સાયરસ મિસ્ત્રી અને તાતા જૂથની ત્રણ વર્ષ લાંબી લડાઈ હવે SCમાં પહોંચી

03 January, 2020 02:04 PM IST  |  Mumbai Desk

સાયરસ મિસ્ત્રી અને તાતા જૂથની ત્રણ વર્ષ લાંબી લડાઈ હવે SCમાં પહોંચી

તાતા સન્સના અધ્યક્ષ તરીકે રતન તાતા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે શરૂ થયેલો ત્રણ વર્ષ જૂનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. તાતા જૂથે સુપ્રીમ કોર્ટમાં નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલના સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષ તરીકે બહાલ કરવાના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. દેશના સૌથી મોટા કૉર્પોરેટ ગૃહે સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માગણી કરી છે કે ટ્રિબ્યુનલનો આદેશ રદ કરવામાં આવે. 

તાતા જૂથે પોતાની સુપ્રીમ કોર્ટની અરજીમાં દલીલ કરી છે કે સાયરસ મિસ્ત્રીના સમયમાં તેમની કામગીરી તાતા સન્સનાં હિતો સામે બાધારૂપ બને એવી હતી. અગાઉ ટ્રિબ્યુનલમાં પણ દલીલ કરી હતી અને અહીં પણ ભારપૂર્વક જણાવીએ છીએ કે મિસ્ત્રીનાં કેટલાંક પગલાંને કારણે તાતા જૂથનાં હિતોની રક્ષા કરવા માટે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
મિસ્ત્રીએ બોર્ડ-મીટિંગની છૂપી વાતો જાહેરમાં મૂકી હતી. તાતા સન્સના મુખ્ય અધિકારી તરીકે તેમણે સામે ચાલીને આવકવેરા વિભાગને તાતા સન્સના દસ્તાવેજો આપ્યા હતા. આ બન્ને કામગીરી માટે તેમની પાસે કોઈ મંજૂરી હતી નહીં અને તેઓ હક્કદાર ન હોવાથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, એમ સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશનમાં તાતા સન્સે જણાવ્યું છે.
૨૦૧૬ની ૨૪ ઑક્ટોબરે તાતા સન્સની બોર્ડ-મીટિંગમાં કંપનીના એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે મિસ્ત્રીને હટાવી દેવામાં આવ્યા હતા. ત્રણ વર્ષ ચાલેલા કાયદાના જંગ બાદ નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલે ૧૮ ડિસેમ્બરે ચુકાદો આપ્યો હતો કે મિસ્ત્રીને હટાવી દેવા માટે તાતા સન્સના બોર્ડે લીધેલો નિર્યણ કાયદેસર નથી. તેમના સ્થાને ફેબ્રુઆરી ૨૦૧૭માં નીમવામાં આવેલા એન. ચંદ્રશેખરની ચૅરમૅનપદે નિમણૂક પણ કાયદેસર નથી, તાતા સન્સ એક જાહેર કંપની છે, એ પ્રાઇવેટ કંપની નથી.
ઑક્ટોબર ૨૦૧૬થી ઑક્ટોબર ૨૦૧૭ દરમ્યાન તાતા જૂથ વચ્ચે કડવાશભરી લડાઈ શરૂ થઈ હતી, જેમાં બન્ને પક્ષે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કર્યા હતા. મિસ્ત્રીએ એવો દાવો કર્યો હતો કે તાતા જૂથનું બોર્ડ લઘુમતી શૅરહોલ્ડરના હિતમાં કામ કરી રહ્યું નથી અને મૅનેજમેન્ટમાં તાતા સન્સના બહુમતી શૅરહોલ્ડર સતત દખલ કરી રહ્યા છે.
આ ચુકાદાથી સાયરસ મિસ્ત્રીની કામગીરી અને તેમની જે રીતે હકાલપટ્ટી કરવામાં આવી એ સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ હતી અને તેમની વ્યક્તિગત શાખ વધારે ઉજ્જ્વળ ઊભરી આવી છે. બીજી તરફ, તાતા જૂથને વૈશ્વિક ઉદ્યોગગૃહની ઓળખ આપનાર રતન તાતાની છબિ સામે એક સવાલ ઊભો થયો છે. અપેલેટ ટ્રિબ્યુનલે પણ આ સંદર્ભે નોંધ લીધી છે.
રતન તાતા વિશે શું છે ચુકાદામાં?
અપેલેટ ટ્રિબ્યુનલે એવો આદેશ આપ્યો છે કે કંપનીની વાર્ષિક સાધારણ સભામાં બોર્ડ ઑફ ડિરેક્ટરની બહુમતીથી જે નિર્યણ લેવામાં આવતા હોય એમાં રતન તાતા અને તાતા ટ્રસ્ટના કોઈ પ્રતિનિધિ અગાઉથી કોઈ નિર્યણ લઈ શકશે નહીં.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીના ડિરેક્ટરોએ પૂર્વગ્રહ રાખીને અને અન્યોને દબાણમાં રાખીને નિર્યણ લીધા છે. આવા નિર્ણય માત્ર આકસ્મિક સંજોગોમાં જ લેવાવા જોઈએ. ખાસ કરીને જ્યારે લઘુમતીમાં શૅરહોલ્ડર હોય ત્યારે તેને લેખિતમાં જાણ કરીને આ નિર્ણયની એના પર શું અસર કરશે એનાથી વાકેફ કરીને જ કાર્ય કરવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે રતન તાતાએ સાયરસ મિસ્ત્રીને બોર્ડની બેઠકમાં બોલાવી, તેમની કામગીરી સામે વાંધો ઉઠાવીને તેમને હટી જવા માટે અચાનક જ જાણ કરી હતી. આ મામલે પણ સાયરસ મિસ્ત્રીએ વાંધો ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત સાયરસ મિસ્ત્રી અને તેમને ટેકો આપી રહેલા લોકો માટે એનએનસીએલટીના ચુકાદામાં કેટલાક શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની સામે પણ અપેલેટ ટ્રિબ્યુનલે વાંધો ઉઠાવી એને ચુકાદામાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. અપેલેટ ટ્રિબ્યુનલે નોંધ્યું છે કે આવા શબ્દોથી લોકોનું સન્માન ઘટે છે અને તેમની શાખ ઘટે છે એથી આવા શબ્દો દૂર રહેવા જોઈએ અને ટ્રિબ્યુનલે ભવિષ્યમાં આ સંદર્ભે ધ્યાન રાખવું જોઈએ.

