ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સાઉથ કોરિયાને ભારતમાં રોકાણ કરવાની તક: મોદી

22 February, 2019 10:02 AM IST  | 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સાઉથ કોરિયાને ભારતમાં રોકાણ કરવાની તક: મોદી

મોદી સાઉથ કોરિયામાં : ગઈ કાલે સાઉથ કોરિયાની રાજધાની સોલમાં બિઝનેસ અગ્રણીઓને સંબોધવા જઈ રહેલા નરેન્દ્ર મોદી.

ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સાઉથ કોરિયા ઇકૉનૉમિક ડેવલપમેન્ટ ફન્ડ ઍન્ડ એક્સપોર્ટ ક્રેડિટ હેઠળ ૧૦ અબજ ડૉલર (આશરે ૭૧,૦૦૦ કરોડ રૂપિયા) ફાળવવામાં આવ્યા હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું.

મોદીએ સાઉથ કોરિયાના સોલમાં બિઝનેસના અગ્રણીઓને સંબોધતાં કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષી વેપાર ૫૦ અબજ ડૉલર સુધી પહોંચાડવા માટેની વાટાઘાટો ઝડપી બનાવવામાં આવી છે.’

બન્ને દેશો માત્ર વેપાર નહીં, રોકાણ બાબતે પણ સહકાર સાધવા ઉત્સુક છે. ભારતમાં સાઉથ કોરિયાનું રોકાણ કુલ ૬ અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે એમ તેમણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે સાઉથ કોરિયા સાથે વેપાર કરનારા ટોચના ૧૦ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. કૅલેન્ડર વર્ષ ૨૦૧૮માં બન્ને દેશોનો વેપાર ૨૧.૫ અબજ ડૉલર થયો હતો. સાઉથ કોરિયાથી જેમાં નિકાસ થતી હોય એવા મુખ્ય દેશોમાં ભારતનો છઠ્ઠો ક્રમ આવે છે.

ભારત પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનશે : વડા પ્રધાન

વડા પ્રધાને સાઉથ કોરિયા પાસેથી રોકાણ આકર્ષિત કરવા જણાવ્યું હતું કે ‘નજીકના ભવિષ્યમાં ભારત પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનવાનું છે. સતત ૭ ટકા કરતાં વધુ દરે વૃદ્ધિ કરનારો હાલમાં બીજો કોઈ દેશ નથી. છેલ્લાં ચાર વર્ષોમાં ભારતમાં ૨૫૦ અબજ ડૉલર કરતાં વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવ્યું છે. ૯૦ ટકા કરતાં વધુ ક્ષેત્રોમાં હવે સરકારી મંજૂરી વગર રોકાણ શક્ય બને છે.’

આ પણ વાંચો : વૈશ્વિક ઘઉંમાં મંદી : ભાવ ઘટીને ચાર મહિનાના તળિયે

મોદીએ જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૨૫ સુધીમાં ૫૦ કરોડ કરતાં વધુ ભારતીયો શહેરી વિસ્તારોમાં વસતા હશે. આમ, સ્માર્ટ સૉલ્યુશન માટે સહકાર સાધવાનો ઘણો મોટો સ્કોપ છે. ઇલેક્ટ્રિક વાહનોના અગ્રણી નર્મિાતા તરીકે સાઉથ કોરિયા માટે ભારતમાં વિપુલ તક રહેલી છે. આજની તારીખે હ્યુન્ડાઈ, સેમસંગ અને એલજી ઇલેક્ટ્રૉનિક્સ સહિતની ૬૦૦થી વધુ કોરિયન કંપનીઓ ભારતમાં કાર્યરત છે. ભારતે ગયા ઑક્ટોબરથી કોરિયન નાગરિકોને વિઝા ઑન અરાઇવલની સુવિધા આપી છે.’

south korea narendra modi