ઇક્વિટી માર્કેટ કરતાં સોનામાં સતત ત્રીજા વર્ષે રોકાણકારોને વધારે વળતર મળશે

06 November, 2012 06:14 AM IST  | 

ઇક્વિટી માર્કેટ કરતાં સોનામાં સતત ત્રીજા વર્ષે રોકાણકારોને વધારે વળતર મળશે

આગલા વર્ષે દિવાળી વખતે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૨૬,૭૦૦ રૂપિયા જેટલા હતા એ અત્યારે વધીને ૩૦,૭૦૦ રૂપિયા જેટલા થયા છે. દિવાળી સુધીમાં ભાવમાં વધુ વધારો થવાની અપેક્ષા છે અને ૩૨,૦૦૦ રૂપિયાનું લેવલ ક્રૉસ કરી જવાનો અંદાજ છે. ગઈ દિવાળીએ સોનામાં જો ૧૦ લાખ રૂપિયાનું ઇવેસ્ટમેન્ટ કર્યું હોય તો અત્યારે એનું મૂલ્ય વધીને ૧૧.૫૦ લાખ રૂપિયા જેટલું થયું છે.

ઇક્વિટી માર્કેટમાં સોના કરતાં ઓછું વળતર મળ્યું છે. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ આગલા વર્ષે દિવાળી સમયે ૧૭,૩૦૦ પૉઇન્ટની આસપાસ હતો એ અત્યાર સુધીમાં વધીને ૧૮,૭૬૦ પૉઇન્ટની આસપાસ પહોંચ્યો છે. આગલી દિવાળીએ જો ઇક્વિટી માર્કેટમાં ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો એનું મૂલ્ય અત્યાર સુધીમાં વધીને ૧૦.૮૫ લાખ રૂપિયા જેટલું થયું છે. આ ઉપરાંત ઇક્વિટીમાં રોકાણ કરવામાં વધુ જોખમ છે, જ્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ સેફ ગણવામાં આવે છે.

૨૦૧૧માં દિવાળી સુધીમાં સેન્સેક્સમાં ૧૭ ટકા કરતાં વધુનો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના ભાવ ૩૬ ટકા વધ્યા હતા. ૨૦૧૦માં સેન્સેક્સમાં ૨૧ ટકાની વૃદ્ધિ થઈ હતી, જ્યારે સોનામાં ૨૪.૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ૨૦૦૯માં સેન્સેક્સમાં ૯૨ ટકાનો જમ્પ નોંધાયો હતો. એની સામે સોનાના ભાવ ૩૪ ટકા વધ્યા હતા.