મોદી કૅબિનેટના મહત્વપૂર્ણ નિર્ણયો, 10 સરકારી બૅન્કોના વિલયને મંજૂરી

05 March, 2020 11:07 AM IST  |  New Delhi

મોદી કૅબિનેટના મહત્વપૂર્ણ નિર્ણયો, 10 સરકારી બૅન્કોના વિલયને મંજૂરી

નિર્મલા સીતારામણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઘણા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવમાં કંપની કાયદામાં સંશોધન, ૧૦ સરકારી બૅન્કોનું પરસ્પર વિલય કરી ચાર મોટી બૅન્ક બનાવવા અને એર ઇન્ડિયાના વિનિવેશ માટે એફડીઆઇ નીતિમાં ફેરફાર જેવા પ્રસ્તાવ સામેલ છે. પ્રધાનમંડળની બેઠક બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે મંજૂરી મળ્યા બાદ પીએસયુ બૅન્કોનું વિલય એક એપ્રિલથી લાગુ થશે.

નોંધનીય છે કે સરકારે પંજાબ નૅશનલ બૅન્ક સાથે ઓબીસી અને યુનાઈટેડ બૅન્કનું વિલય કરવાની જાહેરાત કરી છે. આ સિવાય કૅનરા બૅન્ક અને સિન્ડિકેટનું વિલય કરવામાં આવશે. યુનિયન બૅન્ક સાથે આંધ્રા બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કનું વિલય થશે. ઇન્ડિયન બૅન્ક અને અલાહાબાદ બૅન્કનું પરસ્પર વિલય થશે.
યોજના મુજબ યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ઓરિયન્ટલ બૅન્ક ઑફ કૉમર્સનું પંજાબ નૅશનલ બૅન્કમાં વિલય થશે, જેના કારણે તે બીજી સૌથી મોટી બૅન્ક બની જશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનમંડળે સિવિલ એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમોમાં પણ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો હેઠળ હવે એનઆરઆઇ એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી ખરીદી શકશે.

પ્રધાનમંડળે કંપની કાયદા ૨૦૧૩માં ૭૨ ફેરફારોના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આ ફેરફાર દ્વારા ઘણા પ્રકારની ગડબડને ઓળખી શકાય તેવા ગુનાની શ્રેણીમાંથી હટાવવાની યોજના છે. આ ફેરફાર બાદ હવે ઘરેલું કંપનીઓ વિદેશમાં લિસ્ટ થઈ શકશે.

nirmala sitharaman business news