સરકાર એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા તૈયાર

11 November, 2014 03:41 AM IST  | 

સરકાર એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા તૈયાર


નવી ઉડ્ડયન નીતિની જાહેરાત : ગઈ કાલે નવી દિલ્હીમાં સિવિલ એવિયેશન પૉલિસીનો ડ્રાફ્ટ જાહેર કરતા નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન અશોક ગજપતિ રાજુ, સિવિલ એવિયેશન સેક્રેટરી વી. સોમસુંદરમ અને ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ચૅરમૅન સુધીર રાહેજા.



કેન્દ્ર સરકારે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને હેલિકૉપ્ટર કંપની પવનહંસનું સ્ટૉક એક્સચેન્જોમાં લિસ્ટિંગ કરવાની જાહેરાત નાગરી ઉડ્ડયન નીતિના મુસદ્દામાં કરી છે. મુસદ્દો જાહેર કરતી વખતે નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન અશોક ગજપતિ રાજુએ એમ પણ જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયાનું ખાનગીકરણ તત્કાળ થવાનું નથી, પરંતુ ભવિષ્યમાં થઈ શકે છે. આ બાબતે વિવિધ લોકોનાં સૂચનો મગાવવામાં આવ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે ‘પારદર્શકતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુસર ઍરપોર્ટ ઑથોરિટી અને પવનહંસનું લિસ્ટિંગ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઍર ઇન્ડિયાના વિકાસની ભાવિ રૂપરેખા ઘડવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવશે.’

ઍર ઇન્ડિયા સંપૂર્ણ ક્ષમતાથી કામ કરે એવી તકેદારી રાખવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાગરી ઉડ્ડયન મંત્રાલય હેઠળની તમામ સંસ્થાઓ ઓછા ખર્ચ અને વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરે એ માટે મિશન મોડ પ્રોજેક્ટની રચના કરવામાં આવશે.

નાગરી ઉડ્ડયન નીતિના મુસદ્દા વિશે અશોક ગજપતિએ કહ્યું હતું કે લિસ્ટિંગ થયા બાદ ઍરપોર્ટ ઑથોરિટી તથા પવનહંસનું કૉર્પોરેટાઇઝેશન કરવામાં આવશે, જેથી એમના કારભારમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા વધે.

ભારતીય ઍરલાઇન પાંચ વર્ષ સુધી સ્થાનિક ઉડ્ડયનો ચલાવી ચૂકી હોય અને ૨૦ વિમાનો ધરાવતી હોય એને જ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન કરવાની પરવાનગી આપવાના નિયમની સમીક્ષા કરવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નીતિનો અમલ આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં કરવાની અપેક્ષા છે.

ઍરપોર્ટ ઑથોરિટી અને પવનહંસ શું કાર્ય કરે છે?

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની મિની રત્ન ગણાતી કંપનીઓમાં સામેલ છે. એ દેશભરમાં ૧૧ આંતરરાષ્ટ્રીય, ૮૧ સ્થાનિક અને ૮ કસ્ટમ્સ ઍરપોર્ટ સહિત કુલ ૧૨૫ ઍરપોર્ટનું સંચાલન કરે છે. એ સંરક્ષણ ક્ષેત્રની હવાઈપટ્ટીઓ ખાતે ૨૫ નાગરી એન્ક્લેવનું પણ સંચાલન કરે છે. એણે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બૅન્ગલોર અને નાગપુર ઍરપોર્ટની સુધારણા માટે સંયુક્ત સાહસો કર્યા છે. આ ઑથોરિટી ભારતની સંપૂર્ણ હવાઈ સીમા તથા પાડોશની દરિયાઈ સીમામાં હવાઈ પરિવહનનું સંચાલન કરે છે.

પવનહંસ લિમિટેડની સ્થાપના ૧૯૮૫માં કરવામાં આવી હતી. એમાં ભારત સરકારનો હિસ્સો ૫૧ ટકા છે અને ૪૯ ટકા હિસ્સો ONGCનો છે. ઑઇલ ક્ષેત્રને એના દરિયાઈ શારકામ કામકાજ માટે તથા પર્યટનને પ્રોત્સાહન આપવા દૂરના તથા પર્વતાળ વિસ્તારોમાં હેલિકૉપ્ટર-સર્વિસ પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશથી એની સ્થાપના કરવામાં આવી હતી. આટલાં વર્ષોમાં એ એશિયાની સૌથી મોટી હેલિકૉપ્ટર કંપની બની ગઈ છે. એની પાસે ૪૭ હેલિકૉપ્ટર છે.

મુસદ્દામાં શું જણાવ્યું છે?

પ્રાદેશિક ઍર કનેક્ટિવિટી વધારવામાં આવશે

છ મોટાં ઍરપોર્ટને આંતરરાષ્ટ્રીય હવાઈ કેન્દ્ર બનાવવામાં આવશે

પ્રાઇવેટ-સરકારી ક્ષેત્રના સહયોગથી વધુ ઍરપોર્ટ વિકસાવવામાં આવશે

જેટ ફ્યુઅલના ભાવને વાજબી સ્તરે લવાશે

ઍર કાર્ગોને પ્રોત્સાહન આપવામાં આવશે

ઉતારુઓ માટેની સુવિધાઓ સુધારવામાં આવશે.