રિલાયન્સ રાજાપાઠમાં આવતાં બજાર બગડતું બચી ગયુ

19 January, 2019 10:30 AM IST  |  | અનિલ પટેલ

રિલાયન્સ રાજાપાઠમાં આવતાં બજાર બગડતું બચી ગયુ

શૅરબજારનું ચલકચલાણું

ધારણા કરતાં બહેતર પરિણામના કૈફમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રાજા પાઠમાં આવતાં શૅરબજારનો શુક્રવાર બગડતો રહી ગયો છે. સેન્સેક્સ બાર પૉઇન્ટ વધી 36,387 તથા નિફ્ટી પાંચ પૉઇન્ટ વધી 10,910 બંધ રહ્યા છે. ગઈ કાલે સેન્સેક્સના 31માંથી 19 અને નિફ્ટીના 50માંથી 33 શૅર માઇનસ હતા. સનફાર્મા 8.5 ટકાના ધોવાણમાં 391ની મલ્ટિયર બૉટમ બનાવી સળંગ બીજા દિવસે ટૉપ લૂઝર બન્યો છે તો રિલાયન્સનાં પરિણામમાં જીઓની પ્રગતિને કારણે ભારતી ઍરટેલ 6.4 ટકા ડૂલ થઈને સેકન્ડ વસ્ર્ટ પર્ફોર્મર થયો છે. રિલાયન્સ 4.3 ટકાની તેજીમાં 1183 રૂપિયા બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. એની તેજી સેન્સેક્સને 156 પૉઇન્ટ લાભદાયી નીવડી હતી. રોકાણકારોની સંપત્તિ રિલાયન્સના કેસમાં ગઈ કાલે 31186 કરોડ રૂપિયા વધી છે. 7.50 લાખ કરોડ જેવા માર્કેટ કૅપ સાથે રિલાયન્સ ફરીથી દેશની નંબર વન કંપની બની છે. ટીસીએસ ચારેક રૂપિયાના મામૂલી સુધારામાં 1899 રૂપિયા બંધ રહેતાં એનું માર્કેટ કૅપ ગઈ કાલે 7,12,578 કરોડ રૂપિયા નોંધાયું છે. ખરાબ પરિણામ છતાં સારા ગાઇડન્સિસની આડમાં ઝળકેલી ઇન્ફોસિસમાં સુધારાનાં વળતાં પાણી હોય એમ ભાવ સતત બીજા દિવસે ઘટી 732 રૂપિયા બંધ આવ્યો છે. ત્રિમાસિક પરિણામ સાથે બોનસ માટેની ર્બોડ-મીટિંગ આઉટકમ પર નજર રાખતાં વિપ્રો સુધારાની આગેકૂચમાં ગઈ કાલે 348નું બેસ્ટ લેવલ બતાવી છેલ્લે ત્રણ ટકા ઊછળી 346 રૂપિયા બંધ હતો. બજારની અપેક્ષા મુજબનો 1144 કરોડનો નેટ પ્રૉફિટ આપનાર એચયુએલ ગઈ કાલે ઉપરમાં 1769 અને નીચામાં 1729 થઈ અંતે 0.4 ટકાના ઘટાડે 1744 નજીક હતો. ઇજનેરી જાયન્ટ લાર્સનમાં પરિણામ 25 જાન્યુઆરીએ આવવાનાં છે. 9000 કરોડ રૂપિયાના બાયબૅકનો મામલો સેબીમાં અટવાઈ પડ્યો છે. શૅર ગઈ કાલે બે ટકાથી વધુ ખરડાઈને 1318 રૂપિયા રહ્યો છે.

