યુરોપ રનિંગમાં સવાથી પોણાબે ટકા આસપાસ મજબૂત દેખાયું છે. યુરોપિયન યુનિયન ઉપર પચાસ ટકાની ટૅરિફની ડેડ લાઇન ટ્રમ્પે લંબાવી એનો હરખ જોવાયો છે. લંડન બજાર રજામાં હતું. એશિયા ખાતે સાઉથ કોરિયા બે ટકા, જપાન એક ટકો અને થાઇલૅન્ડ સાધારણ પ્લસ બંધ થયું છે. સામે હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, તાઇવાન અડધો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ તો ચાઇના અને સિંગાપોર નહીંવત્ નરમ હતા. બ્રૅન્ટ ક્રૂડ ૬૫ ડૉલર નજીક મક્કમ હતું. સોનું હાજરમાં પોણો ટકો ઘટીને ૩૩૩૧ ડૉલર તો વાયદામાં એક ટકાની નરમાઈમાં ૩૩૪૭ દેખાયું છે. તાજેતરમાં ૧,૧૨,૦૦૦ ડૉલરની ઑલટાઇમ હાઈ બતાવ્યા પછી બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નીચામાં ૧,૦૬,૮૦૨ ડૉલર અને ઉપરમાં ૧,૧૦,૦૭૮ ડૉલર બતાવી રનિંગમાં ૧,૦૯,૭૮૫ ડૉલર ચાલતો હતો. બિટકૉઇન તેજીની નવી ઑર્બિટમાં પ્રવેશી ચૂક્યો છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૦૮ પૉઇન્ટ પ્લસ, ૮૧,૯૨૯ ખૂલી છેવટે ૪૫૫ પૉઇન્ટની આગેકૂચમાં ૮૨,૧૭૬ સોમવારે બંધ થયો છે. નિફ્ટી ૧૪૮ પૉઇન્ટ ઊંચકાઈ ૨૫,૦૦૧ રહ્યો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૧,૮૬૭ અને ઉપરમાં ૮૨,૪૯૨ થયો હતો. માર્કેટ બ્રેડ્થ સારી રહી છે. NSEમાં વધેલા ૧૭૩૫ શૅરની સામે ૧૧૭૩ જાતો ઘટી છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. સુધારો બહુધા નાનો કે સામાન્ય હતો. FMCG, IT, ઑટો, કૅપિટલ ગુડ્સ સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકાના વધારા સામે એકાદ ટકો તો રિયલ્ટી, ટેક્નૉ, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણા ટકા આસપાસ પ્લસ થયા છે. રોકડું તેમ જ બ્રૉડર માર્કેટ અડધા ટકા જેવું વધ્યું હતું. બજારનું માર્કેટકૅપ ૨.૮૩ લાખ કરોડના ઉમેરામાં ૪૪૪.૭૯ લાખ કરોડ વટાવી ગયું છે.

ભારત અર્થમૂવરનો ત્રિમાસિક નફો ૧૨ ટકા વધી ૨૮૭ કરોડ આવ્યો છે. ડિવિડન્ડનો નિર્ણય મોકૂફ રખાયો છે. પરિણામમાં વાઉ ફૅક્ટર જેવું કશું નથી. કંપનીની ઑર્ડરબુક હાલ ૧૪,૦૦૦ કરોડની છે એ વધીને ચાલુ વર્ષના અંતે ૨૨,૦૦૦ કરોડ થવાની આશા કંપનીએ દર્શાવી છે, જેમાં શૅર ૧૩ ગણા કામકાજે ૪૩૮૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાપંદર ટકા કે ૫૬૩ રૂપિયા ઊછળી ૪૨૭૯ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. શિલ્પા મેડિકૅર પરિણામ પહેલાં ૧૧ ગણા વૉલ્યુમે સવાતેર ટકા કે ૧૦૩ના જમ્પમાં ૮૮૫ થયો છે. આઇટીડી સિમેન્ટેશન ૭૨૮ની વર્ષની ટૉપ બનાવી નવ ટકાના ઉછાળે ૭૨૩ હતો. જિલેટ ઇન્ડિયાનો ત્રિમાસિક નફો ૬૦ ટકા વધી ૧૫૯ કરોડ આવ્યો છે. શૅરદીઠ ૬૫નું ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ નવ ગણા કામકાજે સાડાસાત ટકા કે ૬૫૭ની તેજીમાં ૯૪૦૪ બંધ આવ્યો છે. વૈભવ ગ્લોબલ ૭.૬ ટકા ઊંચકાઈ ૨૬૦ હતો.

