નવી પ્રોડક્ટ્સ, ઓછા ખર્ચે સર્વિસ-ટેક્નૉલૉજી અને ટ્રેડિંગ વૉલ્યુમ વધારવાનું બીએસઈનું લક્ષ્ય

06 November, 2012 06:16 AM IST  | 

નવી પ્રોડક્ટ્સ, ઓછા ખર્ચે સર્વિસ-ટેક્નૉલૉજી અને ટ્રેડિંગ વૉલ્યુમ વધારવાનું બીએસઈનું લક્ષ્ય



જયેશ ચિતલિયા

મુંબઈ, તા. ૬

છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરિમ સીઈઓ તરીકે કાર્યરત ગુજરાતી યુવાન આશિષ ચૌહાણને બીએસઈ ર્બોડે શુક્રવારે એમડી તથા સીઈઓ તરીકે પસંદ કરી લીધા એ પછી આ વિશે આનંદ અને ગૌરવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું ‘શૅરબજારો વચ્ચેની હરીફાઈ તીવ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્રીજું સ્ટૉક એક્સચેન્જ એમસીએક્સ-એસએક્સ ટૂંક સમયમાં કાર્યરત થઈ રહ્યું છે. બીજી તરફ હરીફાઈને પગલે નવા પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. આ તમામ પડકારોનો સામનો કરવા બીએસઈ સજ્જ બન્યું છે એટલું જ નહીં, આ એક્સચેન્જે સતત કંઈક નવું કરતા રહેવાનું લક્ષ્ય પણ બનાવ્યું છે. એશિયાના આ સૌથી જૂના શૅરબજારે પોતાને નવેસરથી સક્ષમ બનાવવા ચોક્કસ વ્યૂહરચના ઘડી છે જેનો એના સભ્ય શૅરદલાલો તથા રોકાણકારોના લાભમાં અમલ થશે.’

મૂળ અમદાવાદના અને મુંબઈમાં આઇડીબીઆઇથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આશિષભાઈએ એનએસઈની સ્થાપનામાં પાયાની ભૂમિકા ભજવી હતી, જ્યાં તેમણે ટેક્નૉલૉજી ઉપરાંત ડેરિવેટિવ્ઝમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. એ પછી તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેસિડન્ટ અને ગ્રુપ ચીફ ઇન્ફર્મેશન ઑફિસર તરીકે કામગીરી બજાવી હતી. તેમને ૨૦૦૫થી ૨૦૦૯ દરમ્યાન વિવિધ અગ્રણી સંસ્થાઓ તરફથી ટોચના ચીફ ઇન્ફર્મેશન ઑફિસર તરીકેનું સન્માન મળ્યું હતું. ૨૦૦૯માં તેઓ બીએસઈમાં ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે જોડાયા હતા. ‘મિડ-ડે’ સાથે તેમણે બીએસઈ માટેના ભાવિ પ્લાન્સ વિશે કરેલી વાતોની ઝલક અહીં પ્રસ્તુત છે:

હવેની પ્રાયૉરિટી શું?

હવે પછી મારી પ્રાયૉરિટી બીએસઈના દરેક સેગમેન્ટમાં ટ્રેડિંગ વૉલ્યુમ વધારવાની અને ટેક્નૉલૉજીને વધુ મજબૂત તેમ જ સભ્યોને વધુ સક્રિય બનાવવાની છે. અલબત્ત, બીએસઈમાં જોડાયા પછી અત્યાર સુધી મેં આ વિષયમાં સતત કાર્ય કરતા રહેવાનો અભિગમ રાખ્યો છે એટલું જ નહીં, સતત નવું કરતા રહેવાનું લક્ષ્ય પણ સેવ્યું છે. એમાં મ્યુચ્યુઅલ ફન્ડ માટે ઊભું કરાયેલું સ્ટાર એમએફ પ્લૅટફૉર્મ તથા સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ (એસએમઈ) માટેના એક્સચેન્જ કે સેગમેન્ટ મુખ્ય છે. આ બન્ને મામલે બીએસઈ હરીફ એક્સચેન્જ એનએસઈ કરતાં અત્યારે આગળ છે. અહીં મને વધુ સફળતા મળવાની આશા છે.

ડેરિવેટિવ્ઝ પર વધુ જોર કઈ રીતે અપાશે?

