અનિલ અંબાણી ગ્રુપે શરૂ કરી બૅન્કની સ્થાપનાની તૈયારીઓ

26 December, 2014 05:12 AM IST  | 

અનિલ અંબાણી ગ્રુપે શરૂ કરી બૅન્કની સ્થાપનાની તૈયારીઓ

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કૅપિટલે બૅન્કની સ્થાપના કરવાના આયોજનના અમલમાં એક મોટું પગલું ભર્યું છે. એણે ગઈ કાલે જપાનની સુમિટોમો મિત્સુઇ ટ્રસ્ટ બૅન્ક (SMTB) સાથે બૅન્કિંગના પ્રસ્તાવિત સાહસ સહિતના વિવિધ બિઝનેસ માટે વ્યૂહાત્મક સહયોગ માટેના કરાર કર્યા હતા. SMTB જપાનની સૌથી મોટી નાણાકીય સંસ્થા છે. એ ૧.૮ ટ્રિલ્યન ડૉલરની ઍસેટ્સનું વ્યવસ્થાપન કરે છે. એ રિલાયન્સ કૅપિટલમાં શરૂઆતમાં ૨.૭૭ ટકા હિસ્સો ખરીદશે. બન્ને કંપનીઓ વચ્ચેના વ્યૂહાત્મક સહયોગના ભાગરૂપે આ સોદો ૩૭૧ કરોડ રૂપિયામાં કરવામાં આવશે. બન્ને કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ કૅપિટલ ભારતમાં નવી બૅન્ક સ્થાપવા માગે છે. રિઝર્વ બૅન્કની મંજૂરી મળ્યે આ કાર્યમાં લ્પ્વ્ગ્ને વ્યૂહાત્મક ભાગીદાર બનાવાશે. આ કંપનીઓ પરસ્પરના દેશમાં મર્જર ઍન્ડ ઍક્વિઝિશન તથા અન્ય સેવાઓ પણ આપશે.

અહીં નોંધવું ઘટે કે રિલાયન્સ કૅપિટલે જપાનની નાણાકીય ક્ષેત્રની કોઈ કંપની સાથે સહકાર સાધ્યો હોવાનો આ બીજો પ્રસંગ છે. અગાઉ એણે જીવન વીમા તથા મ્યુચ્યુઅલ ફન્ડ ક્ષેત્રનાં પોતાનાં સાહસોમાં નિપ્પોન લાઇફને હિસ્સો વેચ્યો હતો. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જપાનની મુલાકાતે જઈ આવ્યા બાદ ભારત સરકાર પણ જપાન સાથેના વેપારી સંબંધો વિકસાવવા કાર્યરત હોવાથી ઉક્ત સહયોગ અગત્યનો બને છે.

અનિલ અંબાણી શું કહે છે?

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણીએ જણાવ્યું છે કે સુમિટોમો મિત્સુઇ ટ્રસ્ટ અમારી કંપનીના ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમના સર્વાંગી સહકાર તથા બહોળા અનુભવનો અમને લાભ મળશે અને એનાથી અમે નવી તકનો ઉપયોગ કરી શકીશું અને વર્તમાન બિઝનેસનું વિસ્તરણ કરી શકીશું

SMTB સાથેના સહયોગની મુખ્ય કડીઓ

SMTB રિલાયન્સ કૅપિટલમાં ૩૭૧ કરોડ રૂપિયામાં પ્રેફરન્શિયલ ફાળવણી દ્વારા ૨.૭૭ ટકા હિસ્સો ખરીદશે. રોકાણને એક વર્ષનો લૉક ઇન પિરિયડ લાગુ પડશે આ રોકાણ પ્રતિ શૅર ૫૩૦ રૂપિયાના હિસાબે કરાશે. આમ કંપનીના સ્ટૉકના ભાવ પર ૧૧ ટકાનું પ્રીમિયમ મળશે.