રિયલ એસ્ટેટ માટે GSTના ફેરફારો વિશે હવે ૨૪ ફેબ્રુઆરીએ લેવાશે નિર્ણય

21 February, 2019 05:52 PM IST  | 

રિયલ એસ્ટેટ માટે GSTના ફેરફારો વિશે હવે ૨૪ ફેબ્રુઆરીએ લેવાશે નિર્ણય

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ કાઉન્સિલે બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ માટેના જીએસટી દરમાં ફેરફાર કરવાનો નિર્ણય ગઈ કાલની બેઠકમાં લીધો ન હતો.

કાઉન્સિલની મીટિંગ ૨૪ ફેબ્રુઆરીએ મળશે અને એમાં રિયલ એસ્ટેટ વિશે નિર્ણય લેવાનો પ્રયત્ન કરશે એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વડપણ હેઠળના પ્રધાનોના જૂથે રિયલ એસ્ટેટ પર લાગુ થતા GST બાબતે આખરી ભલામણો સોમવારે સુપરત કરી હતી. જૂથે એમાં કહ્યું હતું કે ‘બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પરનો હાલનો ૧૨ ટકાનો દર ઘટાડીને ૫ ટકા કરવામાં આવવો જોઈએ. આ જ રીતે બાંધકામ હેઠળનાં સસ્તાં ઘરો માટેનો દર ૮થી ઘટાડીને ૩ ટકા કરી દેવો જોઈએ.’

અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘બિલ્ડરો બાંધકામ માટેનો ઓછામાં ઓછો ૮૦ ટકા માલ સંગઠિત ક્ષેત્રમાંથી ખરીદે એવી શરત લાગુ કરવામાં આવી શકે છે.’ કાઉન્સિલ આ બાબતે રાજ્યોના નાણાપ્રધાનોનાં મંતવ્યો પર વિચારણા કરવા સંમત થઈ છે.

અગાઉ, મોટા ભાગે વિરોધ પક્ષોના શાસન હેઠળનાં રાજ્યોના નાણાપ્રધાનોએ કહ્યું હતું કે ‘લૉટરી માટે ઞ્લ્વ્ના માળખામાં ઉતાવળે ફેરફાર કરવો જોઈએ નહીં, કેમ કે સઘન ચર્ચાવિચારણા કર્યા પછી જ હાલની પદ્ધતિ અમલમાં મુકાઈ હતી.’

આ પણ વાંચોઃ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે લૉટરી પરના GSTનો દર એકસમાન રાખવાની ભલામણ

સેલ્સ રિટર્ન માટેની તારીખ લંબાવાઈ

GST કાઉન્સિલે સેલ્સ રિટર્ન નોંધાવવા માટેની છેલ્લી તારીખ હવે લંબાવીને બાવીસ ફેબ્રુઆરી કરી છે. કાઉન્સિલની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘સેલ્સ સમરી રિટર્ન ભરવા માટે છેલ્લી ઘડીના ધસારાને અનુલક્ષીને સમયમર્યાદા લંબાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર માટે ૨૮ ફેબ્રુઆરી અને બીજાં બધાં રાજ્યો માટે બાવીસ ફેબ્રુઆરીની નવી તારીખ નક્કી કરવામાં આવી છે.’

goods and services tax