હવે બીએસઈ ડેરિવેટિવ્ઝ પર ફોકસ વધારશે. આમ પણ છેલ્લા એકાદ વરસથી બીએસઈ આ મામલે એકધારા પ્રયાસ કરતું રહી સારુંએવું વૉલ્યુમ ઊભું કરી શક્યું છે. આ સેગમેન્ટ માટે રોકડ પ્રોત્સાહન યોજના અમલી બનાવી એ પછી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગનું કામકાજ સતત વધ્યું છે અને પ્રોત્સાહન યોજના પૂરી થયા પછી પણ એ જળવાઈ રહેવાની આશા છે, કેમ કે બીએસઈ પર ડેરિવેટિવ્ઝનાં કામકાજ કરવાનો ખર્ચ પણ એનએસઈ કરતાં નોંધપાત્ર ઓછો આવે છે. દરમ્યાન ઝી બિઝનેસ ચૅનલ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ વિશે દેશભરમાં રિયલિટી શો યોજી રહી છે જેમાં સામાન્ય રોકાણકારોને સમજાય એવા ફૉર્મેટમાં દસ ભાગોમાં સેન્સેક્સ કા સુલતાન નામે રિયલિટી શો થશે અને એમાં વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવશે. આ માર્ગે ડેરિવેટિવ્ઝને વધુ સરળ સ્વરૂપે લોકો સુધી પહોંચતું કરવામાં આવશે. બીએસઈ પોતે પણ સતત ડેરિવેટિવ્ઝ સંબંધિત જાગૃતિ-માર્ગદર્શક કાર્યક્રમો યોજતું રહે છે જેથી ભવિષ્યમાં એ વૉલ્યુમમાં કન્વર્ટ થઈ શકે.

નવી પ્રોડક્ટ્સ માટે શું સ્કોપ?

નવી પ્રોડક્ટ્સમાં બીએસઈએ તાજેતરના સમયમાં જ કૅશ ફ્યુચર્સ સ્પ્રેડ નામની નવી પ્રોડક્ટ દાખલ કરી છે, જેમાં રોકાણકાર ખેલાડીને કૅશ અને ફ્યુચર્સ માર્કેટ બન્ને તરફથી કામ કરવાની તક મળે છે. એ જ રીતે એનએસઈના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી જેવી પ્રોડક્ટ બીએસઈ-૧૦૦માં ડેરિવેટિવ્ઝ શરૂ કર્યું છે. અર્થાત્ નિફ્ટીમાં જે તત્વો છે એ સમાન તત્વો આ પ્રોડક્ટમાં હોવાથી ટ્રેડર્સ વર્ગ અહીં એનો એનએસઈ કરતાં ખૂબ ઓછા ખર્ચે લાભ લઈ શકે છે. વધુમાં શૅરધિરાણ યોજના તેમ જ માર્જિન ટ્રેડિંગ પર પણ એક્સચેન્જ કામ કરી રહ્યું છે. અમે દલાલો તથા રોકાણકારોને સારી સર્વિસ અને સુવિધા આપવાની મહેનત કરવામાં પાછીપાની નહીં કરીએ.

બીએસઈનું વૉલ્યુમ છેલ્લા અમુક સમયથી સતત ઘટી રહ્યું છે, બજાર પણ વિપરીત સંજોગોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તમે આ કામ કઈ રીતે પાર પાડી શકશો?

અમે અમારા તમામ સભ્યોને સમજાવી રહ્યા છીએ કે બીએસઈ તમને સારી સર્વિસ અને ટેક્નૉલૉજી આપવા તત્પર છે. આ બધું ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે સભ્યો સંપૂર્ણપણે અન્ય એક્સચેન્જ પર ફંટાઈ જવાને બદલે પોતાના આ માતૃ-એક્સચેન્જ પાસે રહે એ વધુ બહેતર છે. બીએસઈ પાસે શૅરબજારનાં મૂળિયાં છે અને અહીંથી જ સૌ તૈયાર થઈને બીજે ગયા છે. બીએસઈ હંમેશાં પોતાના સભ્યો પ્રત્યે આદરભાવ રાખી તેમને સારી સર્વિસ આપવાનું લક્ષ્ય રાખે છે. આમ અમે અમારા સભ્યોને સમજાવીશું કે બીએસઈમાં પાછા ફરો. આ તમારું એક્સચેન્જ છે અને એને સાચવી લેવું તમારા જ હિતમાં છે. અમે સભ્યોનો વિશ્વાસ વધારવા પર પણ જોર લગાવી રહ્યા છીએ.

બીએસઈના આઇપીઓનું શું થયું?

બીએસઈ એનો આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ) લાવવાની તૈયારીમાં છે. આ માટે નિમાયેલી ખાસ કમિટીની મીટિંગોનો દોર સતત ચાલુ છે. એના સ્ટેકહોલ્ડોરોને તેમના શૅરોના સારા ભાવ મળે એ માટે બીએસઈ સતત પ્રયત્નશીલ છે અને રહેશે. આગામી વરસે આ યોજના આકાર લેશે.