વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાના ભાવ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ

27 December, 2018 02:36 PM IST  | 

વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાના ભાવ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ

વધ્યા ચોખાના ભાવ


ભારતીય ચોખામાં જબ્બર તેજી આવી છે. ભારતીય ચોખાના નિકાસભાવ ચાલુ સપ્તાહે વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. સ્થાનિક બજારમાં ડાંગરના ટેકાના ભાવમાં વધારો કર્યો હોવાથી ભાવ ઊંચકાયા છે. બીજી તરફ ચીને વિયેટનામથી આયાત થતા ચોખા પર કડક નિયમો લગાડતાં બીજા દેશોના ભાવ ઘટ્યા છે.

ભારતીય પાંચ ટકા બ્રૉકન ચોખાના ભાવ વધીને ૩૭૫થી ૩૮૨ ડૉલરની ઊંચી સપાટી પર પહોંચ્યા હતા જે ૭ સપ્ટેમ્બર બાદના સૌથી ઊંચા ભાવ હતા. છત્તીસગઢમાં ચોખાના ટેકાના ભાવ ૨૫૦૦ રૂપિયા પ્રતિ કિલો કર્યા છે જે અગાઉ ૧૭૫૦ રૂપિયા હતા. આમ છત્તીસગઢના ભાવવધારાની મોટી અસર ભાવ પર પડી છે.

ચોખાના નિકાસકારોનું કહેવું છે કે ‘આયાતકારો ઊંચા ભાવ આપવા માટે તૈયાર નથી જેને પગલે આગામી દિવસોમાં ચોખાની નિકાસને અસર પહોંચે એવી સંભાવના છે.’

વિયેટનામના પાંચ ટકા બ્રૉકન ચોખાના ભાવ સતત પાંચમા સપ્તાહે ઘટીને ૩૮૫ ડૉલર પ્રતિ ટન ક્વોટ થઈ રહ્યા છે. ચીનના એક ટ્રેડરે જણાવ્યું હતું કે ‘ચીન વિયેટનામથી આયાત થતા ચોખા પર કડક નિયમો લાદી રહ્યું છે જેને પગલે આગામી દિવસોમાં વિયેટનામના ચોખાના ભાવ હજી ઘટે એવી સંભાવના છે. ચીન જો કમ્બોડિયા અને મ્યાનમારથી ચોખાની આયાત કરશે તો વિયેટનામથી આયાત વધુ ઘટી શકે છે.’

વૈશ્વિક બજારમાં ભારત, વિયેટનામ અને થાઇલૅન્ડ ચોખાના ભાવ માટે બેન્ચમાર્ક ગણાય છે. ભારત સિવાયના દેશોમાં ભાવ ઘટી રહ્યા હોવાથી ભારતીય ચોખામાં નિકાસવેપારો ઘટે એવી સંભાવના નકારી શકાય એમ નથી.