રિલાયન્સ કૅપિટલમાં મિલકતો વેચી રહ્યા પછી અનિલ અંબાણી પાસે શું બચશે

30 May, 2019 11:44 AM IST  |  મુંબઈ

રિલાયન્સ કૅપિટલમાં મિલકતો વેચી રહ્યા પછી અનિલ અંબાણી પાસે શું બચશે

અનિલ અંબાણી

બૅન્કો, વીમાકંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી લીધેલા ૫૨,૪૯૦ કરોડ રૂપિયા પરત કરવા અથવા તો કંપનીનું દેવું ઘટાડવા માટે અનિલ અંબાણીએ કવાયત શરૂ કરી છે. પાવરથી ટેલિકૉમ સુધીના બિઝનેસમાં પથરાયેલું અનિલ અંબાણીનું રિલાયન્સ જૂથ અત્યારે સૌથી કપરા સમયમાં પસાર થઈ રહ્યું છે. રિલાયન્સ કૅપિટલ જૂથની સૌથી મોટી સૌથી વધુ નફો રળતી કંપની છે અને હવે તેમાંથી રોકાણ વેચવામાં માટે અનિલ અંબાણી મજબૂર બન્યા છે.

દેવું ઘટાડવા માટે ચાલુ મહિનામાં અનિલ અંબાણીએ રિલાયન્સ કૅપિટલની કેટલીક મહત્વની મિલકતો વેચવાની જાહેરાત કરી છે. આ સિવાય બીજી મિલકતો પણ વેચવાના પ્રયત્ન ચાલુ છે. આ બધા વેચાણ પછી કંપનીના નફામાં ૮૦ ટકા હિસ્સો ધરવતી કંપનીઓ ઉપર અંબાણીનો અંકુશ રહેશે નહીં.

ઍસેટ મૅનેજમેન્ટ : કંપનીના આ બિઝનેસમાં મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ જેવી સેવાઓ ચાલુ છે. આ બિઝનેસ જપાનની નિપ્પોન લાઇફને વેચવાની જાહેરાત અનિલ અંબાણીએ કરી છે અને તેનાથી લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયાની રકમ ઊભી થશે, જેનો ઉપયોગ દેવું ભરપાઈ કરવા માટે કરવામાં આવશે.

ગૃહધિરાણ, કમર્શિયલ ફાઇનૅન્સ : આ કંપનીમાં રિલાયન્સ હાઉસિંગ લોન, મિલકત સામે લોન, નાના વેપારીઓને લોન જેવો વ્યાપર ચલાવે છે. કંપનીએ આ બિઝનેસ વેચવા માટેની જાહેરાત કરી છે, પણ તેના માટે હજી કોઈ સત્તાવાર ખરીદનાર મYયો હોવાનું બજારમાં બહાર આવ્યું નથી. એટલું ચોક્કસ છે કે અનિલ અંબાણી આ બિઝનેસ વેચી દેશે.

વીમાકંપની : જીવન અને આરોગ્ય વીમા ક્ષેત્રે કાર્યરત આ કંપની વેચવા માટે નિપ્પોન લાઇફ સાથે અનિલ અંબાણીએ કરાર કરી દીધા છે, જેનાથી લગભગ ૪૫૦૦ કરોડ રૂપિયાની રકમ એકત્ર થશે અને તેનો ઉપયોગ દેવું ભરવા માટે થશે.

એફએમ રેડિયો : કંપનીએ આ સપ્તાહે જ બિગ એફએમ રેડિયોનો બિઝનેસ જાગરણ પ્રકાશન જૂથની મ્યુઝિક બ્રોડકાસ્ટને ૧૦૫૦ કરોડ રૂપિયામાં વેચવાની જાહેરાત કરી છે. આ રકમ પણ દેવું ભરપાઈ કરવા માટે વાપરવામાં આવશે.

આ પણ વાંચો : સારા સમાચાર, મફતમાં ફાઈલ કરી શકાશે GST રિટર્ન, 80 લાખ વેપારીઓને લાભ

ઍસેટ મૅનેજમેન્ટ, હોમ ફાઇનૅન્સ અને વીમાનો બિઝનેસ વેચ્યા પછી કંપનીના કુલ નફામાંથી ૮૦ ટકા હિસ્સો ધરાવતી કંપની વેચાઈ જશે. રિલાયન્સ કૅપિટલના વર્ષ ૨૦૧૮-૧૯નાં પરિણામ જાહેર થવાનાં બાકી છે. જૂના આંકડા અનુસાર ઍસેટ મૅનેજમેન્ટથી કંપની ૨૫.૭ ટકા, હોમ ફાઇનૅન્સથી ૫૪.૪ ટકા નફો કંપની રળતી હતી.

anil ambani reliance business news