અનિલ અંબાણી જૂથના શૅરોએ ઘટાડાની આગેવાની લીધી

15 November, 2011 10:16 AM IST  | 

અનિલ અંબાણી જૂથના શૅરોએ ઘટાડાની આગેવાની લીધી



(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

નિફ્ટી ૨૦ પૉઇન્ટની નબળાઈમાં ૫૧૪૮ બંધ આવ્યો હતો. ૨૧ બેન્ચમાર્કમાંથી ૧૮ ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં બંધ હતા. બજારનું માર્કેટ કૅપ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ઘટી ૬૦.૫૩ લાખ કરોડ રૂપિયા થયું હતું. ખાસ્સી નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૯૮૩ જાતો નરમ હતી. સામે ૮૬૯ શૅર વધીને બંધ હતા. એ ગ્રુપમાં વધેલા પ્રત્યેક શૅર સામે ત્રણ શૅર ડાઉન હતા. ૧૪૯ શૅર ઉપલી સર્કિટે તો ૨૩૬ ãસ્ક્રપ્સ મંદીની સર્કિટે બંધ હતી. રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૬ ટકા, મેટલ ઇન્ડેક્સ ૨.૨ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બે ટકા, ઑટો ઇન્ડેક્સ બે ટકા, પાવર, મિડ કૅપ તથા સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પોણાબે ટકાની આસપાસ માઇનસમાં હતા.

અનિલ ગ્રુપમાં ગાબડાં

સેન્સેક્સના અડધા ટકાથીયે ઓછા ઘટાડા સામે કેટલાક ચલણી શૅરોમાં ખાસ્સો ઘટાડો થયો હતો. ખાસ કરીને અનિલ ગ્રુપના મોટા ભાગના શૅરમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં, જેમાં રિલાયન્સ કૅપિટલ (૮.૫ ટકા), રિલાયન્સ ઇન્ફ્રા (૭.૬ ટકા), રિલાયન્સ પાવર (સાત ટકા), રિલાયન્સ મિડિયા (૫.૧ ટકા), આર, કૉમ (૨.૨ ટકા) સામેલ છે. આર. કૉમે આવકમાં બે ટકાના વધારા સામે ૬૦ ટકાના વૃદ્ધિદરથી ૨૫૨ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ મેળવ્યો તો પણ શૅર ઘટીને બંધ રહ્યો છે. ઘટેલા અન્ય અગ્રણી શૅરોમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર છ ટકા, તાતા સ્ટીલ ચાર ટકા, બિલ કૅર ૨૦ ટકા, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ ૧૧ ટકા, એજ્યુકૉમ ૧૦ ટકા, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ ૬.૫ ટકા, ડી. બી. રિયલ્ટી છ ટકા, સુઝલોન સાડાપાંચ ટકા, હોટેલ લીલા ૫.૪ ટકા, યુ. બી. હોલ્ડિંગ પાંચ ટકા વગેરે સામેલ છે. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકાદ ટકાના ઘટાડે ૮૭૫ રૂપિયા બંધ હતો. તાતા મોટર બે ટકા, મારુતિ સુઝુકી ત્રણ ટકા ડાઉન હતા.

