સરકાર ઘઉંની ટેકાના ભાવથી ૩૫૭ લાખ ટનની ખરીદી કરશે

23 February, 2019 09:34 AM IST  | 

સરકાર ઘઉંની ટેકાના ભાવથી ૩૫૭ લાખ ટનની ખરીદી કરશે

ઘઉં

કૉમોડિટી કરન્ટ - દેશમાં સતત બીજા વર્ષે ઘઉંનાં વિક્રમી ઉત્પાદનની ધારણાએ સરકારે સતત બીજા વર્ષે પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી વધારે ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારે ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૩૫૭ લાખ ટન ઘઉંની ટેકાના ભાવથી ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI)ના અધિકારીના કહેવા પ્રમાણે દેશમાંથી ગયા વર્ષે સરકારે કુલ ૩૨૦ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો હતો જેની સામે સરકારે કુલ ૩૫૫ લાખ ટનની ખરીદી કરી હતી અને ચાલુ વર્ષે ૩૫૭ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે. દેશમાં આ અગાઉ ૨૦૧૨-’૧૩માં ઘઉંની વિક્રમી ૩૮૧ લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી.

ખાદ્ય મંત્રાલયે ચાલુ સપ્તાહ દરમ્યાન તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. FCI દ્વારા ૧૫ માર્ચથી મધ્ય પ્રદેશમાંથી ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે, જ્યારે કુલ ખરીદીમાં જેનો ૫૦ ટકા હિસ્સો છે એવા પંજાબ અને હરિયાણામાં એપ્રિલ મહિનાથી ખરીદી શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પણ એપ્રિલ મહિનાથી ખરીદી શરૂ કરવામાં આવશે.

FCI દ્વારા ટેકાના ભાવથી મધ્ય પ્રદેશમાંથી ૭૫ લાખ ટન, પંજાબમાંથી ૧૨૫ લાખ ટન, હરિયાણામાંથી ૮૫ લાખ ટન, ઉત્તર પ્રદેશમાંથી ૫૦ લાખ ટન અને રાજસ્થાનમાંથી ૧૭ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ પણ વાંચો : ખાંડમાં નિકાસ-સબસિડી આપવા શુગર મિલોની માગણી

દેશમાં અનાજનો વિક્રમી સ્ટૉક

FCIના આંકડાઓ પ્રમાણે દેશમાં ઘઉં-ચોખા સહિતનાં અનાજનો સ્ટૉક સરકારી ગોડાઉનમાં વિક્રમી પડ્યો છે. ઘઉં અને ચોખા મળીને કુલ અનાજનો સ્ટૉક ૪૭૭.૨ લાખ ટનનો છે જે ફેબ્રુઆરી ૨૦૧૩ બાદનો સૌથી ઊંચો સ્ટૉક છે. એ વર્ષે સરકારી ગોડાઉનમાં કુલ ૬૬૨.૮ લાખ ટનનો સ્ટૉક પડ્યો હતો.