આજથી બદલાઈ રહ્યા છે આ 9 નિયમ, તમારુ ખિસ્સુ થશે ખાલી

01 September, 2019 12:37 PM IST  |  દિલ્હી

આજથી બદલાઈ રહ્યા છે આ 9 નિયમ, તમારુ ખિસ્સુ થશે ખાલી

દેશમાં આજથી 9 મોટા નિયમો બદલાઈ રહ્યા છે. આ તમામ બદલાવ દેશના લગભગ દરેક નાગરિકને લગતા છે. ત્યારે અમે તમને જણાવીશું આ કયા નિયમો છે, જે બદલાઈ રહ્યા છે. અને તમારા જીવનમાં શું ફરક પડશે. આ નિયમોમાં ટ્રાફિક નિયમથી લઈ બેન્ક અને વીમાના નિયમો સામેલ છે. તો IRCTCની ટિકિટને લગતા નિયમો પણ બદલાયા છે.

હવે જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમને ખૂબ જ ભારે પડશે. કારણ કે આજ થી નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયો છે. જેનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ લાગશે. નવા મોટર વ્હિકલ એક્ટમાં દારૂ પીને ગાડી ચલાવવા પર 10 હજારનો દંડ થશે. હેલમેટ વગર વાહન ચલાવતા પકડાશો તો 500થી 1500 રૂપિયા અને બાઈક પર ત્રણ સવારી જવા પર 500 રૂપિયા દંડ થશે. આ ઉપરાંત લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર 5 હજાર રૂપિયા અને પીયુસી ન હોવા પર હવે 500 રૂપિયાનું ચલણ ભરવું પડશે.

IRCTC આજથી ઈ ટિકિટ પર સર્વિસ ચાર્જ પણ લાગુ કરશે, જેનાથી ઈ ટિકિટ ખરીદવું મોંઘું પડશે. IRCTC હવે એસી સિવાયની ઈ ટિકિટ પર 15 રૂપિયા અને એસી કોચની ઈ ટિકિટ પર 30 રૂપિયા સર્વિસ ચાર્જ લાગશે.

શોપિંગ પર પણ બેન્ક હવે નજર રાખશે. અત્યાર સુધી બેન્ક ફક્ત 50 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન રિપોર્ટ તૈયાર કરતા હતા, પરંતુ આ નિયમ પણ બદલાઈ જશે. આજથી બેન્ક નાના ટ્રાન્ઝેક્શન પણ રિપોર્ટ કરશે. જેનાથી ટેક્સ ડિપાર્ટમેન્ટ ઈન્કમટેક્સ રિટર્નની તપાસ કરી શકે.

આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે વાહનો માટે ભૂકંપ, પૂરથી થતા નુક્સાન પર વીમો અલગથી લાગશે. જો તમારા ઘરમાં કાર કે ટુ વ્હિલર હોય કે 1 સપ્ટેમ્બરથી વીમા નિયમોમાં પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ. સાધારણ વીમા કંપનીઓ હવે વાહનોને ભૂકંપ, પૂર જેવી પ્રાકૃતિક આફતો, તોડફોડ અને રમખાણો જેવી ઘટનાઓથી થતા નુક્સાન માટે અલગથી વીમા કવર આપશે. ગત જુલાઈ મહિનામાં વીમા નિયામક ઈરડાએ સામાન્ય વીમા કંપનીઓને તેને 1 સપ્ટેમ્બરથી લાગુ કરવા કહ્યું છે.

જે વ્યક્તિઓએ પોતાના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નથી કર્યા, તેમને આવકવેરા વિભાગ નવો પાન નંબર આપશે.

50 લાખથી વધુની ચૂકવણી પર હવે તમારે 5 ટકા ટીડીએસ ચૂકવવો પડશે.

મોટા પ્રમાણમાં જો રોકડ ઉપાડશો, તો તેના પર ચાર્જ પણ મોટો લાગશે. 1 કરોડની રોકડ બેન્કમાંથી ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લાગશે.

આ પણ વાંચોઃ પિતાએ પુત્રને ભૂલથી ગિફ્ટમાં આપી દીધા 2600 કરોડના બે પ્લેન !!!

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પણ લેવડ દેવડ સંબંધિત ફીમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. બેન્કે આપેલા નિવેદન પ્રમાણે એક સપ્ટેમબરથી લેવડ દેવડ અંગેની સેવાઓની ફીને બે જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવશે. આ બે શ્રેણી નિકાસ માટે લોન લેનાર ગ્રાહકો અને નિકાસ સિવાયના બીજા વેપાર માટે લોન લેનાર ગ્રાહકની છે.

આ સાથે જ ઘર ખરીદનાર વ્યક્તિઓએ વધુ ખર્ચ કરવો પડશે. પહેલા જ્યાં TDS ફક્ત પ્રોપર્ટીના મૂલ્ય કપાતો હતો, તે હવે પ્રોપર્ટીની કિંમતની સાથે ક્લબ મેમ્બરશિપ, પાર્કિગ ફી જોડીને કપાશે.

irctc business news