2025 સુધી ભારતીય ઈકોનોમીને પાંચ ટ્રિલ્યન ડૉલર બનાવવાની યોજના

18 January, 2019 09:55 AM IST  | 

2025 સુધી ભારતીય ઈકોનોમીને પાંચ ટ્રિલ્યન ડૉલર બનાવવાની યોજના

પ્રતીકાત્મક તસવીર

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કાર્યકારી જૂથે બુધવારે એક રૂપરેખા જાહેર કરી હતી, જેમાં 2025 સુધીમાં દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલ્યન ડૉલરનું બનાવવા માટેનાં લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં પગલાં સૂચવવામાં આવ્યાં છે.

આ અહેવાલ પ્રમાણે કૃષિ ક્ષેત્ર અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રો એક-એક ટ્રિલ્યન ડૉલર્સનું, જ્યારે સર્વિસિસ ક્ષેત્ર ત્રણ ટ્રિલ્યન ડૉલર્સનું યોગદાન આપશે.

આ ગ્રુપની રચના મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન (DIPP) દ્વારા કરવામાં આવી છે, જેમાં સરકાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સામેલ છે. એને 2025 સુધીમાં દેશના અર્થતંત્રને પચીસ ટ્રિલ્યન ડૉલરનું બનાવવા માટેનો માર્ગ સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

અહેવાલમાં જણાવાયું છે કે ભારત 2024-’25 સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનવાની સંભાવના ધરાવે છે.

અહેવાલમાં ત્રણ ક્ષેત્ર વિશે નીતિવિષયક ભલામણો કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રમાં કોલ્ડ ચેઇન જેવી માળખાકીય સવલતો વિકસાવવા જાહેર અને ખાનગી મૂડીરોકાણને ઉત્તેજન આપવાની, ઈશાન અને પૂવર્નાં રાજ્યો પ્રતિ ખાસ ધ્યાન આપવાની, વરસાદી ખેતી પર નભતાં રાજ્યોને સંસ્થાકીય ધિરાણની ઉપલબ્ધતા કરવાની, નાના અને અતિ નાના ખેડૂતોને ઇનપુટ સબસિડીઓ પૂરી પાડવાની અને એનું રૅશનલાઇઝેશન કરવાની ભલામણો કરવામાં આવી છે.

જમીનના એકત્રીકરણ અને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગને વેગ આપવા અને કૃષિ ક્ષેત્રે જાહેર મૂડીરોકાણને વેગ આપવા તેમ જ મૂડીના અસરકારક વપરાશ માટે જમીનની લીઝના કાયદાઓમાં સુધારા કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.

મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે ગ્રુપે ત્રણ સ્તંભઆધારિત વ્યૂહ સૂચવ્યા છે : ઉત્પાદનવૃદ્ધિ, ખર્ચ પર અંકુશ અને MSME તેમ જ ઊભરતાં ક્ષેત્રો પર ફોકસ.

સંરક્ષણ ક્ષેત્રમાં ચાવીરૂપ કમ્પોનન્ટ્સ અને સિસ્ટમ્સને ઓળખી લેવાની અને ભારતમાં અગ્રણી ગ્લોબલ કંપનીઓને ઉત્પાદન એકમો સ્થાપવા અને ટેક્નૉલૉજી કે પ્રોસેસ ટ્રાન્સફર માટે મર્યાદિત સમય માટે પ્રોત્સાહનો આપવાની ભલામણ કરવામાં આવી છે.

ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદનના ક્ષેત્રે નક્કી કરાયેલી મર્યાદાથી અધિક મૂડીરોકાણ કરતા ખેલાડીઓ માટે સરકારે લિમિટેડ પિરિયડ ટૅક્સ-હૉલિડે જેવાં અતિરિક્ત નાણાકીય પ્રોત્સાહનો પૂરાં પાડવાં જોઈએ. એ જ પ્રમાણે ઑટો અને ઑટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રમાં પણ નક્કી કરેલાં કમ્પોનન્ટ્સના ઉત્પાદન એકમો સ્થાપવા જોઈએ અને પસંદ કરેલા વિસ્તારોમાં મર્યાદાથી અધિક રોકાણ કરવા માટેનાં પ્રોત્સાહનો પૂરાં પાડવાં જોઈએ.

અહેવાલમાં ઍરોનૉટિકલ, સ્પેસ, ગાર્મેન્ટ્સ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ અને બાયોટેક્નૉલૉજી, ઇલેક્ટ્રિક મોબિલિટી, માનવરહિત વાહનો, રોબોટિક્સ અને કેમિકલ્સ ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટેનાં સૂચનો કરાયાં છે.

MSME ક્ષેત્ર માટે ગ્રુપે કહ્યું છે કે તેમને ધિરાણ વધારવા માટે SME ક્રેડિટ રિસ્ક ડેટાબેઝ, SME ક્રેડિટ રેટિંગ અને કમ્યુનિટી આધારિત ફન્ડ્સનું સર્જન કરવું જોઈએ.

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ટૂરિઝમ, મેડિકલ વૅલ્યુ ટ્રાવેલ અને લીગલ જેવાં સર્વિસ ક્ષેત્રોમાં ઉત્પાદન અને નિકાસવૃદ્ધિ માટે સંકલિત પ્રયાસ કરવાની જરૂર છે. આ ઉપરાંત રેલ કનેક્ટિવિટીમાં સુધારો, મોટાં આકર્ષક પર્યટનસ્થળોની એકધારી કનેક્ટિવિટી, મેડિકલ ટૂરિઝમ માટે વીઝા, નક્કી કરેલી હૉસ્પિટલોમાં વિદેશીઓને સર્જરી કરવાની છૂટ અને ઈ-કૉમર્સ પૉલિસી અને નિયમન માળખામાં સુધારો કરવાની જરૂર છે.

indian economy