2018-19માં 7.3 ટકા રહેશે ભારતની GDP- વર્લ્ડ બેંક

09 January, 2019 07:44 PM IST  |  બિઝનેસ ડેસ્ક

2018-19માં 7.3 ટકા રહેશે ભારતની GDP- વર્લ્ડ બેંક

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ બેંકના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર (જીડીપી) 7.3 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે નાણાકીય વર્ષ 2019-20માં તે 7.5 ટકા રહેવાનું અનુમાન છે. રિપોર્ટ પ્રમાણે, ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના રૂપમાં પોતાને જાળવી રાખશે.

રિપોર્ટમાં ચીનનો આર્થિક વૃદ્ધિદર 2019માં 6.2 ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જ્યારે 2018માં 6.5 ટકા જીડીપીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

મંગળવારે જાહેર થયેલા ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ (જીઈપી) રિપોર્ટમાં ભારત માટે ગયા વર્ષે જૂનમાં કરવામાં આવેલા અંદાજોને યથાવત રાખવામાં આવ્યા છે. વર્લ્ડ બેંકે 2017-18 માટે 6.3 ટકા જીડીપીનો અંદાજ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 7.2 ટકા જીડીપીનો અંદાજ લગાવ્યો છે. જોકે સરકારનો અંદાજ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના 7.4 ટકાના અંદાજથી ઓછો છે.

વર્લ્ડ બેંકે જોકે આ વાતને લઇને ચેતવણી આપી છે કે દક્ષિણ એશિયામાં આગામી ચૂંટણીને લઈને રાજકીય અસ્થિરતા વધી શકે છે. બેંકે કહ્યું છે, 'પડકારરૂપ રાજકીય માહોલથી કેટલાક દેશોમાં વર્તમાન સુધારના એજન્ડા અને આર્થિક ગતિવિધિઓ પર અસર પડી શકે છે.'

આ રિપોર્ટમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ ધીમી રહેવાની આશંકા દર્શાવવામાં આવી છે. વર્લ્ડ બેંકના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર આ વર્ષે 3 ટકા ઘટીને 2.9 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે આગામી બે વર્ષ દરમિયાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર 2.8 ટકા રહેવાનો અંદાજ છે.

વર્લ્ડ બેંક દ્વારા આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.5 ટકા રહેવાનો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં આઇએમએફએ જાહેર કરેલા અંદાજ 7.4 ટકા કરતા વધુ છે.