સોનું ૪ વર્ષના તળિયે પહોંચ્યા બાદ વધુ ઘટાડો અટકી ગયો

04 November, 2014 05:19 AM IST  | 

સોનું ૪ વર્ષના તળિયે પહોંચ્યા બાદ વધુ ઘટાડો અટકી ગયો

બુલિયન બુલેટિન-મયૂર મહેતા

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા બાદ વધુ ઘટાડો અટક્યો હતો. વીતેલા સપ્તાહ દરમ્યાન સોનું ટૂંકા ગાળામાં ૬૫થી ૭૦ ડૉલર તૂટતાં હવે વધુ મંદી થવાનાં કારણોની રાહમાં સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. ઍનલિસ્ટો સોનામાં વધુ ઘટાડો થવાની વધુ ને વધુ આગાહી કરી રહ્યા છે, પણ નીચા ભાવે કેટલાક ઍનલિસ્ટોને ફિઝિકલ બાઇંગ નીકળવાની ધારણા છે. જોકે કેટલાક ઍનલિસ્ટોના મતે સોનું સતત ઘટતું હોવાથી હવે ઘટાડો અટકીને ચારથી પાંચ દિવસ સોનું સ્ટૅબલ રહેશે અને ત્યાર બાદ ફિઝિકલ ડિમાન્ડ નીકળવાની ધારણા છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગયા સપ્તાહે સોનાનો ભાવ ૧૨૩૦.૫ ડૉલર ખૂલ્યા બાદ સપ્તાહના અંતે ઘટીને ૧૧૬૪.૨૫ ડૉલર થયો હતો. અમેરિકી બૉન્ડ બાઇંગ બંધ કરવાનો નિર્ણય અને બુલિશ ડેટાને પગલે સોનું ઝડપથી ઘટીને ૪ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. ચાંદીના ભાવ પણ ૧૬ ડૉલરની સપાટી તોડવા નજીક પહોંચી ગયા હતા. સોમવારે સવારે સોનાનો ભાવ ૧૧૭૦.૭૫ ડૉલર ખૂલ્યા બાદ આખો દિવસ કોઈ મોટી વધ-ઘટ જોવા નહોતી મળી. ચાંદીનો ભાવ ૧૬.૧૫ ડૉલર ખૂલ્યા બાદ સતત ઘટતો રહ્યો હતો. પ્લૅટિનમ ૧૨૩૭ ડૉલર ખૂલ્યા બાદ થોડું સુધર્યું હતું  અને પેલેડિયમ ૮૦૫ ડૉલર ખૂલ્યા બાદ ઘટયું હતું.

કિટકો પ્રાઇસ સર્વે

કિટકો ન્યુઝ એજન્સી દ્વારા દર સપ્તાહે યોજાતા સર્વેમાં આ સપ્તાહે મોટા ભાગના ઍનલિસ્ટોએ ગોલ્ડમાં મંદી થવાની આગાહી કરી હતી. કિટકોના પ્રાઇસ-સર્વેમાં આ સપ્તાહે ૩૬માંથી ૨૨ ઍનલિસ્ટોએ ભાગ લીધો હતો. ૨૨માંથી ૧૪ ઍનલિસ્ટોના મતે આવતા સપ્તાહે ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળશે. ૭ના મતે ગોલ્ડના ભાવ વધશે અને ૧ના મતે ગોલ્ડના ભાવ રેન્જબાઉન્ડ રહેશે. ગયા સપ્તાહે કૉમેક્સ ગોલ્ડ કૉન્ટ્રૅક્ટમાં ૬૭ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં ગોલ્ડના ભાવમાં ૨.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સોસાયટ જનરલની આગાહી

ફ્રેન્ચ મલ્ટિનૅશનલ બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની સોસાયટ જનરલના ઍનલિસ્ટના મતે સોનું નજીકના ભવિષ્યમાં ૧૦૦૦ ડૉલરનું લેવલ તોડશે. ક્રૂડ તેલના ભાવની સાથે સોનાના ભાવને સાંકળતાં એણે જણાવ્યું હતું કે ‘જૂનથી અત્યાર સુધીમાં ક્રૂડ તેલના ભાવમાં ૨૩ ટકાનો ઘટાડો થઈ ક્રૂડ તેલના ભાવ બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા છે. ક્રૂડ તેલના નીચા ભાવને કારણે ઇન્ફ્લેશન ઘટે છે અને હાઈ ઇન્ફ્લેશન સામે હેજ તરીકે વપરાતા સોનાના ભાવ લો ઇન્ફ્લેશનથી ઘટશે એવું સીધુંસાદું ગણિત સોસાયટ જનરલના ઍનલિસ્ટે સમજાવ્યું હતું. વળી અમેરિકી ઇકૉનૉમીની સ્ટ્રૉન્ગનેસ વધી રહી હોવાથી ગોલ્ડની ફિઝિકલ ડિમાન્ડ પણ સતત ઘટી રહી છે.’

ગોલ્ડમૅનની આગાહી

અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સાક્સે ૨૦૧૪ના આરંભે જ સોનાનો ભાવ ઘટીને ૧૦૫૦ ડૉલર થવાની આગાહી કરી હતી. ગોલ્ડમૅન સોનાનો ભાવ ૪ વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ફરી એની આગાહી દોહરાવી હતી અને નવી આગાહી અનુસાર ડિસેમ્બર સુધીમાં હાલના સોનાના ભાવમાં વધુ ૨૦૦ ડૉલરનો ઘટાડો થવાની આગાહી કરી હતી. ગોલ્ડમૅનના ઍનલિસ્ટના જણાવ્યા અનુસાર અમેરિકી ડૉલરની મજબૂતી સોનાની મંદી પર હાવી રહેશે.

સોનું ડિસેમ્બર સુધીમાં ઘટીને ૨૪,૫૦૦ રૂપિયા થવાનો અંદાજ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ડિસેમ્બર સુધીમાં ઘટીને ૧૦ ગ્રામના ૨૪,૫૦૦ રૂપિયા થશે એવી આગાહી ઍનલિસ્ટો દ્વારા કરવામાં આવી રહી છે. જાણીતા બ્રોકર મોતીલાલ ઓસવાલના વાઇસ પ્રેસિડન્ટ કિશોર નાર્નેએ જણાવ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ જે રીતે ઘટી રહ્યા છે અને ભારતીય રૂપિયો ડિસેમ્બર સુધી આ લેવલે જ રહે તો સોનાના ભાવ ડિસેમ્બર સુધીમાં ૨૪,૫૦૦ રૂપિયા થઈ જશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમેરિકી ઇકૉનૉમી સુધરી રહી હોવાથી સોનાનો ભાવ ૧૦૮૦થી ૧૧૨૦ ડૉલર સુધી ડિસેમ્બર સુધીમાં ઘટશે.’

કૉમટ્રેડ રિસર્ચના ઍનલિસ્ટના મતે ડિસેમ્બર સુધીમાં સોનું ઘટીને ૨૫,૦૦૦થી ૨૫,૫૦૦ રૂપિયા સુધી ઘટી શકે છે. તેમના મતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ઘટીને ૧૦૭૫થી ૧૧૦૦ ડૉલર સુધી જશે. એન્જલ બ્રોકિંગના અસોસિએટ ડિરેક્ટર નવીન માથુરના મતે પણ ડિસેમ્બર સુધીમાં સોનું ઘટીને ૨૫,૫૦૦ રૂપિયા થઈ શકે છે. અત્યારે સોનાનો ભાવ ૨૬,૦૦૦ રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૧૩૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૫,૯૮૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) :  ૩૬,૮૫૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)