અગ્રણીઓનો નબળો દેખાવ

સપ્ટેમ્બર ક્વૉર્ટર કૉર્પોરેટજગત માટે વસમું રહ્યું છે. સંખ્યાબંધ અગ્રણી કંપનીઓનાં પરિણામો નિરાશાજનક કે અપેક્ષા કરતાં ઘણાં ખરાબ આવ્યાં છે. આ યાદી લાંબી થતી જાય છે. શ્રી રેણુકા શુગર નફામાંથી તગડી ખોટમાં સરી પડી છે, તો જેએસડબ્લ્યુ સ્ટીલે અગાઉના ૩૨૩ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા સામે આ વેળા ૬૬૯ કરોડ રૂપિયાની નેટ લૉસ કરી છે. જીઇ શિપિંગનો ચોખ્ખો નફો ૮૪ ટકા ડૂબી ગયો છે. નૅશનલ ઍલ્યુમિનિયમનો નેટ પ્રૉફિટ ૩૮ ટકા પીગળીને ૧૩૯ કરોડ રૂપિયાએ આવી ગયો છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સના ચોખ્ખા નફામાં ૫૮ ટકાનું ધોવાણ થયું છે. ૧૨ કરોડ રૂપિયાનો નફો કરનારી જેટ ઍરવેઝ ૭૧૩ કરોડ રૂપિયાના ખાડામાં ઊતરી ગઈ છે. એને સાથ આપતાં સ્પાઇસ જેટ ૧૦ કરોડ રૂપિયાના નફામાંથી ૨૪૦ કરોડ રૂપિયાની લૉસમાં સરકી છે. કરીઅર પૉઇન્ટનો નેટ પ્રૉફિટ ૪૬ ટકા ગગડ્યો છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રે વેચાણમાં ૩૫ ટકાની વૃદ્ધિ છતાં ચોખ્ખા નફામાં પોણાત્રણ ટકાથી વધુનો ઘટાડો દર્શાવ્યો છે.

હીરો નવા શિખરે

બજારની દિશાહીનતા વચ્ચે હીરો મોટોકૉર્પ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં સાડાત્રણ ટકાના જમ્પમાં ૨૨૪૮ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે નરમ બજારમાંય આ કાઉન્ટર પોણાબે ટકાથી વધુ પ્લસમાં બંધ હતું. શૅરની ફેસ વૅલ્યુ બે રૂપિયાની છે.

ક્રૂડ ૧૦૦ ડૉલર ભણી

ગ્રીસ તથા ઇટલી ખાતે નવી સરકાર દ્વારા આર્થિક કરકસર તથા ડેટ પ્રૉબ્લેમ હળવો કરવા શરૂ થયેલી કવાયતથી યુરો-ઝોનની પીડા અત્યાર પૂરતી થાળે પડવાનો આશાવાદ જાગ્યો હતો. વધુમાં જપાનના જીડીપી ડેટા ત્રણ ક્વૉર્ટર પછી પૉઝિટિવ ઝોનમાં આવવાના સમાચાર પણ પ્રોત્સાહક બન્યા હતા. વૈãશ્વક શૅરબજારોની સાથે ગઈ કાલે ક્રૂડમાંય ઝમક આવતાં એ ફરી ૧૦૦ ડૉલર ભણી જવાનો અણસાર હતો. વેસ્ટ ટેક્સાસ ક્રૂડ જુલાઈ ૨૦૧૧ પછીની નવી ટોચે બૅરલદીઠ ૯૯.૬૯ ડૉલર થયું હતું. જોકે કેટલાક ટેãક્નકલ વિશ્લેષકોને લાગે છે કે બૅરલદીઠ ૧૦૦નો ભાવ અત્યારે ક્રૂડ માટે મોટું રેઝિસ્ટન્સ ગણાય. ૧૦૦ ડૉલર થયા પછી ક્રૂડ ફરી પાછું ઘટી ૯૫ ડૉલર થવાની ધારણા છે. વિશ્વબજારમાં ક્રૂડની મજબૂતી ભારત જેવા દેશો માટે સારી વાત નથી. પીએસયુ-ઑઇલ શૅર આના કારણે વધુ પ્રેશરમાં આવી શકે છે. ગઈ કાલે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇન્ટ્રા-ડેમાં બે ટકા ઘટી ૩૦૩ રૂપિયાના વર્ષના નવા નીચા તળિયે ગયો હતો. આઇઓસી પોણાબે ટકા, ભારત પેટ્રોલિયમ એકાદ ટકો ડાઉન હતા.

