બૅન્કોને બંધ પડેલી જેટ ઍરવેઝ માટેની બિડિંગ પ્રક્રિયા સફળ રહેવાની આશા

19 April, 2019 10:38 AM IST  | 

બૅન્કોને બંધ પડેલી જેટ ઍરવેઝ માટેની બિડિંગ પ્રક્રિયા સફળ રહેવાની આશા

નાણાં ખલાસ થઈ જવાને કારણે જેટ ઍરવેઝે તેની બધી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી એના એક દિવસ બાદ ગુરુવારે ઍરલાઈનને ધિરાણ આપનાર બૅન્કોએ કહ્યું હતું કે ‘ઍરલાઈન માટેની બિડિંગ પ્રક્રિયા સફળતાપૂવર્‍ક પૂરી થવાની અમને આશા છે.’

સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાએ જેટને વધુ ભંડોળ આપવાનો ઈનકાર કરતાં તેણે તેની બધી ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

જરૂરી ચર્ચા બાદ ધિરાણકર્તાઓએ નક્કી કર્યું છે કે નેટ ઍરવેઝના બચાવનો શ્રેષ્ઠ રસ્તો સંભવિત રોકાણકારો એક્સપ્રેસન ઑફ ઈન્ટરેસ્ટ સુપરત કરનાર અને જેમને ૧૬ એપ્રિલે બિડ ડૉક્યુમેન્ટ્સ ઈશ્યુ કરાયા છે તેમની પાસેથી શરતી બિડસ પ્રાપ્ત કરવાનો છે, એમ બૅન્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

સ્ટેટ બૅન્કની આગેવાની હેઠળના ૨૬ ધિરાણકર્તાઓના કૉન્સોર્ટિયમે ઋણગ્રસ્ત ઍરલાઈનના સંભાવ્ય રોકાણકારો પાસેથી ૫૧ ટકા હિસ્સા માટેની બિડસ મગાવી છે.

ધિરાણકર્તાઓ વાજબીપણે એ અંગે આશાવંત છે કે બિડિંગ પ્રક્રિયા એન્ટરપ્રાઈઝનું યોગ્ય મૂલ્ય પારદર્શી રીતે સફળતાપૂવર્‍ક નક્કી કરશે, એમ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું.

બુધવારે ધિરાણકર્તાઓએ જેટ ઍરવેઝની ૪૦૦ કરોડ રૂપિયાની તત્કાળ માગણીને નકારી કાઢી હતી, પરિણામે તેણે કામગીરી બંધ કરવી પડી હતી.

બજેટ ઍરલાઈન્સની સ્પર્ધાને કારણે જેટ ઍરવેઝની નફાશક્તિને છેલ્લા થોડા મહિનાથી અસર થઈ હતી અને દેવું વધતું રહ્યું હતું. વેચાણ વધવા છતાં તેણે સતત ચાર ક્વાર્ટરમાં ખોટ કરી હતી.

જેટ ઍરવેઝ શિખરે હતી ત્યારે ૧૨૩ પ્લેન્સ ઓપરેટ કરતી હતી અને રોજની ૬૦૦ ફ્લાઈટ્સ ચલાવતી હતી તે મંગળવારે ઘટીને માત્ર સાત થઈ ગઈ હતી.

ઍરલાઈનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિનય દુબેએ બુધવારે ઍરલાઇન્સના ઉતારુઓને ઇ-મેઈલ દ્વારા જણાવ્યું હતું, ‘ભારે દુ:ખ અને વ્યથા સાથે અમે જણાવીએ છીએ કે તત્કાળ અસરથી જેટ ઍરવેઝ તેની બધી સ્થાનિક અને ઇન્ટરનૅશનલ કામગીરી સ્થગિત કરશે. મંગળવારે અમને ભારતીય ધિરાણકર્તાઓના કૉન્સોર્ટિયમ વતી સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ અમારી વચગાળાના ભંડોળની વિનંતી પર વિચાર કરવા સમર્થ નથી. ધિરાણકર્તાઓ પાસેથી કે અન્ય સ્રોતો દ્વારા તાકીદનું ભંડોળ ન મળવાને પગલે અમે કામગીરી ચાલુ રાખવા ફ્યુઅલ કે અન્ય મહkવની સર્વિસિસ માટેની ચુકવણીઓ કરી શકીએ એમ નથી.’

તેમના જણાવ્યા પ્રમાણે ‘ઍરલાઇને છેલ્લાં કેટલાંક સપ્તાહ અને મહિનાઓમાં શક્ય એ બધા પ્રયત્ન ભંડોળ પ્રાપ્ત કરવા માટે કર્યા હતા. કમનસીબે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં વચગાળાનું કે લાંબા ગાળાનું ભંડોળ પ્રાપ્ત ન થતાં આ નર્ણિય લેવો પડ્યો છે.’

‘અમે હવે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ભારતીય ધિરાણકર્તાઓના કન્સોર્ટિયમ દ્વારા બિડિંગ પ્રક્રિયા પૂરી કરાય એની રાહ જોઈશું અને બિડ પ્રક્રિયાને ટેકો પૂરો પાડીશું’ એમ તેમણે ઉમેર્યું હતું.

news