કો-લોકેશન કેસમાં એનએસઈને નિયમનકાર સેબીએ ઠેરવ્યું દોષી

01 May, 2019 11:50 AM IST  |  નવી દિલ્હી | (પી.ટી.આઇ.)

કો-લોકેશન કેસમાં એનએસઈને નિયમનકાર સેબીએ ઠેરવ્યું દોષી

સેબી

સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ કો-લોકેશન કેસમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએઈ)ને ૬ મહિના સુધી સિક્યૉરિટીઝ માર્કેટથી દૂર રહેવાની મનાઈ ફરમાવવા ઉપરાંત આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો છે. આમાં ૬૨૫ કરોડ રૂપિયાનો દંડ અને ૧ એપ્રિલ, ૨૦૧૪થી એના પર ૧૨ ટકાના દરે વ્યાજનો સમાવેશ થાય છે. એ ઉપરાંત એક્સચેન્જના બે ભૂતપૂર્વ અધિકારીઓને પાંચ વર્ષ માટે માર્કેટ ઇન્ટરમીડિયરીઝ સાથે સંબંધ ધરાવવાની મનાઈ ફરમાવી છે.

સેબીએ મંગળવારે બહાર પાડેલા ૧૦૪ પાનાંના આદેશમાં કહ્યું છે કે ‘ભૂતપૂર્વ અધિકારીઓ રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણે અમુક સમયગાળા માટેના પોતાના પગારની ૨૫ ટકા રકમની ભરપાઈ કરવાની રહેશે. તેમના પર લિસ્ટેડ કંપની કે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા અથવા અન્ય કોઈ ઇન્ટરમીડિયરીઝ સાથે સંબંધ ધરાવવા પર પ્રતિબંધ મુકાયો છે.

એક્સચેન્જ માટે આદેશમાં કહેવાયું છે કે એ ૬ મહિના સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિક્યૉરિટીઝ માર્કેટમાં આવી નહીં શકે. આ આદેશનો અર્થ એવો થાય છે કે એક્સચેન્જ ૬ મહિના સુધી પોતાનો આઇપીઓ નહીં લાવી શકે. નિયમનકારે કહ્યા મુજબ એનએસઈએ હવે સમયે-સમયે થનારાં ટેક્નૉલૉજિકલ પરિવર્તનોની ચકાસણી કર્યા બાદ નિયમિત સમયાંતરે સિસ્ટમ ઑડિટ કરવું જરૂરી છે.

આદેશ મુજબ એણે નિયમિત સમયાંતરે ટેક્નૉલૉજિકલ પ્રfનોનું આકલન કરવા માટે અને વ્હિસલબ્લૉઅર ફરિયાદોના નિરાકરણ માટે ટેક્નૉલૉજિકલ સ્થાયી સમિતિની પુન: રચના કરવી પડશે.

નોંધનીય છે કે એનએસઈએ બ્રોકરોને કો-લોકેશન સુવિધા આપી હતી. એમાં થયેલા હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદ ૨૦૧૫માં થઈ હતી.

સેબીએ તપાસ દરમ્યાન એક્સચેન્જને તથા ૧૬ વ્યક્તિઓને કારણદર્શક નોટિસ મોકલી હતી. એમાંથી અધિકારી રવિ વારાણસી સહિત ૧૪ વ્યક્તિઓને નિર્દોષ છોડી મુકાઈ છે, જ્યારે રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સેબીના હોલટાઇમ મેમ્બર જી. મહાલિંગમે આદેશમાં એમ પણ કહ્યું છે કે એક્સચેન્જે ટિક-બાય-ટિક ડેટા આર્કિટેક્ચરની બાબતે પૂરતી તકેદારી લીધી નહોતી.

મહાલિંગમે આદેશમાં કહ્યું છે કે માન્યતાપ્રાપ્ત સ્ટૉક એક્સચેન્જ તરીકેના દરજ્જા પર વિપરીત અસર થાય એવો કોઈ હુકમ કરવાની સત્તા આ કાર્યવાહીની બહારની વાત છે. આથી ટિક-બાય-ટિક ડેટાના ઉપયોગ દ્વારા મેળવાયેલા નફામાંથી અમુક હિસ્સાની ભરપાઈ કરાવવાનો હુકમ એના નિયમભંગ માટે યોગ્ય છે.

એનએસઈના પ્રવક્તાએ આદેશ બાબતે કહ્યું હતું કે તેઓ આદેશનું નિરીક્ષણ કરી રહ્યા છે અને કાનૂની સલાહ પ્રમાણે યોગ્ય પગલાં લેવામાં આવશે.

sebi