ધનલક્ષ્મી બૅન્કનું ટર્નઅરાઉન્ડ એળે ગયું

ખાનગી ક્ષેત્રની સ્મૉલ કૅપ બૅન્ક ધનલક્ષ્મીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉની 22 કરોડની નેટ લૉસ સામે આ વખતે 17 કરોડ રૂપિયા આસપાસ નેટ પ્રૉફિટ કર્યો છે. જોકે એનપીએ વધી છે. આના લીધે શૅર ગઈ કાલે પ્રારંભિક સુધારામાં 19 રૂપિયા વટાવ્યા પછી અંતે ચાર ગણા વૉલ્યુમમાં સાડાત્રણ ટકા ઘટીને 17.65 રૂપિયા બંધ રહ્યો છે. દરમ્યાન શુક્રવારે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી નહીંવત્ નરમ હતા, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરમાં ઘટાડા સામે વધુ સવા ટકો ડાઉન થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની 41માંથી 35 જાતો ગઈ કાલે નરમ હતી. ઇન્ડિયન બૅન્ક સર્વાધિક છ ટકા તૂટ્યો હતો. એયુ સ્મૉલ બૅન્ક પાંચ ટકા, સિન્ડિકેટ બૅન્ક સાડાચાર ટકા, આઈડીબીઆઈ પોણાચાર ટકા, કૉર્પોરેશન બૅન્ક સાડાત્રણ ટકા માઇનસ હતા. કોટક મહિન્દ્ર બૅન્ક દોઢેક ટકાના સુધારામાં 1237 રૂપિયા અને ફેડરલ બૅન્ક પ્રત્યાઘાતી સુધારામાં 90 રૂપિયા નજીક બંધ હતા. બંધન બૅન્ક, ઍક્સિસ બૅન્ક, પીએનબી, યસ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા ઇત્યાદિ દોઢથી બે ટકા ઘટેલા હતા. દરમ્યાન રાઇસ એક્સર્પોટ્સ બિઝનેસમાં પ્રવૃત્ત કેઆરબીએલ ગઈ કાલે આઠ ગણા કામકાજમાં સાડાબાર ટકા ઊછળી 381 રૂપિયા બંધ હતો. એલટી ફૂડ્સ અને કોહિનૂર ફૂડ્સ દોઢેક ટકો નરમ હતા. મેજેસ્ટિક ઑટો પરિણામ પછી તેજીને આગળ ધપાવતાં સળંગ ત્રીજા દિવસે ઉપલી સર્કિટમાં ૧૬૧ રૂપિયા બંધ હતો સર્કિટ-લિમિટ ૨૦ ટકાથી ઘટાડી ગઈ કાલથી ૧૦ ટકાની કરવામાં આવી છે.

રિઝલ્ટ બાદ રિલાયન્સ રાજાપાઠમાં આવી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બજારની એકંદર ધારણા કરતાં ઘણાં સારાં ત્રિમાસિક પરિણામ રજૂ કરાયાં છે. કંપનીની કુલ આવક કન્સોલિડેટેડ ધોરણે 55.4 ટકા વધીને 10,251 કરોડ રૂપિયા થયો છે. જોકે વ્યાજનો ખર્ચ પણ 96.6 ટકા વધીને 4119 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે આ જોતાં ચાલુ વર્ષના અંતે કંપનીનું કુલ દેવું ત્રણ લાખ કરોડ રૂપિયાને આંબી જાય તો નવાઈ નહીં. બજારની એકંદર 9610 કરોડ રૂપિયાની આસપાસની ધારણા સામે નેટ પ્રૉફિટ સારોએવો વધીને આવતાં શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં 1189 થઈ અંતે 4.3 ટકા ઊંચકાઈ 1183 રૂપિયા બંધ આવ્યો છે. આના કારણે રોકાણકારોની સંપત્તિમાં ગઈ કાલે 37186 કરોડ રૂપિયાનો અને સેન્સેક્સને 156 પૉઇન્ટનો ફાયદો થયો હતો. રિલાયન્સમાં પરિણામ બાદ પ્રભુદાસ લીલાધરે 1238ના ટાર્ગેટ સાથે ખરીદવાની, મૅક્વાયરે 1315ના ટાર્ગેટ સાથે લેવાની તો યુબીએસ તરફથી 1070ના ટાર્ગેટ સાથે વેચવાની ભલામણ આવી છે. તાજેતરમાં સીએલએસએ દ્વારા આ શૅરમાં ભાવ વધીને 1500 રૂપિયા સુધી જવાની ધારણા સાથે બુલિશ વ્યુ જારી થયો હતો.

