ખરીફ મોસમમાં કાંદાનો પાક 26 ટકા ઘટશે : ખાદ્ય પ્રધાનની સંસદમાં જાહેરાત

20 November, 2019 10:19 AM IST  |  New Delhi

ખરીફ મોસમમાં કાંદાનો પાક 26 ટકા ઘટશે : ખાદ્ય પ્રધાનની સંસદમાં જાહેરાત

કાંદા

ગયા વર્ષ કરતાં કાંદાના ભાવ બમણાથી પણ વધારે થઈ ગયા છે ત્યારે ખાદ્ય પ્રધાન રામ વિલાસ પાસવાને આજે લોકસભામાં જણાવ્યું હતું કે ૨૦૧૯-’૨૦ની ખરીફ મોસમમાં દેશમાં કાંદાનો પાક ૨૬ ટકા ઘટીને ૫૨.૦૬ લાખ ટન જેવો રહેશે.

ગયા વર્ષે ડુંગળીનો સરેરાશ ભાવ ૨૨.૮૪ રૂપિયા કિલોનો હતો જે આ વર્ષે વધીને ૬૦.૩૮ રૂપિયા થઈ ગયો છે એવું સ્વીકારતાં પાસવાને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ઉત્પાદન ૨૬ ટકા ઘટવાનો અંદાજ હોવાથી માગ અને પુરવઠા પર અસર પડી શકે છે.

ભારતમાં ડુંગળીનો પાક માર્ચથી જૂનના રવી મોસમમાં, ઑક્ટોબરથી ડિસેમ્બર ખરીફ મોસમમાં અને ક્યારેક ખરીફ મોસમ મોડી હોય તો જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન લેવામાં આવે છે. જુલાઈથી ઑક્ટોબર વચ્ચે બજારમાં માલ આવે છે એ રવી મોસમ દરમ્યાન થયેલા ઉત્પાદનનો સંગ્રહ હોય છે.

ચાલુ વર્ષે વાવેતર ત્રણથી ચાર મહિના મોડું થયું હતું અને પછી વરસાદ મોડો પડતાં વાવેતર વિસ્તાર પણ ઘટ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને લાંબો સમય સુધી ચાલેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે અને એને કારણે ઉપ્તાદન ઘટવાની શક્યતા છે. બીજી તરફ સતત પડેલા વરસાદને કારણે સંગ્રહસ્થાનની બજારમાં પણ પાક પહોંચી શક્યો ન હોવાથી ભાવ વધી રહ્યા છે એવું પાસવાને જણાવ્યું હતું.

બજારમાં પુરવઠો ઓછો હોવાથી ભાવ વધ્યા હતા. આ વર્ષે ખરીફ અને મોડા ખરીફ વાવેતરનું ઉત્પાદન ગયા વર્ષના ૬૯.૯૧ લાખ ટન સામે ઘટીને ૫૨.૦૬ લાખ ટન થયું જે ૨૬ ટકા ઓછું છે. સ્થાનિક બજારમાં ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે અને વેપારીઓના સંગ્રહ પર પણ મર્યાદા લગાવવામાં આવી છે.

મહિનાના અંત સુધીમાં આયાતી ડુંગળી આવશે. ભારત સરકારે બજારમાં ડુંગળી (કાંદા)નો પુરવઠો વધે એ માટે આયાત શરૂ કરી છે. આ વર્ષે પાક ઓછો થયો છે એટલે ભાવ વધી રહ્યા છે. સરકારના અંદાજ અનુસાર ખાનગી વેપારીઓએ આપેલો ૧૦૦૦ ટન જેટલો આયાતી ડુંગળીનો જથ્થો નવેમ્બરના અંત સુધીમાં બજારમાં આવી શકે છે.

અત્યારે ડુંગળીનો ભાવ નવી દિલ્હીમાં ૬૦ રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે જે ગયા અઠવાડિયે ૧૦૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયો હતો. ખાનગી ઉપરાંત સરકારી કંપનીઓ પણ ડુંગળીની આયાત કરશે. એમએમટીસી થકી સરકાર એક લાખ ટન જેટલી આયાત કરશે જેમાંથી ૪૦૦૦ ટન માટે બિડિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

onion prices business news ram vilas paswan