NSEL કેસમાં પવન પલટાયો: કાર્યવાહી બ્રોકરો તરફ વળી

08 January, 2019 08:11 AM IST  | 

NSEL કેસમાં પવન પલટાયો: કાર્યવાહી બ્રોકરો તરફ વળી

પ્રતીકાત્મક તસવીર

એક્સચેન્જના મોટા બ્રોકરો વિરુદ્ધની સેબીની કાર્યવાહીની પાછળ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW) અને સ્પેશ્યલ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO)ના અહેવાલો હોવાથી મામલો અતિશય ગંભીર બની ગયો છે.

મુંબઈ પોલીસની EOWએ છેક ૨૦૧૫માં બ્રોકરોની ગેરરીતિઓ સંબંધેનો અહેવાલ કૉમોડિટીઝ માર્કેટના તત્કાલીન નિયમનકાર ફૉર્વર્ડ માર્કેટ્સ કમિશન (FMC)ને આપ્યો હતો, પરંતુ એના તરફ દુર્લક્ષ થયું હતું. હવે નવી નિયમનકાર સંસ્થા સેબીએ એનો સંદર્ભ લઈને અમુક બ્રોકરોને પૂરક નોટિસ મોકલી છે.

દરમ્યાન, કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયના આદેશને પગલે બ્રોકરોની ભૂમિકા વિશે સ્પેશ્યલ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશને પણ પોતાની તપાસ પૂરી કરીને અહેવાલ સુપરત કર્યો છે. એમાં પણ કહેવામાં આવ્યું છે કે ૧૪૮ બ્રોકરોએ ગેરકાયદે લાભ મેળવ્યો હતો અને મોટા પ્રમાણમાં મની-લૉન્ડરિંગ કર્યું હતું. SFIOએ તો NSELના માધ્યમનો દુરુપયોગ કરીને મિસસેલિંગ, ક્લાયન્ટ કોડ મૉડિફિકેશન અને મની-લૉન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ કરવા બદલ ૧૪૮ બ્રોકરોનું કામકાજ બંધ કરાવી દેવાની કાર્યવાહી શરૂ કરવા સરકારને ભલામણ કરી છે.

આ પણ વાંચો : ફેડ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારે એવા સંકેતોથી સોનામાં મક્કમ તેજી

આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી એક્સચેન્જ પર દોષારોપણ કરનારા બ્રોકરોએ પણ પોતાની સામે આરોપો જાહેર થયા બાદ હવે ડિફૉલ્ટરોની પાસેથી નાણાં રિકવર કરવાનું સૂચન કર્યું છે. એક્સચેન્જમાં લોકોએ ગુમાવેલાં નાણાં પ્રમોટરો પાસે નહીં પણ ડિફૉલ્ટરો પાસે ગયાં હોવાનું અગાઉ EOW કહી ચૂકી હોવા છતાં પહેલાં કોઈએ એના વિશે ઊહાપોહ કર્યો નહોતો. એક્સચેન્જ પણ ડિફૉલ્ટરોનાં નામ અને તેમની પાસેથી લેવાની નીકળતી રકમ વિશે અખબારોમાં જાહેરખબર પ્રગટ કરાવી ચૂક્યું છે. એણે તો બ્રોકરોને પણ આ કેસના હલ માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી, પરંતુ બ્રોકરોએ એ વખતે એના તરફ દુર્લક્ષ કર્યું હતું.

news sensex sebi