ડિસેમ્બરમાં જીએસટીની આવક ઊંચી રહી તેનાથી હરખાવાની જરૂર નથી

04 January, 2020 02:09 PM IST  |  Mumbai

ડિસેમ્બરમાં જીએસટીની આવક ઊંચી રહી તેનાથી હરખાવાની જરૂર નથી

જીએસટી

કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ના ડિસેમ્બર મહિનાના આંકડા સોમવારે બુધવારે જાહેર કર્યા હતા. સતત બે મહિના સુધી આવક રૂપિયા એક લાખ કરોડથી વધારે રહી હોવાના કારણે એવો પ્રચાર થઈ રહ્યો છે કે ભારતીય અર્થતંત્રમાં ગતિવિધિઓ ફરી તેજ થઈ રહી છે અને ગ્રાહકો ફરી બજારમાં પરત આવી રહ્યા છે, પરંતુ કરવેરાની આકારણીના આંકડાઓનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ગ્રાહકોની ખરીદી હજુ ધારીએ એટલે ઝડપથી વધી રહી નથી. એવી જ રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિ કે સ્થાનિક ઉત્પાદન પણ વધી રહ્યું નથી.

એક રાજ્યથી બીજા રાજ્યમાં વેચાણ થતું હોય (આંતરરાજ્ય) અને આયાત ઉપર કેન્દ્ર સરકાર ઈન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) વસૂલ કરે છે અને તે પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આ આંકડાઓ દેશમાં વાસ્તવિક વપરાશ કે આર્થિક પ્રવૃત્તિ માટે વધારે ધારદાર ચિત્ર આપે છે.

ડિસેમ્બર ૨૦૧૯માં સ્થાનિક વેચાણ ઉપર આઇજીએસટીની કરની આવક ૨૬,૮૦૪ કરોડ રૂપિયા થઈ હતી જે ગત વર્ષ કરતાં ૧૦ ટકા વધુ છે, પણ નવેમ્બર ૨૦૧૯ની આઇજીએસટીની ૨૮,૦૮૦ કરોડ રૂપિયાની આવક કરતાં ૪.૫૪ ટકા ઓછી છે. એવી જ રીતે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન આઇજીએસટીની સ્થાનિક કર આવક ૨,૩૫,૬૮૫ કરોડ રૂપિયા થઈ છે જે ૨૦૧૮ના સમાન ગાળા કરતાં માત્ર ૩.૧૦ ટકા વધારે છે.

ભારતની આયાત નિકાસ કરતાં વધારે છે. એટલે કે ભારત માટે સ્થાનિક ઉત્પાદન અપૂરતું હોવાથી બહારથી ચીજો આયાત કરી વપરાશ કે તેમાંથી બીજી ચીજો બનાવવામાં આવે છે. એટલે આયાત ઉપર આઇજીએસટી પણ એક મહત્ત્વનું પરિબળ છે જે દેશનો આર્થિક ચિતાર આપી શકે.

ડિસેમ્બર ૨૦૧૯માં આઇજીએસટીની આયાત ઉપરની આવક ૨૧,૨૯૫ કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર ૨૦૧૮ સામે આ આવક માત્ર ૧.૬૬ ટકા વધી છે. એપ્રિલથી ડિસેમ્બરની કુલ આઇજીએસટીની આયાત થકી થયેલી આવક ૨,૦૪,૯૯૪ કરોડ રૂપિયા હતી જે ગત વર્ષ કરતાં ૭.૪૪ ટકા ઓછી છે. વાર્ષિક ધોરણે (વર્ષ ૨૦૧૯ સામે વર્ષ ૨૦૧૮) છેલ્લા સાત મહિનાથી આયાત ઉપર જીએસટીની આકારણી ઘટી રહી છે. એટલે કે ભારતની આયાત ઘટી રહી છે અને ઉત્પાદન કે વપરાશ પણ ઘટી રહ્યા છે. દેશનું ઔદ્યોગિક ઉત્પાદન અને અન્ય આંકડાઓ પણ આર્થિક ગતિવિધિઓ હજી પણ મંદ હોવાની ચાડી ખાય છે.

માત્ર આયાત અને સ્થાનિક વપરાશના જીએસટી નહીં પણ દરેક પ્રકારના કરવેરાની આકારણી પણ નબળી પડી રહી છે. કેન્દ્ર સરકારે એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન કુલ ૭,૫૦,૬૧૪ કરોડ રૂપિયાની કરની આવક (પેટ્રોલ, ડીઝલ, આવકવેરો, કૉર્પોરેટ ટૅક્સ સહિત) એકત્ર કરી છે જે એપ્રિલ – નવેમ્બર ૨૦૧૮ કરતાં માત્ર ૨.૫૯ ટકા વધારે છે, જે ૨૦૧૮-૧૯માં આગલા વર્ષ કરતાં ૪.૬૨ ટકા વધી હતી અને ૨૦૧૭-૧૮માં આગલા વર્ષ કરતાં ૧૨.૫૯ ટકા વધી હતી.

ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન (અહીં સુધી જ આંકડા જાહેર થયા છે) માત્ર ૦.૫ ટકાના દરે વધ્યું છે જે ૨૦૧૮માં ૫.૭ ટકા હતું. ડિસેમ્બર મહિનાના પ્રાથમિક આંકડા જણાવે છે કે વીજળીનો પુરવઠો સતત પાંચ મહિનાથી ઘટી રહ્યો છે. ઑક્ટોબરમાં વીજળીનો પુરવઠો ૧૨ ટકા જેટલો ઘટ્યો હતો, જે ૧૨ વર્ષમાં સૌથી વધારે હતો.

goods and services tax business news