ઝીના સ્થાપક સુભાષ ચંદ્રનું તાત્કાલિક અસરથી રાજીનામું

26 November, 2019 09:14 AM IST  |  Mumbai

ઝીના સ્થાપક સુભાષ ચંદ્રનું તાત્કાલિક અસરથી રાજીનામું

સુભાષ ચંદ્ર

દેશમાં દૂરદર્શનના યુગમાંથી ખાનગી ટીવી-ચૅનલ થકી મનોરંજન, સમાચાર અને શિક્ષણ તથા ટીવી-ચૅનલનું સીધું પ્રસારણ કરવાનું સાહસ કરનાર દેશના સૌથી મોટા મીડિયા ઇલેક્ટ્રૉનિક મીડિયા જૂથ ઝી એન્ટરટેઇનમેન્ટના ચૅરમૅનપદેથી સોમવારે સુભાષચંદ્ર ગોયલે રાજીનામું આપી દીધું છે. આની સાથે ઝી ગ્રુપમાં સુભાષ ચંદ્રની માલિકીના એસ્સેલ જૂથનો અંત આવ્યો છે. 

એક સમયે દેશની ફ્લેક્સિબલ પૅકેજિંગની સૌથી મોટી કંપની એસ્સેલ પૅકેજિંગ (આજે એસ્સેલ પ્રોપેક)ના નામે ચાલતી કંપનીના સ્થાપક સુભાષ ચંદ્રએ ૧૯૯૨માં ઝી ટીવીથી શરૂઆત કરી હતી. ભારત સરકારે ટીવી પ્રસારણ ક્ષેત્રે ખાનગી કંપનીઓને મંજૂરી આપ્યા બાદ ઝી ટીવી શરૂ થઈ એ પછી એને મનોરંજનની એક નવી જ દુનિયા ભારતીય દર્શકો માટે શરૂ કરી હતી. આજે ઝી એની પોતાની અને પ્રસારણના હક સાથે ૧૯૦ જેટલી ચૅનલ દેશ અને દુનિયામાં ૧૭૪ દેશો થકી ૧.૩ અબજ લોકો સુધી પહોંચે છે.

આવી જ રીતે કેબલ ટીવીના સ્થાને ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ શરૂ કરનાર પણ તેમની જ માલિકીની ડિશ ટીવી પ્રથમ કંપની છે. 
જોકે ૨૦૦૫માં ભોપાલના ભાસ્કર જૂથ સાથે મુંબઈમાં ‘ડીએનએ’ નામનું અંગ્રેજી અખબાર શરૂ કરનાર અને એ પછી રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રકચર જેવાં ક્ષેત્રોમાં બિઝનેસનું વિસ્તરણ કરનાર આ વ્યક્તિ ધીમે-ધીમે દેવું વધી જતાં ભીંસમાં આવી ગયા હતા અને છેલ્લા કેટલાક દિવસોમાં કટકે કટકે ઝી ગ્રુપમાં પોતાનો, એસ્સેલ જૂથનો અને કુટુંબીજનોનો હિસ્સો વેચી રહ્યા હતા. 

ગયા સપ્તાહે પોતાની સૌથી મોટી કંપની ઝી એન્ટરટેઇનમેન્ટમાં વધુ ૧૬.૫ ટકા હિસ્સો વેચી દેવાની તેમણે જાહેરાત કરી હતી અને ગુરુવારે હિસ્સો વેચી દીધા પછી પ્રમોટર ચંદ્ર અને તેના એસ્સેલ ગ્રુપનો હિસ્સો ઝી એન્ટરટેઇનમેન્ટમાં માત્ર પાંચ ટકા રહી ગયો છે.  

પ્રમોટર જૂથ દ્વારા કંપનીના શૅર ગીરવી મૂકી લોન લેવામાં આવી હતી. જૂથની આ લોન-ભરપાઈ કરવામાં અને એની શાખ બચાવવા માટે આ હિસ્સો વેચવામાં આવ્યો હતો. આ વ્યવહારમાં કંપની ચીનની ઓએફઆઇ ચાઇના ફન્ડને પણ ૨.૩ ટકા હિસ્સો વેચી રહી છે. આ ઉપરાંત જૂથ હજી પણ દેવું પાછું કરવા માટે મીડિયા અને અન્ય બિઝનેસમાં હિસ્સો વેચી શકે છે. 

અગાઉ ગ્રુપે ઝી એન્ટરટેઇનમેન્ટમાં ૧૧ ટકા હિસ્સો વેચી ૪૨૨૪ કરોડ ઊભા કર્યા હતા. સપ્ટેમ્બરની શૅરહોલ્ડિંગ અનુસાર કંપનીમાં પ્રમોટર પાસે ૨૨.૩૭ ટકા હિસો છે જેમાંથી ૯૬ ટકા શૅર ગીરવી મૂકવામાં આવ્યા છે. 

એક અંદાજ અનુસાર એસ્સેલ જૂથ પર લગભગ ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે જેમાંથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની રકમ નૉન-બૅન્કિંગ કંપનીઓ અને અન્ય ફન્ડ્સ પાસે છે, જ્યારે બાકીનાં લેણાં બૅન્કોનાં છે. આ મહિનાની શરૂઆતમાં ઇન્વેસસ્કો ગ્રુપને હિસ્સો વેચી ડેટા પ્રમોટર પર હવે લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયાનું દેવું બાકી છે જેમાંથી ૫૦૦૦ કરોડ રૂપિયા હજી પણ ભારતીય ફન્ડ્સ કે બૅન્કોના છે.

zee tv business news