સન ફાર્મા પથારીવશ, ભાવ છ વર્ષના તળિયે

કૉર્પોરેટ જગતનું મોટું માથું ગણાતા દિલીપ સંઘવી અને તેમની સન ફાર્મા છેલ્લા કેટલાક વખતથી ખરાબ કારણોસર ચર્ચામાં છે. મૅનેજમેન્ટ પર ગેરવહીવટ અને શેરધારકોના હિતના ભોગે કમાણી કરી હોવાના વ્હિસલ-બ્લોબર તરફથી સતત આક્ષેપ થઈ રહ્યા છે. મૅનેજમેન્ટ હજી સુધી આ બધાનો સટીક, સ્પક્ટ ખુલાસો આપી શકી નથી. સરવાળે દાળમાં કાળું હોવાની આશંકા ઘેરી બની રહી છે. સન ફાર્મા અને દિલીપ સંઘવી દ્વારા આચરવામાં આવેલી કથિત ગેરરીતિ વિશે સેબીમાં 172 પાનાંની નવી ફરિયાદ થઈ હોવાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે બાર ગણા જંગી કામકાજમાં ૩૭૫ની છ વર્ષની નીચી સપાટી બતાવી અંતે 8.5 ટકાના કડાકામાં 391 રૂપિયા બંધ રહ્યો છે. આજથી પોણાચાર વર્ષ પૂર્વે, એપ્રિલ-2015માં સન ફાર્માના શૅરનો ભાવ 1200 રૂપિયા નજીક ઑલટાઈમ હાઈ થયો હતો ત્યારે દિલીપ સંઘવી દેશના નંબર વન ધનકુબેર બની ગયા હતા, મુકેશ અંબાણી પાછળ હડસેલાતા હતા. મુકેશભાઈની બદદુઆ લાગી હોય એમ ત્યાર પછી શૅર વધ-ઘટે ઘસાતો ગયો છે. ગ્રુપ-કંપની સ્પાર્કનો ભાવ પણ ગઈ કાલે 141ની સાડાચાર વર્ષની બૉટમ બનાવી 13.7 ટકા તૂટીને 148 રૂપિયા બંધ હતો. વર્ષની ટૉપ અહીં 523 રૂપિયા નજીકની હતી એ ધોરણે અહીં રોકાણકારોની 70 ટકાથી વધુ મૂડી સાફ થઈ ગઈ છે. સન ફાર્માની પાછળ ફાર્મા ક્ષેત્રમાં માનસ બગડ્યું છે. હેલ્થકૅર ઇન્ડેક્સ 69માંથી 48 શૅરની નરમાઈમાં કેપ્લિન પૉઇન્ટ, લ્પ્લ્ ફાર્મા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, યુનિકેમ લૅબ, ડીઆઈએલ, ગ્રૅન્યુઅલ્સ ઇન્ડિયા, સ્ટ્રાઇડ, કૅડિલા હેલ્થકૅર, ઍસ્ટ્રા ઝેનેકા, વૉકહાર્ટ, ગ્લેનમાર્ક સહિત સંખ્યાબંધ શૅર બે ટકાથી લઈ સાડાછ ટકા ખરડાયા હતા.

આ પણ વાંચોઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 9 ટકા વધીને 10,250 કરોડ રૂપિયા

જીઓના ગ્રોથમાં ટેલિકોમ શૅર તણાઈ ગયા

રિલાયન્સ જીઓ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં સબસ્ક્રાઇબર્સની સંખ્યા 28 કરોડને વટાવી જવાની સાથે કંપનીનો ઑપરેટિંગ પ્રૉફિટ 788 કરોડની ધારણા સામે 831 કરોડ રૂપિયા આવ્યો છે. જીઓની આ પ્રગતિ હરીફ ટેલિકૉમ કંપનીઓ માટે વધુ જોખમી બનાવાની દહેશત પ્રબળ બનતાં ગઈ કાલે ગ્લ્ચ્નો ટેલિકૉમ ઇન્ડેક્સ 16માંથી 12 શૅરની ખરાબીમાં સર્વાધિક 3.8 ટકા કટ થયો હતો. ભારતી ઍરટેલ અઢી ગણા કામકાજમાં 305ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ 6.4 ટકા ગગડીને 311 રૂપિયા, વોડાફોન-આઈડિયા સવાબે ગણા કામકાજમાં 34 થઈ અંતે 4.5 ટકા તૂટી 35 રૂપિયા અને તાતા કમ્યુનિકેશન્સ 2.3 ટકા ઘટી 519 રૂપિયા બંધ હતા. તેજસ નેટ, હિમાચલ ફ્યુચરિસ્ટિક, આરકૉમ, એમટીએનએલ, ભારતી ઇન્ફ્રાટેલ,જીટીપીએલ ઇત્યાદિ પોણાથી ત્રણ ટકા તો ત્વ્ત્ પાંચ ટકા ડાઉન હતા. ઇન્ટરનેટ બ્રૉડબૅન્ડ તેમ જ કેબલ ટીવી બિઝનેસમાં પ્રવૃત્ત ડિશ ટીવી ચાર ટકા નરમ હતો. ટેલિકૉમ શૅરના ભારમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ 29માંથી 21 શૅરના ઘટાડે અડધો ટકો ઢીલો હતો. અત્રે સન ટીવી 7.2 ટકાની ખરાબીમાં ૫૨૫ રૂપિયા બંધ હતો.