બાલક્રિશ્ન ઇન્ડસ્ટ્રીઝનો નફો પચીસ ટકા ઘટીને આવતાં નોમુરાનું ડી-રેટિંગ આવ્યું છે. શૅર ૩૪ ગણા જંગી વૉલ્યુમે નીચામાં ૨૩૮૫ થઈ સવાછ ટકા કે ૧૬૭ રૂપિયા ગગડી ૨૪૯૨ના બંધમાં એ-ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતો. ટીમલીઝ સર્વિસિસ પોણાછ ટકા કે ૧૨૦ રૂપિયા, થૉમસ કૂક સાડાપાંચ ટકા, સર્દા એનર્જી સવાપાંચ ટકા તથા હિટાચી એનર્જી સાડાચાર ટકા કે ૭૯૩ રૂપિયા બગડ્યો છે. રોકડામાં ફ્ર​ન્ટિયર સ્પ્રિંગ પરિણામની તેજીમાં ૨૦ ટકા કે ૫૧૩ રૂપિયા ઊછળી ૩૦૭૮ના શિખરે બંધ થયો છે.

આજે મેઇનબોર્ડમાં એક સહિત કુલ કંપની મૂડી બજારમાં આવશે

મેઇનબોર્ડમાં શ્લોષ બૅન્ગલોર અર્થાત્ લીલા હોટેલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૩૫ની અપર બેન્ડમાં ૧૦૦૦ કરોડની OFS સહિત કુલ ૩૫૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૨૧ ટકા સહિત કુલ ૬ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં વધીને ૨૦ થયેલું પ્રીમિયમ ગગડી હાલમાં ૧૩ થઈ ગયું છે. ગુજરાતના વાપી ખાતેની એજીસ વોપેક ટર્મિનલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૩૫ની અપર બેન્ડ સાથે ૨૮૦૦ કરોડનો IPO એના પ્રથમ દિવસે કુલ ૨૭ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૫ હતું એ તૂટી અત્યારે ૬ આસપાસ આવી ગયું છે.

SME સેગમેન્ટમાં મુંબઈના દિંડોશી ખાતેની ગુજ્જુ કંપની યુનિફાઇડ ડેટા ટેકનો ૧૦ના શૅરદીઠ ૨૭૩ના ભાવનો ૧૪,૪૪૭ લાખ રૂપિયાનો પ્યૉર OFS SME ઇશ્યુ ગઈ કાલે એના આખરી દિવસે કુલ ૯૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ અગાઉ ૧૧૦ હતું એ ઘટીને હાલ ૮૦ બોલાય છે.

૨૭ મેના રોજ કુલ ૪ ભરણાં ખૂલશે. મેઇનબોર્ડમાં નવી મુંબઈની પ્રોસ્ટર્મ ઇન્ફો સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપર બેન્ડમાં ૧૬૮ કરોડનો ઇશ્યુ કરવાની છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ પચીસથી શરૂ થયું છે. કંપની આવક નફામાં પ્રોત્સાહક દરે વધારાનો ટ્રેક-રેકૉર્ડ ધરાવે છે. SMEમાં ત્રણ ભરણાં આજે ખૂલશે. હૈદરાબાદની બ્લુવૉટર લૉજિ​સ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપર બેન્ડમાં ૪૦૫૦ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ આજે કરવાની છે. ગ્રેમાર્કેટમાં કામકાજ શરૂ થયું નથી. પિતમપુરની નિકિતા પેપર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૪ની અપર બેન્ડમાં ૬૭૫૪ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ગ્રેમાર્કેટમાં સોદા શરૂ થયા નથી. ત્રીજી કંપની એસ્ટોનિયા લૅબ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપર બેન્ડથી ૩૭૬૭ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. આ કંપનીમાં કોઈ દમ નથી. ગ્રેમાર્કેટમાં કામકાજ નથી. સૂરતના સચિન ખાતેની બોરણા વિવ્સનું લિસ્ટિંગ આજે થવાનું છે. હાલ ગ્રેમાર્કેટમાં ૪૦નું પ્રીમિયમ ક્વોટ થાય છે.

