નજીકના સમયમાં બજારની હિલચાલથી સાવધાન રહેવાની જરૂર

26 December, 2018 06:33 PM IST  | 

નજીકના સમયમાં બજારની હિલચાલથી સાવધાન રહેવાની જરૂર

બ્રોકર-કૉર્નર 

ગયા સપ્તાહના પ્રારંભે શૅરબજાર ઊંચે ગયા બાદ છેલ્લા બે દિવસમાં પડ્યું હતું. આમ છતાં, એકંદરે નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૧.૫ અને ૧.૪ ટકાના વધારા સાથે ૧૦,૭૫૪ અને ૩૫,૭૪૨ બંધ રહ્યા હતા.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૨૧ ડિસેમ્બર સુધીમાં આશરે ૩૦૦૦ કરોડ રૂપિયા મૂલ્યનું રોકાણ કર્યું છે. નવેમ્બરમાં એનું પ્રમાણ ૬૨૦૦ કરોડ રૂપિયા હતું.

વૈશ્વિક વહેણ

ગયા સપ્તાહે વૈશ્વિક ઇન્ડેક્સ સતત ઘટયા હતા. ડાઉ જોન્સ અને નૅસ્ડૅક ૨૦૦૮ની નાણાકીય કટોકટી બાદની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા છે. આર્થિક નબળાઈ અને ફેડરલ રિઝવર્‍નાં કઠોર પગલાંની અસર તળે બજાર ઘટયાં છે. શુક્રવારે ડાઉ જોન્સ ૪૧૪ પૉઇન્ટ એટલે કે ૧.૮ ટકા અને નૅસ્ડૅક ૩ ટકા ઘટયા હતા. 

S&P-૫૦૦માં ઘટાડો ૨.૧ ટકા હતો. આખા સપ્તાહમાં ડાઉનો ઘટાડો ૬.૯ ટકા એટલે કે ૧૬૫૫ પૉઇન્ટ હતો. ઑક્ટોબર ૨૦૦૮ બાદનો આ સૌથી વધુ સાપ્તાહિક ઘટાડો છે. સાપ્તાહિક ધોરણે નૅસ્ડૅકનો ઘટાડો ૮.૪ ટકા અને S&P-૫૦૦નો ૭.૧ ટકા હતો. આખા ડિસેમ્બરમાં એનો ઘટાડો ૧૨ ટકા કરતાં વધારે રહ્યો છે. ચીન, જપાન, જર્મની, ઇટલી અને સાઉથ કોરિયાનાં શૅરબજાર પણ મંદીમાં છે. ઉપરાંત, ઑઇલમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

ક્ષેત્રવાર અંદાજ : ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ

ગ્રાહકોની માગ વધી રહી હોવાથી તથા GSTના લાભ મળી રહ્યા હોવાથી આગામી દિવસોમાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની કંપનીઓના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. આ ક્ષેત્ર હંમેશાં સલામત ગણાય છે. આથી જ ચંચળતા વધી રહી હોવા છતાં એનું આકર્ષણ અકબંધ છે.

ગયાં થોડાં ક્વૉર્ટરમાં નોટબંધી અને GSTના અમલને કારણે આ ક્ષેત્રની કામગીરી નબળી રહ્યા બાદ ઘણી કંપનીઓનાં વૉલ્યુમ વધ્યાં છે. આગામી સમયમાં આ વૃદ્ધિ સ્થિર થશે. નજીકથી મધ્યના ગાળામાં મૂલ્યાંકનો ઊંચા રહેવાની ધારણા છે.

ભાવિ દિશા

નજીકના સમયમાં બજારની હિલચાલથી સાવધાન રહેવાની જરૂર છે. એની પાછળ ક્રૂડ ઑઇલના ભાવનો ઘટાડો અને સાવર્‍ત્રિક ચૂંટણીઓ સહિતનાં ઘણાં કારણ છે. સરકારી બૅન્કોની નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના પ્રશ્નોની પણ અસર રહેશે. જોકે સારી બાબત એ છે કે સરકારે સુધારાનાં પગલાં ભરવાની શરૂઆત કરી છે.

 (લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

news