19 August, 2023 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક આગામી બેઠકમાં પણ વ્યાજદર જાળવી રાખશે : ક્રિસિલ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મૉનિટરી પૉલિસી કમિટી આગામી બેઠકમાં ફરીથી પૉલિસી રેટ જાળવી રાખે એવી અપેક્ષા છે, કારણ કે મધ્યસ્થ બૅન્ક ફુગાવાના માર્ગ પર સ્પષ્ટ ચિત્રની રાહ જોઈ રહી છે, એમ ક્રિસિલે એક અહેવાલમાં જણાવ્યું હતું. આરબીઆઇની આગામી નાણાકીય નીતિની બેઠક ઑક્ટોબરની શરૂઆતમાં યોજાવાની છે.
રેટ વ્યુ-ક્રિસિલના નજીકના ગાળાના દરો પરના આઉટલુક શીર્ષકના અહેવાલમાં જણાવાયું છે કે ‘ખાદ્ય પદાર્થોના ભાવમાં તાજેતરના વધારા સાથે ફુગાવાના માર્ગ પર અનિશ્ચિતતા વધી છે. સરકારના હસ્તક્ષેપ અને વૈશ્વિક ખાદ્ય પુરવઠાની સાથે ચોમાસું અને હવામાનના વિક્ષેપો ફુગાવાને ઉપરની તરફ જાળવી રાખશે. ચાલુ વર્ષ દરમ્યાન વ્યાજદર ઘટાડો સંભવ નથી, એમ ક્રિસિલે જણાવ્યું હતું.
રૂપિયો ૮૩ની નીચે અસામાન્ય સ્થિતિ નથી : નાણાં મંત્રાલય
રૂપિયો અમેરિકન ડૉલરની સામે ૮૩ની નીચે ગબડી રહ્યો છે એ અસામાન્ય નથી અને ચલણદરમાં વધઘટ માત્ર ભારતીય ચલણ માટે જ નથી. નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે આરબીઆઇનાં ફુગાવા-નિયંત્રણનાં પગલાં વિનિમય દરની અસ્થિરતાને અસર કરશે એવી આશા છે.
ગુરુવારે રૂપિયો અમેરિકન ડૉલરની સામે ૮૩.૧૬ ના સર્વકાલીન ઇન્ટ્રા-ડે નીચા સ્તરે પહોંચ્યો હતો અને શુક્રવારે ૮૩.૧૦ના રેકૉર્ડ
બંધ નીચા સ્તરે સ્થિર થયોહતો. રૂપિયામાં ઘટાડાથી આયાત થઈ જેના પર ભારત એનાં તેલ, ઇલેક્ટ્રૉનિક્સ અને ખાતરને પહોંચી વળવા માટે નિર્ભર છે અને એ મોંઘું થઈ ગયું છે, જે ફુગાવાની ચિંતાને વેગ આપે છે.નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અત્યારે રૂપિયો-મૂવમેન્ટ કોઈ ચિંતાનો વિષય નથી, કારણ કે વિનિમયદર હંમેશાં અસ્થિર હોય છે, જ્યારે અમેરિકામાં યીલ્ડમાં ફેરફાર થાય છે ત્યારે એની અસર તમામ કરન્સી પર પડે છે અને રૂપિયો એનો અપવાદ નથી.’આયાત મોંઘી હોવાથી વધઘટ ફુગાવાને અસર કરશે કે કેમ એ વિશે પૂછવામાં આવતાં અધિકારીએ કહ્યું કે ‘એ એક મુદ્દો છે, પરંતુ મને ખાતરી છે કે રિઝર્વ બૅન્ક જ્યારે નિર્ણય લેશે ત્યારે એને ધ્યાનમાં રાખશે.’
વૈશ્વિક મકાઈમાં મંદી, ભાવ ૩૨ મહિનાના તળિયે
વૈશ્વિક મકાઈની બજારમાં ફરી મંદી આવી છે અને ભાવ ઘટીને ૩૨ મહિનાના તળિયે પહોંચી ગયા હતા. અમેરિકામાં મકાઈના બમ્પર ઉત્પાદનના અંદાજોથી બજારો તૂટ્યાં હતાં. બ્રોકરેજ સ્ટોનએક્સ ખાતે એશિયામાં કૃષિ માટેના વાઇસ પ્રેસિડન્ટ ડેરેન સ્ટેઝલે જણાવ્યું હતું કે ‘મકાઈના પાકની અગાઉની આગાહી કરતાં વધુ ઉત્પાદનને કારણે અમેરિકામાં મકાઈના ભાવ નીચા આવવાનાં ચાલુ રહેશે અને બજારમાં સરપ્લસ પુરવઠો પણ વધારે છે. વાયદામાં નેટ શૉર્ટ પોઝિશન વધી રહી છે, જે ફન્ડામેન્ટલી મંદીવાળાની ચાલને ટેકો આપે છે.’
શિકાગો ખાતે બેન્ચમાર્ક મકાઈ વાયદા ૪.૬૪ ડૉલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યા હતા, જે ડિસેમ્બર ૨૦૨૦ બાદની સૌથી નીચી સપાટી હતી. મકાઈ વાયદામાં સપ્તાહ દરમ્યાન ત્રણ ટકાથી વધુનો ઘટાડો જોવાયો હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચર (યુએસડીએ)નો સાપ્તાહિક પાક પ્રગતિ અહેવાલ આ સપ્તાહે જાહેર થયો હતો, જેમાં અમેરિકામાં ૫૯ ટકા મકાઈના પાકની સ્થિતિ સારીથી વધુ સારી હોવાનું રેટિંગ અપાયું હતું. બીજી તરફ બ્રાઝિલના ખેડૂતોએ ૭૧ ટકા મકાઈની કાપણી પૂર્ણ કરી છે.
વૈશ્વિક બજારમાં મકાઈના ભાવમાં ઝડપી ઘટાડાને પગલે ઘરઆંગણે પણ મકાઈના ભાવ થોડા નીચા આવે એવી સંભાવના છે. ભારતીય બજારમાં મકાઈનાં વાવેતરોના આંકડાઓ જોતાં ગયા સપ્તાહના છેલ્લા અપડેટ મુજબ દેશમાં કુલ ૨.૧૯ ટકાનો વધારો થઈને ૭૯.૧૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગયા વર્ષે આ જ સમયે ૭૭.૪૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
અમેરિકામાં મકાઈ વાયદામાં ઘટાડાની અસર અન્ય અનાજો જેવા ઘઉંના ભાવને પણ અસર કરી શકે છે. હાલના સંજોગોમાં મકાઈની સાથે ઘઉંની બજારો પણ તૂટી રહી છે. મકાઈ ઘટશે તો ઘઉં પણ વધુ ઘટશે અને એની સીધી અસર ભારતીય બજાર ઉપર જોવા મળશે. સાઉથના કેટલાક આયાતકારો ઘઉંની આયાત માટે સૌદા કરીને બેઠા છે અને સરકારની ડ્યુટી ઘટાડાની રાહમાં છે.