ડિફેન્સ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ બતાવી સવા ટકો પ્લસ

શુક્રવારે સાડાત્રણ ટકાથી વધુની મજબૂતીમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બનેલી ઝોમાટો ફેમ એટર્નલ ગઈ કાલે વૉલ્યુમ સાથે સાડાચાર ટકા તૂટી ૨૨૭ નીચાના બંધમાં સેન્સેક્સ અને નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. આને કહેવાય કટપીસ ચાલ. એની હરીફ ​સ્વિગી પોણો ટકો નરમ હતી. અન્યમાં સનફાર્મા, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક અને કોટક મહિન્દ્ર બૅન્ક નિફ્ટી ખાતે અડધા ટકા આસપાસ ઢીલા હતા. સેન્સેક્સ ખાતે મહિન્દ્ર સવાબે ટકા નજીક તો નિફ્ટી ખાતે બજાજ ઑટો અઢી ટકા કે ૨૧૭ રૂપિયાની મજબૂતીમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. સુપ્રીમ કોર્ટે ભૂષણ સ્ટીલને નાદારીમાં લઈ જવાના આદેશ ઉપર હાલ પૂરતી મનાઈ ફરમાવીને પરિસ્થિતિ યથાવત્ રાખવા ફરમાન કરતાં JSW સ્ટીલ ૨.૪ ટકા વધી ૧૦૩૨ વટાવી ગયો છે. હિન્દાલ્કો પોણાબે ટકા, ટ્રેન્ટ ૧.૭ ટકા, નેસ્લે ૧.૭ ટકા, HCL ટેક્નૉ-તાતા મોટર્સ તથા આઇટીસી દોઢ ટકો, હિન્દુસ્તાન યુનિલીવર અને લાર્સન ૧.૪ ટકા, ટેક મહિન્દ્ર અને હીરો મોટો કૉર્પ સવા ટકા આસપાસ, વિપ્રો ૧.૨ ટકા અને ઇન્ફોસિસ એક ટકો અપ હતા. રિલાયન્સ અડધા ટકાના સુધારામાં ૧૪૩૪ વટાવી ગયો છે. ICICI બૅન્ક ૧૪૭૧ના નવા શિખરે જઈ પોણો ટકો વધી ૧૪૬૦ના બંધમાં બજારને સર્વાધિક ૬૫ પૉઇન્ટ ફળ્યો છે. TCS ૦.૭ ટકા સુધરી ૩૫૩૮ હતો.

એક્સ-બોનસમાં તગડો જમ્પ દાખવનારી BSE લિમિટેડ ગઈ કાલે નહીંવત્ સુધારે ૨૪૫૦ રહ્યો છે. પરિણામ બાદ બે દિવસ ૫-૫ ટકાની નીચલી સર્કિટ મારનાર ૬૩ મૂન્સ ગઈ કાલે પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૮૨૨ થયો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૮૫૯૪ના શિખરે જઈ સવા ટકો વધીને ૮૫૫૪ બંધ હતો. એના ૧૮માંથી ૧૦ શૅર પ્લસ હતા. મઝગાંવ ડોક દોઢ ટકા પ્લસ તો કોચિન શિપયાર્ડ દોઢ ટકા અને ગાર્ડન રિચ બે ટકા ડાઉન હતા. ડેટા પૅટર્ન્સ પોણાચાર ટકા કે ૧૦૫ રૂપિયા મજબૂત હતા. પારસ ડિફેન્સ એક ટકા નજીક નરમ રહ્યો છે.

share market stock market business news sensex nifty ipo indian economy finance news