ગ્લોબલ વૉર્મિંગને કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ ૩૧ ટકા રૂંધાયો : રિપોર

25 April, 2019 10:14 AM IST  |  બોસ્ટન

ગ્લોબલ વૉર્મિંગને કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ ૩૧ ટકા રૂંધાયો : રિપોર

ગ્લોબલ વૉર્મિંગે ભારતના અર્થતંત્રને એ હોવું જોઈએ એનાથી ૩૧ ટકા નાનું કરી દીધું છે, એમ અમેરિકાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીએ પૃથ્વીના ઉષ્ણતામાનમાંના ફેરફારના આધારે કરેલા એક અભ્યાસમાં જણાવ્યું હતું.

નૅશનલ એકૅડેમી ઑફ સાયન્સીસના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસમાં દર્શાવાયું છે કે ૧૯૬૦ના દાયકાથી પૃથ્વી પરના ગ્રીન ગૅસીસની જમાવટથી નૉર્વે અને સ્વીડન જેવા ઠંડા દેશોને સમૃદ્ધ કર્યા છે અને ભારત અને નાઇજીરિયા જેવા દેશોના આર્થિક વિકાસને ઘટાડ્યો છે.

અમારાં પરિણામો દર્શાવે છે કે પૃથ્વી પરના ગરીબમાં ગરીબ દેશો ગ્લોબલ વૉર્મિંગને કારણે વધુ ગરીબ બન્યા છે, એમ અમેરિકાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીના હવામાન વિજ્ઞાની નોઆહ ડિફેનબાગે કહ્યું હતું.
સાથે સાથે મોટા ભાગના શ્રીમંત દેશો તેઓ હોવા જોઈએ એના કરતાં વધુ શ્રીમંત બન્યા છે, એમ ડિફેનબાગે કહ્યું હતું.

૧૯૬૧થી ૨૦૧૦ સુધીના સમયગાળાને આવરી લેતો આ અભ્યાસ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વ ના ગરીબમાં ગરીબ દેશોની વ્યક્તિદીઠ સંપત્તિમાં ૧૭થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. દરમ્યાન સૌથી ઊંચું અને સૌથી નીચું વ્યક્તિદીઠ આર્થિક ઉત્પાદન ધરાવતાં રાષ્ટ્રોના ગ્રુપ વચ્ચેનો તફાવત પણ ૨૫ ટકાથી અધિક છે, જે હવામાનના ફેરફારના અભાવમાં આટલો મોટો ન હોત.

રાષ્ટ્રો વચ્ચેની આર્થિક અસમાનતામાં જરૂર ઘટાડો થયો છે, પરંતુ સંશોધન દર્શાવે છે કે હવામાનના ફેરફારના અભાવમાં આ ઘટાડો ઝડપથી થયો હોત.

ઐતિહાસિક આંકડાઓ દર્શાવે છે કે જ્યારે ઉષ્ણતામાન બહુ ગરમ કે ઠંડું ન હોય ત્યારે પાક સારો ઊતરે છે અને લોકો સ્વસ્થ રહેતાં તેમની ઉત્પાદકતા વધે છે. આનો અર્થ એ થાય કે ઠંડા દેશોમાં થોડું ઉષ્ણતામાન વધે તો તે ઉત્પાદક બની રહે છે, જ્યારે ગરમ રાષ્ટ્રોમાં સરેરાશ કરતાં અધિક ઉષ્ણતામાનથી ઉત્પાદકતા ઘટે છે, એમ વિજ્ઞાની માર્શલ બુર્કે કહ્યું હતું.

આ પણ વાંચોઃ RBI જલ્દી જ બહાર પાડશે 200 અને 500 રૂપિયાની નવી નોટ,આ હશે તેની ખાસિયત

જોકે, મધ્ય અક્ષાંશો પર આવેલા અમેરિકા, ચીન અને જપાનને ગ્લોબલ વૉર્મિંગે શું અસર કરી છે એ વિશે અભ્યાસમાં સ્પષ્ટતા નથી.

news