28 October, 2026 11:40 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૪ મહિનાથી ઓછા સમયમાં ચીનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર લીડર્સના STAR50 ઇન્ડેક્સમાં ૪૦ ટકાનો ઘટાડો થતાં ચીનના ટેક શૅરોમાં ૪૮૦ અબજ ડૉલર (આશરે ૪૫,૫૯,૪૦૦ કરોડ રૂપિયા)ની મંદી જોવા મળી રહી છે. ઘણા નિષ્ણાતો ચીનને AI બબલ ફૂટી ગયો હોય એવો પહેલો દેશ ગણાવી રહ્યા છે. દેશનો બ્રૉડ બ્લુ-ચિપ ઇન્ડેક્સ પણ જૂનમાં જોવા મળેલા ઉચ્ચ સ્તરથી લગભગ ૨૦ ટકા ઘટ્યો છે.
રોબો બનાવતી કંપની યુનિટ્રીનો ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) ૮૦૦૦ ગણો સબસ્ક્રાઇબ થયો હતો, એના ભાવ ઑગસ્ટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં અડધા થઈ ગયા છે, જ્યારે ચિપ નિર્માતા કંપની CXMTના મૂલ્યમાં છેલ્લા એક મહિનામાં એક ચતુર્થાંશથી વધુનો ઘટાડો આવ્યો છે. ચિપ બનાવતી કંપનીઓ મેટાએક્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને મૂર થ્રેડ્સ ટેક્નૉલૉજીના મૂલ્યમાં પણ જુલાઈથી અત્યાર સુધીમાં ૫૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે.
આ મંદીથી ચીનમાં ટેક શૅરોના વૅલ્યુએશનમાં ૪ મહિનાથી ૪૮૦ અબજ ડૉલરનું ધોવાણ થયું છે. આ ઘટાડો ડગમગતાં વિશ્વનાં શૅરબજારો માટે એક ખરાબ શુકન છે. AIની તેજીને ભંડોળ પૂરું પાડવા માગતા રોકાણકારો માટે આ ખરાબ સમાચાર છે. બે વર્ષથી ચાલી રહેલી તેજી પર આ સમાચારે બ્રેક લગાવી દીધી છે.
ચીનમાં આવું થવાનું કોઈ સ્પષ્ટ કારણ જોવા મળ્યું નથી. જોકે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઊંચી કિંમતો, ટૅક્સ બિલ અને અમેરિકા અથવા અન્ય દેશો દ્વારા ડેટા સેન્ટરોમાં ચીની સાધનો પર પ્રતિબંધ મૂકવાની ધમકીના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.