ધિરાણનીતિમાં રહેમની આશા બૅન્ક-શૅરો મજબૂત

20 October, 2011 07:53 PM IST  | 

ધિરાણનીતિમાં રહેમની આશા બૅન્ક-શૅરો મજબૂત



(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

રિઝર્વ બૅન્કની ક્રેડિટ પૉલિસીમાં વ્યાજદરમાં વધારાને બ્રેક લાગવાની શક્યતાથી બૅન્ક-સ્ક્રિપ્સમાં સળવળાટ શરૂ

સેન્સેક્સ ઉપરમાં ૧૭,૧૦૭ અને નીચામાં ૧૬,૮૭૪ થયો હતો. બજારનું માર્કેટ કૅપ ૯૬,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૬૦.૮૪ લાખ કરોડ રૂપિયા થયું છે. ગઈ કાલની નોંધપાત્ર ઘટના સેન્સેક્સના તમામ ૩૦ શૅર તથા બજારના તમામ ૨૧ ઇન્ડેક્સ પ્લસમાં રહ્યા હોવાની કહી શકાય. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ હતી. ૧૬૭૨ જાતો વધેલી હતી તો ૧૧૩૫ શૅર નરમ હતા. એ ગ્રુપના ૮૩ શૅર ઊંચકાયા હતા. રોકડામાં આ પ્રમાણ પંચાવન ટકા આસપાસ હતું. ૧૫૯ સ્ક્રિપ્સ ઉપલી સર્કિટે બંધ હતી, સામે ૧૫૭ શૅરમાં નીચલી સર્કિટ લાગેલી હતી. રિલાયન્સ અને ટીસીએસનાં નબળા પરિણામોની અસર લગભગ ધોવાઈ જાય એ રીતે બજાર ગઈ કાલે વધ્યું હતું. આમ છતાં રિલીફ રૅલી બરકરાર છે એનો વિશ્વાસ અમને બેસતો નથી.

બૅન્ક-શૅરોમાં સળવળાટ

ઇન્ડોનેશિયા, પાકિસ્તાન તથા સાઉથ કોરિયાનું અનુકરણ કરતાં ઘરઆંગણે  આર્થિક વિકાસના નબળા સંજોગો પારખી રિઝર્વ બૅન્ક આ વખતે વ્યાજદરમાં વધારાની નીતિ પડતી મૂકશે એવી ધારણા હેઠળ બૅન્ક-શૅરોમાં સળવળાટ શરૂ થયો લાગે છે. એચડીએફસી બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ડીસીબી જેવી કેટલીક બૅન્કોનાં સારાં ક્વૉર્ટરલી પરિણામોની પણ એમાં હૂંફ મળી છે. ગઈ કાલે બૅન્કેક્સ પોણાત્રણ ટકા વધ્યો હતો. જાહેર ક્ષેત્રની લિસ્ટેડ ૨૪ બૅન્કોમાંથી ૨૩ બૅન્કો તથા ખાનગી ક્ષેત્રની ૧૭માંથી ૧૬ બૅન્કોના શૅર ગઈ કાલે પ્લસમાં હતા. કુલ બાવીસ બૅન્કોના શૅર બે ટકાથી લઈ ચાર ટકાની રેન્જમાં ઊંચકાયા હતા. બૅન્કેક્સના તમામ ૧૪ શૅર પૉઝિટિવ ઝોનમાં હતા. સેન્સેક્સમાં બૅન્ક-શૅરોનું વજન સારું એવું છે. માર્કેટ કૅપમાં પણ એમનો ફાળો સાડાનવ ટકાનો છે. નિફ્ટીને ટકાવવા કે ખેંચવા ખેલાડીઓએ બૅન્ક-શૅરોને નજરમાં રાખ્યા હોવાની શક્યતાય નકારી શકાય નહીં.

સબ કુછ ગ્રીન... ગ્રીન...