શ્રી રેણુકા વર્ષના તળિયે

શ્રી રેણુકા શુગર્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે વેચાણમાં પાંચ ટકાના ઘટાડા સાથે ૨૩૩૫ કરોડ રૂપિયાની આવક પર ૬૧૬ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી હતી. અગાઉના વર્ષે સમાનગાળામાં કંપનીએ ૧૨૮ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. નફામાંથી જંગી ખોટમાં સરી પડેલી શ્રી રેણુકાના શૅરનો ભાવ ગઈ કાલે ૫૧.૭૦ રૂપિયાના આગલા બંધ સામે ૩૧ ટકા જેવો તૂટી નીચામાં ૩૬ રૂપિયાથયો હતો, જે વર્ષનું તળિયું હતું. વર્ષનો ઊંચો ભાવ ૧૦૮ રૂપિયા નોંધાયેલો હતો. ગઈ કાલે એકંદર મોટા ભાગના શુગર શૅરો વેચવાલીની ઝાપટે ચડ્યા હતા. શ્રી રેણુકા ઉપરાંત બજાજ હિન્દુસ્તાન, ધામપુર શુગર, એમ્પી શુગર્સ, પિકાડેલી ઍગ્રો, રાણા શુગર્સ, રિગા શુગર્સ પણ વર્ષની નીચી સપાટીએ ગયા હતા. બલરામપુર ચીની મિલ્સ ઇન્ટ્રા-ડેમાં બાર ટકા, કેસર એન્ટરપ્રાઇઝિસ પોણાચાર ટકા, દ્વારકેશ શુગર છ ટકા, શક્તિ શુગર્સ સાત ટકા, સર શાદીલાલ ત્રણ ટકા, તિરુઅરુણન પોણાત્રણ ટકા, ઉત્તમ શુગર પાંચ ટકા, અપરગંગા શુગર સવાચાર ટકા, સિમ્ભોલી શુગર પોણાસાત ટકા, રાજશ્રી શુગર અઢી ટકા કડવા બન્યા હતા.

કિંગફિશર માટે બૅન્કોની ચિંતા

નાદારીના આરે આવી ગયેલી કિંગફિશર ઍરલાઇન્સને ઉગારવાની કવાયત શરૂ થઈ છે. નાણાખાતાના પરોક્ષ દોરીસંચારના પગલે બૅન્કોની આજ-કાલમાં મળવાની વાત છે. કિંગફિશર માટે કઠણાઈ નવી વાત નથી. અગાઉ પણ કંપની તકલીફમાં આવી હતી ત્યારે બૅન્કોનો સહારો લેવાયો હતો. એ વખતે એસબીઆઇની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે કંપનીના ૭૦૦૦ કરોડ રૂપિયાના ધિરાણમાંથી ૧૩૦૦ કરોડ રૂપિયાનો શૅરદીઠ સાડા ચોસઠ રૂપિયાના ભાવે ઇક્વિટીમાં કન્વર્ટ કરવાની સાથે લોનનું રિશિડ્યુલિંગ કરી કંપનીને રાહત આપી હતી. ત્યારે પ્રમોટરોએ તેમના તરફથી ૮૦૦ કરોડ રૂપિયા લાવવાની ખાતરી આપી હતી. એનું આજ દિન સુધીમાં માત્ર ૫૦ ટકા જ પાલન કરવામાં આવ્યું છે. કંપનીના લેણિયાતોમાં અત્યારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧૫૦૦ કરોડ રૂપિયાના લેણા સાથે અગ્રક્રમે છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક, પીએનબી, બૅન્ક ઑફ બરોડા, આઇડીબીઆઇ બૅન્ક, યુકો બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક તથા સ્ટેટ બૅન્ક ઑફ માયસોર પણ એને નોંધપાત્ર પ્રમાણમાં ધિરાણ આપીને બેઠેલી છે. કંપની નાદાર થાય તો એની સીધી અસર આ બૅન્કોને થવાની એટલે એ અત્યારે સૌથી વધુ ચિંતામાં છે.