રઘુરામ રાજનને એક્સ્ટેન્શન મળશે?

17 May, 2016 04:04 AM IST  | 

રઘુરામ રાજનને એક્સ્ટેન્શન મળશે?



રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને હજી ઘણું કામ બાકી છે એવું કહીને બીજી મુદત માટે પદ પર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે એવા સમયે નાણાપ્રધાન અરુણ જેટલીએ આ બાબતે કોઈ સ્પક્ટ વાત કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે આ વિષયે એટલું જ કહ્યું છે કે કેન્દ્રીય બૅન્ક અને સરકાર વચ્ચેના સંબંધમાં પરિપક્વતા છે.

નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘નાણામંત્રાલય અને રિઝર્વ બૅન્ક વચ્ચે સંસ્થાકીય સંબંધ છે. આ સંબંધ ઘણો જ પરિપક્વ છે. બન્ને સંસ્થાઓમાં ટોચના સ્તરે ચર્ચાવિચારણા થાય છે અને એકબીજાના વિચારોને ધ્યાનમાં લેવાય છે.’

રાજનને બીજી મુદત માટે નીમવામાં આવશે કે કેમ એવા સ્પક્ટ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આવા મુદ્દાઓની ચર્ચા પ્રસાર-માધ્યમો મારફત ન થાય.

નોંધનીય છે કે રાજનની મુદત આગામી સપ્ટેમ્બરમાં પૂરી થઈ રહી છે. હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાજનને હોદ્દા પરથી દૂર કરવાની વાત કરી હોવાને લીધે આ પ્રશ્ન ચર્ચાસ્પદ બની ગયો છે.