વોડાફોન આઇડિયાનો વિક્રમ 50,920 કરોડની ખોટ

15 November, 2019 08:37 AM IST  |  Mumbai

વોડાફોન આઇડિયાનો વિક્રમ 50,920 કરોડની ખોટ

વોડાફોન

ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં કોઈ એક ક્વૉર્ટરમાં સૌથી મોટી ખોટ નોંધાવવાનો વિક્રમ આજે વોડાફોને કર્યો હતો. જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વૉર્ટરમાં કંપનીએ ૫૦,૯૨૦ કરોડ રૂપિયાની જંગી ખોટ નોંધાવી છે, કારણ કે કંપનીને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ૧૪ વર્ષ જૂના એક કેસમાં મોટી રકમ કેન્દ્ર સરકારને ચૂકવવાની જોગવાઈ કરવી પડી છે.

એપ્રિલથી જૂનના સમયગાળામાં કંપનીની ખોટ ૪૯૯૪ કરોડ હતી, પણ ૩૦,૭૦૦ કરોડ રૂપિયાની વિશિષ્ટ ખોટને કારણે બીજા ક્વૉર્ટરમાં વોડાફોન આઇડિયાની ખોટ વધી ગઈ છે. ગયા વર્ષે તાતા મોટર્સે કેટલીક મિલકતોની માંડવાળ કરતાં ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી ખોટ જાહેર કરી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશને કારણે જેમ ભારતી ઍરટેલને તોતિંગ ખોટ સહન કરવાનો આવો આવ્યો એવી જ રીતે દેશની સૌથી વધુ ગ્રાહકો ધરાવતી કંપની વોડાફોન આઇડિયાએ પણ તોતિંગ ખોટ સહન કરવી પડી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ વિશે કંપનીએ જણાવ્યું હતું કે લાઇસન્સ-ફી તરીકેની જ્વાબદારી ૨૭,૬૧૦ કરોડ અને સ્પેક્ટ્રમ યુસેજ માટે ૧૬,૫૪૦ કરોડ તથા ૩૩,૦૦૦ કરોડ રૂપિયાની રકમ વ્યાજ અને પેનલ્ટી પેટે આપવાની રહે છે. ડિપાર્ટમેન્ટની નોટિસ અને અન્ય પરિબળોના આધારે કંપનીએ ૨૫,૬૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ અત્યારે બીજા ક્વૉર્ટરમાં કરી છે. આવી જ રીતે કંપનીએ ડિફર્ડ ટૅક્સ પેમેન્ટની મિલકત પેટે ગણવાની બંધ કરીને ડેટાને કારણે ૧૩,૯૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હોવાથી કુલ ખોટ ૫૦,૯૨૦ કરોડ રૂપિયા થાય છે.

ઍરટેલની જેમ વોડાફોન માટે સૌથી વધુ મોટી ચિંતા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ ચૂકવવાની છે. કંપનીએ આજે જાહેર કરેલાં પરિણામ સાથે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સમક્ષ સ્પેક્ટ્રમની ફી ચૂકવવામાં અને આદેશ અનુસાર રકમ ચૂકવવામાં રાહત મળે. હપ્તા કરી આપવામાં આવે તો ટેલિકૉમ ઉદ્યોગ માટે રાહતના સમાચાર હશે, અન્યથા કંપની માટે કાર્યરત સ્થિતિ જાળવી રાખવી શક્ય નથી.

આજે વોડાફોન આઇડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ જાહેર કર્યાં હતાં. કંપનીની આવક ગયા ક્વૉર્ટર સામે ૩.૮ ટકા ઘટીને ૧૦,૮૪૦ કરોડ રૂપિયા રહી છે. કંપનીનો ઑપરેટિંગ નફો ૩૩૫૦ કરોડ રૂપિયા છે જે ગયા ક્વૉર્ટર કરતાં ૮.૩ ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીએ ૭૫ ટકા જેટલું નેટવર્ક ઇન્ટિગ્રેશન પૂર્ણ કર્યું છે, પરંતુ વધી રહેલા નાણાખર્ચ અને ઘટી રહેલી આવકને કારણે કંપનીએ પોતાના નવા મૂડીરોકાણનું લક્ષ્ય અગાઉના ૧૭,૦૦૦ કરોડ રૂપિયા સામે ઘટાડીને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા કરવાની આજે જાહેરાત કરી હતી.

કંપની પર અત્યારે ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનું કુલ દેવું છે જેમાં સરકારને ૮૯,૧૭૦ કરોડ રૂપિયા આપવાના છે. હાથ પર ૧૫૩૯૦ કરોડ રૂપિયાની રોકડને કારણ ચોખ્ખું દેવું ૧.૦૧ લાખ કરોડ રૂપિયા છે.

vodafone idea business news