જેટ ઍરવેઝ બંધ થવાનો સીધો ફાયદો ઇન્ડિગો, સ્પાઇસ જેટને

29 May, 2019 10:59 AM IST  |  મુંબઈ

જેટ ઍરવેઝ બંધ થવાનો સીધો ફાયદો ઇન્ડિગો, સ્પાઇસ જેટને

સ્પાઇસ જેટ

દેશની એક સમયની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની વિમાની સેવા જેટ ઍરવેઝ દેવું સમયસર ભરપાઈ નહીં કરવા માટે અને પગાર ચૂકવી નહીં શકતાં અત્યારે બંધ છે. આ સ્થિતિનો સીધો જ ફાયદો ઇન્ડિગો અને સ્પાઇસ જેટને થયો છે. બન્ને કંપનીઓએ વધારે નફો રળ્યો છે અને સાથોસાથ વધારે મુસાફરોને પ્રવાસ કરાવ્યો છે.

મંગળવારે સ્પાઇસ જેટે માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થતા ક્વૉર્ટરનાં પરિણામ જાહેર કર્યાં હતાં. સ્પાઇસ જેટનો નફો રૂ. ૫૬.૨૯ કરોડ નોંધાયો છે જે ગત વર્ષે માર્ચમાં રૂ. ૪૬.૧૫ કરોડ હતો એટલે કે ૨૨ ટકાનો વધારો થયો છે. બજારમાં જેટ ઍરવેઝ બંધ હોવાથી કંપની વધારે મુસાફરોને પ્રવાસ માટે સેવા આપી શકે તે માટે એપ્રિલ અને મે મહિનામાં પોતાની સેવામાં ૨૫ વિમાનો જોડ્યાં હતાં. કંપનીએ આગામી એક વર્ષમાં વધુ ૩૫ વિમાનો ઉમેરવાની જાહેરાત પણ કરી હતી.

વધારે વિમાન ઉર્મેયા છતાં પ્રવાસીક્ષમતા ૨૧ ટકા વધી હતી, જયારે સ્પાઇસ જેટ દ્વારા ભાડાંમાં પણ ૧૧ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : SBIએ FDની વ્યાજ દરમાં કર્યા ફેરફાર, જાણો શું છે નવા દરો

દરમ્યાન, સોમવારે ઇન્ડિગો ઍરલાઇન્સે માર્ચ, ૨૦૧૯ના ક્વૉર્ટરમાં પોતાનો નફો પાંચ ગણો વધી રૂ. ૫૮૯.૬ કરોડ થયો હોવાની જાહેરાત કરી છે. ગત વર્ષે આ સમયગાળામાં કંપનીનો નફો રૂ. ૧૧૭.૬૦ કરોડ હતો. ઇન્ડિગો પાસે અત્યારે ૫૦ ટકા બજારહિસ્સો છે. ઇન્ડિગોની આવક માર્ચના અંતે રૂ. ૮૨૫૯.૮૦ કરોડ રહી હતી, જે ગત વર્ષે રૂ. ૬૦૯૭.૭ કરોડ હતી. જોકે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કંપનીનો નફો રૂ. ૨૨૪૨ કરોડ સામે ૯૩ ટકા ઘટી રૂ. ૧૫૬.૧ કરોડ રહ્યો હતો. ભારતીય ચલણમાં ઉતાર-ચડાવ અન ઇંધણના વધતા ભાવના કારણે નફો ઘટ્યો હોવાનું કંપનીના મૅનેજમેન્ટે જણાવ્યું હતું.

spicejet jet airways indigo business news