વોડાફોન આઇડિયાએ દેશના કૉર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી ખોટ જાહેર કરી

02 July, 2020 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વોડાફોન આઇડિયાએ દેશના કૉર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી ખોટ જાહેર કરી

વોડાફોન આઇડિયા

દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી ટેલિકૉમ કંપની વોડાફોન આઇડિયાએ બુધવારે ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી વાર્ષિક ખોટની જાહેરાત કરી હતી. માર્ચ ક્વૉર્ટરના પરિણામની જાહેરાત સાથે કંપનીની નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ખોટ ૭૩,૮૭૮ કરોડ રૂપિયાની રહી છે, જે દેશની કોઈ પણ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી સૌથી મોટી ખોટ છે.

ઑક્ટોબર ૨૦૧૯ના સુપ્રીમ કોર્ટના એક ચુકાદા અનુસાર વોડાફોન આઇડિયાએ કેન્દ્ર સરકારને ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) તરીકે ૫૧,૪૦૦ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની છે. આ ચુકવણી માટેની જોગવાઈ કરતાં કંપનીની ખોટ વિકરાળ બની છે.

કંપનીએ માર્ચ ૨૦૧૯માં ૪૮૮૧ કરોડ રૂપિયાની ખોટ કરી હતી એની સામે માર્ચ ૨૦૨૦માં ખોટ ૧૧,૬૪૩.૫ કરોડ રૂપિયા નોંધાઈ છે. આ ઉપરાંત ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીને ૬૪૩૮.૮ કરોડ રૂપિયાની ખોટ હતી. આમ, ત્રિમાસિક ધોરણે કંપનીની ખોટમાં જંગી વધારો થયો છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વોડાફોનની ખોટ ૭૩,૬૭૮.૧ કરોડ રૂપિયા રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં પણ કંપનીને ૧૪,૬૦૩.૯ કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

જોકે કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે વધારો જોવા મળ્યો છે. માર્ચ ૨૦૧૯ના અંતે પૂરા થયેલા વર્ષમાં કંપનીની આવક ૩૭,૦૯૨.૫ કરોડ રૂપિયા હતી જે માર્ચ ૨૦૨૦ના અંતે વધી ૪૪,૯૫૭.૫ કરોડ રૂપિયા રહી છે. ડિસેમ્બર મહિનામાં વોડાફોન સહિત દેશની ત્રણ મોબાઇલ કંપનીઓ દ્વારા મોબાઇલ ચાર્જિસમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાના કારણે કંપનીની આવકમાં વૃદ્ધિ જોવા મળી છે.

કંપની ઉપર માર્ચ ૩૧ના રોજ ૧,૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે જેમાંથી સરકારને ૮૭,૬૫૦ કરોડ રૂપિયા ચૂકવવાના છે. વોડાફોન અને આઇડિયાના મર્જર પછી પણ ભારે સ્પર્ધાના કારણે કંપનીના ગ્રાહકો ઘટી રહ્યા છે. કંપનીએ ડિસેમ્બરમાં ૩.૦૪ કરોડ ગ્રાહકો ગુમાવ્યા હતા જ્યારે માર્ચ ક્વૉર્ટરમાં વધુ ૨.૯ કરોડ ગ્રાહકો ગુમાવ્યા છે.

કંપની પર જંગી નાણાકીય બોજ હોવાથી ચાલુ રહી શકે કે નહીં એનો આધાર સુપ્રીમ કોર્ટ પર રહેલો છે. વોડાફોન આઇડિયા અને ભારતી ઍરટેલ બન્નેએ કોર્ટમાં અરજી કરી છે કે તેમને નાણાં ચૂકવવામાં સમય આપવામાં આવે. મોબાઇલ સેવાની અનિવાર્યતા જોઈ કેન્દ્ર સરકારના ટેલિકૉમ વિભાગે કોર્ટમાં એવી રજૂઆત કરી છે કે આગામી ૨૦ વર્ષમાં હપ્તા કરી કંપનીઓ પાસેથી નાણાંની એજીઆરનાં બાકી લેણાંની વસૂલાત કરવામાં આવે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં જુલાઈના ત્રીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

vodafone idea business news