સેન્સેક્સના ત્રીસેત્રીસ શૅર ગઈ કાલે વધેલા હતા. ડીએલએફ ૪.૨ ટકાના જમ્પમાં ટોચે હતો. હીરો મોટોકૉર્પ ૪.૧ ટકા, લાર્સન ૩.૭૫ ટકા, જયપ્રકાશ અસોસિએટ્સ ૩.૩ ટકા અને વિપ્રો સવાત્રણ ટકા અપ હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાત્રણ ટકા વધી ૮૪૨ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને ૪૯ પૉઇન્ટનો લાભ થયો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્કનો ૨.૯ ટકાનો વધારો એમાં ૩૬ પૉઇન્ટનો અને લાર્સનનો ૫૦ રૂપિયાનો સુધારો ૩૪ પૉઇન્ટનો ઉમેરો કરનાર બન્યા હતા. એ ગ્રુપમાં ૧૩.૩ ટકાના ધોવાણ સાથે ક્રૉમ્પટન ગ્રીવ્સ વસ્ર્ટ પર્ફોર્મર હતો, તો એબીબી ૭.૫ ટકાના જમ્પમાં ટૉપ ગેઇનર બન્યો હતો. માર્કેટના તમામ ૨૧ બેન્ચમાર્ક વધીને બંધ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૨.૩ ટકા, કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ બે ટકા, ઑટો, મેટલ અને પીએસયુ ઇન્ડેક્સ પોણાબે ટકાની આજુબાજુ પ્લસમાં હતા. સેન્સેક્સની બે ટકાની મજબૂતી સામે મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૩ ટકા તેમ જ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૬ ટકા જ વધી શક્યા હતા. ટીસીએસ ૧.૫ ટકાના બાઉન્સ-બૅકમાં ૧૦૪૯ રૂપિયા બંધ હતો.

આજે પોણોસો પરિણામો

આજે આશરે ૭૫ જેટલાં કંપની પરિણામો જાહેર થશે, જેમાં બજાજ ઑટો, બજાજ હોલ્ડિંગ્સ, દીપક ફર્ટિલાઇઝર્સ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, જીએચસીએલ, ગુજરાત આલ્કલીઝ, જીએનએફસી, જીએસએફસી, આઇડીબીઆઇ બૅન્ક, પિરામલ હેલ્થકૅર, સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ, યસ બૅન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, થર્મેક્સ, ધનલક્ષ્મી બૅન્ક, કેપીઆઇટી ક્યુમિન્સ, ટૉરન્ટ કેબલ્સ અને મહિન્દ્ર ફૉર્જ મુખ્ય છે.

કોરોમંડલમાં કરન્ટ

કોરોમંડલ ઇન્ટરનૅશનલે વર્તમાન શૅરધારકોને પ્રત્યેક શૅરદીઠ ૧૫ રૂપિયાનું એક ડિબેન્ચર બોનસ તરીકે આપવાની જાહેરાત કરી છે. ગોલ્ડન જ્યુબિલી વર્ષની આ ભેટના પગલે શૅર ગઈ કાલે નવ ટકાથી વધુના જમ્પમાં ઉપરમાં ૩૩૭ રૂપિયા થયો હતો. ડિબેન્ચર્સ પર વાર્ષિક નવ ટકાનું વ્યાજ મળશે. કંપની પંજાબ ખાતે દૈનિક ૮૦૦ ટનની ક્ષમતાવાળો નવો સિંગલ સુપર ફૉસ્ફેટ ખાતરનો પ્લાન્ટ ઊભો કરવાની છે. આઇવીઆરસીએલને કુલ મળીને ૫૫૨ કરોડ રૂપિયાના નવા ઑર્ડર મળ્યા હોવાના સમાચારે શૅરનો ભાવ પોણાછ ટકા ઊંચકાઈને ૩૭.૭૫ રૂપિયા થયો હતો. પાછળથી સુધારો ૩.૭ ટકાએ સીમિત હતો.

બન્ને આઇપીઓનું નબળું લિસ્ટિંગ

શૅરદીઠ ૧૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા આઇપીઓ ટેકશીલ સૉલ્યુશન્સનું લિસ્ટિંગ નબળું પુરવાર થયું છે. શૅરનો ભાવ ગઈ કાલે ૧૫૭ રૂપિયા ખૂલી અલ્પકાલીન તોફાનમાં ઉપરમાં ૧૮૫ રૂપિયા બતાવી સતત વેચવાલીમાં નીચામાં ૫૬ રૂપિયા થયા બાદ એની આસપાસ જ બંધ રહ્યો હતો, જે ૬૩ ટકાનું ડિસ્કાઉન્ટ કહી શકાય, તો ૧૫૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા ફ્લેક્સીટફ ઇન્ટરનૅશનલનું લિસ્ટિંગ ૧૫૫ રૂપિયાના ભાવે થયું હતું. ભાવ ઉપરમાં ૧૮૬ રૂપિયા નજીક ગયા બાદ ઘટીને ૧૪૨ રૂપિયા બોલાયો હતો ને છેલ્લે ભાવ માંડ ૧૫ રૂપિયા જેવો હતો. વૉલ્યુમ ૧૭૫ લાખ શૅરનું હતું. ટેકશીલમાં વૉલ્યુમ ૩૬૭ લાખ શૅરનું હતું.