અમેરિકાની બર્ગન કાઉન્ટી પ્રૉપર્ટીના દસ્તાવેજોના સંગ્રહ માટે અવાલાંશ પર આધારિત બ્લૉકચેઇનનો ઉપયોગ કરશે

30 May, 2025 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ન્યુ જર્સીસ્થિત બર્ગન કાઉન્ટીએ ૨૪૦ અબજ ડૉલર મૂલ્યની પ્રૉપર્ટીના દસ્તાવેજોનો બ્લૉકચેઇન પર સંગ્રહ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ન્યુ જર્સીસ્થિત બર્ગન કાઉન્ટીએ ૨૪૦ અબજ ડૉલર મૂલ્યની પ્રૉપર્ટીના દસ્તાવેજોનો બ્લૉકચેઇન પર સંગ્રહ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પાંચ વર્ષની આ યોજના હેઠળ ૩,૭૦,૦૦૦ દસ્તાવેજો અવાલાંશ બ્લૉકચેઇન પર મૂકવામાં આવશે. એને લીધે પ્રૉપર્ટીના રેકૉર્ડની જાળવણી અને વ્યવસ્થા સહેલી, સલામત અને વધુ પારદર્શક બનશે એવું કહેવામાં આવ્યું છે.

અવાલાંશનો ઉપયોગ કરવાથી મોટા પ્રમાણમાં ડેટાનું સહેલાઈથી અને ઝડપથી સંચાલન કરી શકાય છે. આ યોજનાને પગલે ભવિષ્યમાં પ્રૉપર્ટીને લગતી દગાબાજી ટાળી શકાશે અને દસ્તાવેજોને લગતા કામકાજનો સમયગાળો ૯૦ દિવસથી ઘટાડીને માત્ર એક દિવસનો કરી શકાશે. અમેરિકામાં આ પ્રકારનો આવો ઘણો મોટો પ્રોજેક્ટ છે. એમાં બ્લૉકચેઇનની વિશિષ્ટ આવૃત્તિ–અવાક્લાઉડનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોજેક્ટને લગતું કામકાજ બાલ્કની નામની કંપની હાથ ધરવાની છે.

દરમ્યાન ૧.૧૦ લાખ ડૉલરનો ભાવ પ્રાપ્ત કર્યા બાદ બિટકૉઇન ફરીથી થોડો નીચે આવ્યો છે. ગયા સાત દિવસમાં એના ભાવમાં ૩.૧૫ ટકાનો ઘટાડો થતાં ભાવ ૧,૦૭,૩૬૩ ડૉલર પર પહોંચ્યો છે. બીજી બાજુ, ઇથેરિયમ ચોવીસ કલાકના ગાળામાં ૦.૫૯ ટકા વધીને ૨૬૫૧ ડૉલર થયો છે. વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ગુરુવારે ૦.૪૮ ટકા ઘટીને ૩.૩૯ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું.

crypto currency bitcoin united states of america new jersey real estate business news