એપ્રિલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે GSTના નવા દર અમલી બનશે

20 March, 2019 12:51 PM IST  | 

એપ્રિલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે GSTના નવા દર અમલી બનશે

ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ

ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (GST) કાઉન્સિલની મંગળવારે યોજાયેલી મીટિંગમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટેના ૧ એપ્રિલ, ૨૦૧૯થી લાગુ પડતા નવા વેરાના નિયમોના માળખાના અમલ માટેની ટ્રાન્ઝિશન યોજના મંજૂર કરાઈ હતી.

કાઉન્સિલે નક્કી કર્યું છે કે બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સને નવા રેટમાં શિફ્ટ થવાનો વિકલ્પ રહેશે. GST કાઉન્સિલની ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૯એ યોજાયેલી ૩૩મી મીટિંગમાં હાઉસિંગ યુનિટ્સ માટેના નવા રેટ્સ નક્કી કર્યા હતા, જે મુજબ અફૉર્ડેબલ સેગમેન્ટ સિવાયની રેસિડેન્શિયલ પ્રૉપર્ટીઝ પર ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (ITC) વિના ૫ ટકાના દરે GST, જ્યારે અફૉર્ડેબલ સેગમેન્ટની હાઉસિંગ પ્રૉપર્ટીઝ પર ITC વિના એક ટકો GST લાદવામાં આવશે.

મહાનગર સિવાયનાં શહેરો કે ટાઉન્સમાંના ૯૦ સ્ક્વેરમીટર સુધીના અને મહાનગરોમાં ૬૦ સ્ક્વેરમીટર સુધીના કાર્પેટ એરિયાના તેમ જ ૪૫ લાખ રૂપિયા સુધીના (મહાનગરો અને મહાનગર સિવાયના વિસ્તારો એ બન્ને માટે) આવાસને અફૉર્ડેબલ હાઉસિંગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. મહાનગરો (મેટ્રોપોલિટન સિટીઝ)માં બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી નૅશનલ કૅપિટલ રીજન (દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, ગુરગાંવ, ફરીદાબાદ સુધી સીમિત), હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈ (સંપૂર્ણ મુંબઈ મેટ્રોપોલિટન રીજન)નો સમાવેશ થાય છે.

મંગળવારની મીટિંગમાં કાઉન્સિલે નક્કી કર્યું છે કે ૮૦ ટકા મટીરિયલ્સ રજિસ્ટર્ડ ડીલરો પાસેથી પ્રાપ્ત કરેલાં હોવાં જોઈશે. કમર્શિયલ જગ્યાના ૧૫ ટકાને GST હેતુ માટે રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ગણવામાં આવશે, જોકે આ મુદ્દાની સ્પક્ટ રૂપરેખા કાઉન્સિલે આપી નથી. કેટલાક નિષ્ણાતોના મતે આ જોગવાઈ પડકારરૂપ છે, કારણ કે ટાયર-૨ અને નાનાં શહેરોમાં ૮૦ ટકા મટીરિયલ્સ રજિસ્ટર્ડ ડીલરથી પ્રાપ્ત કરવાની જોગવાઈનું પાલન કરવું અઘરું છે.

અન્ય કેટલાક નિષ્ણાતો કહે છે કે સમય કહેશે કે GSTના રાહતના દરથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે કે નહીં, કારણ કે આ રેટ્સ ઇનપુટ ટૅક્સ ક્રેડિટ પ્રાપ્ત કરવાની બિલ્ડરની ક્ષમતાને ધ્યાનમાં લેતા નથી.

ઇનપુટ ટૅક્સ ક્રેડિટને પ્રર્પોસનેટ ધોરણે રિવર્સ કરવામાં આવશે અને નવા રેટ્સ પ્રતિના સંક્રમણની સમયમર્યાદા અંગે રાજ્યો સાથે ચર્ચા કરવામાં આવશે, એમ કાઉન્સિલે નક્કી કર્યું છે.

અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સને નવા પ્રોજેક્ટસથી અલગ ગણવાના પગલાથી બિલ્ડરોને રાહત થશે, જેમને ઇનપુટ ટૅક્સ ક્રેડિટ ગુમાવવાની ચિંતા હતી. આ પગલાથી બિલ્ડરો અને ગ્રાહકો બન્નેને લાભ થશે, એમ એક નિષ્ણાતે કહ્યું હતું.

goods and services tax