સોનામાં ૧૫૦૦ રૂપિયાનો કડાકો સાપ્તાહિક ધોરણે ૧૯૮૩ બાદ સૌથી મોટો ઘટાડો

15 March, 2020 11:45 AM IST  |  New Delhi

સોનામાં ૧૫૦૦ રૂપિયાનો કડાકો સાપ્તાહિક ધોરણે ૧૯૮૩ બાદ સૌથી મોટો ઘટાડો

કોરોના વાઇરસ સહિતના અનેક પ્રતિકૂળ વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શૅરબજારમાં ઘટાડો થયો છે ત્યારે બુલિયન માર્કેટમાં પણ ભારે અફરાતફરી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતોમાં આશરે રૂપિયા ૨૩૮૮ જ્યારે ચાંદીના ભાવમાં રૂપિયા ૪૦૪૦નો ઘટાડો થયો છે. ગઈ કાલે પણ સોનામાં આશરે રૂપિયા ૧૫૦૦ ઘટાડો થયો છે. માર્જિનમાં ઘટાડો થવાથી તેમ જ અન્ય સેક્ટરોમાં થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે સોનામાં છેલ્લા પાંચ સત્ર દરમ્યાન ભારે ઘટાડો જોવા મળે છે.

ગઈ કાલે પણ સોનાના ભાવ રૂપિયા ૧૫૦૦ ઘટી રૂપિયા ૪૧,૬૭૦ થયા છે. જ્યારે ચાંદીના ભાવ કિલો દીઠ રૂપિયા ૧૩૯૫ ઘટી રૂા. ૪૨,૪૬૦ થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લંડન અને ન્યુ યૉર્કથી મળેલી માહિતી પ્રમાણે સોનાના હાજર ભાવ ઔંસ દીઠ ગગડીને ૧૫૨૯.૦૫ થયા છે. અમેરિકી સોનાનો વાયદો ૭૧.૫૦ ડૉલર તૂટીને ૧૫૧૭.૮૦ ડૉલર થયો છે, જ્યારે ચાંદી હાજરનો ભાવ પણ ૧૪.૭૨ ડૉલર થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં ભારતમાં સોનાના ભાવ રૂપિયા ૪૫,૦૦૦ને પાર સર્વોચ્ચ સપાટી પર હતા. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ભાવ ઔંસ દીઠ ૧૭૦૦ ડૉલર બોલાઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના દબાણ વચ્ચે સપ્તાહના અંત સુધીમાં ભાવ ૮.૬૦ ટકા ઘટી ૧૫૧૬ ડૉલર નજીક પહોંચી ગયા છે, જ્યારે ચાંદી ૧૪.૪૬ ડૉલર થઈ ગઈ છે. સાપ્તાહિક ધોરણે આવેલો આ ઘટાડો માર્ચ, ૧૯૮૩ બાદનો સૌથી મોટો ઘટાડો છે. બજારમાં ચોતરફથી સોનાના ભાવમાં જંગી પ્રમાણમાં વેચવાલી જોવા મળી રહી છે. ઑઈલ તથા વૈશ્વિક શૅરબજારોએ ઑક્ટોબર, ૨૦૦૮ બાદ સૌથી નબળો દેખાવ કર્યો છે ત્યારે બુલિયન માર્કેટમાં પણ મોટા પ્રમાણમાં વેચવાલી જોવા મળી રહી છે.

national news business news