સુપ્રીમમાં તાતા સન્સે ઉઠાવેલા વાંધા
ટ્રિબ્યુનલના ઑર્ડરથી તાતા જૂથની કામગીરીમાં મૂંઝવણ થઈ રહી છે અને એની માઠી અસર પડી શકે છે. આ કંપનીઓ મહત્ત્વની કામગીરી કરી રહી છે અને એમાંથી ઘણી શૅરબજારમાં લ‌િસ્ટેડ પણ છે.
છેલ્લાં ૧૦૦ વર્ષથી તાતા જૂથના પ્રણેતાઓએ ઊભી કરેલી શાખ, ટ્રસ્ટીશિપ અને જવાબદારી સહિતની કૉર્પોરેટ ગવર્નન્સનો ઇતિહાસ ટ્રિબ્યુનલના એક ચુકાદાથી પડી ભાંગ્યો છે.
સાયરસ મિસ્ત્રીની જૂથના વડા તરીકેની કામગીરીનો અંત માર્ચ ૨૦૧૭માં આવ્યો હતો. તેમણે ફરી આ પદ નહીં માગ્યું હોવા છતાં ટ્રિબ્યુનલના ચુકાદામાં મિસ્ત્રીને ફરી બહાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કાયદામાં ફેરફાર કર્યા પછી પણ તાતા સન્સ પબ્લિક કંપની તરીકે કામ કરી રહી હતી અને રજિસ્ટ્રાર ઑફ કંપની, મુંબઈનો નિર્ણય ગેરકાયદે હતો એવું ટ્રિબ્યુનલનું અવલોકન પણ ગંભીર ભૂલભર્યું છે.

ratan tata tata business news