ટ્વિટરના CEOને 25 ફેબ્રુઆરીએ હાજર થવા માટે સંસદીય સમિતિ મોકલશે સમન

12 February, 2019 12:04 PM IST  |  નવી દિલ્હી

ટ્વિટરના CEOને 25 ફેબ્રુઆરીએ હાજર થવા માટે સંસદીય સમિતિ મોકલશે સમન

ફાઇલ ફોટો

સંસદીય સમિતિ ટ્વિટરના સીઇઓને ફરીથી સમન મોકલવાની તૈયારી કરી રહી છે. સંસદીય સમિતિએ ટ્વિટરના સીઇઓ સહિત અન્ય અધિકારીઓને છેલ્લી મીટિંગમાં બોલાવ્યા હતા, પરંતુ તેમણે આ મીટિંગમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર ગઠિત સંસદીય સમિતિ ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને 25 ફેબ્રુઆરીના રોજ હાજર થવા માટે સમન મોકલશે.

સમિતિના ચેરમેન અને બીજેપી સાંસજ અનુરાગ ઠાકુરે કહ્યું, 'અમે ટ્વિટરના સીઇઓને બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર ન થયા અને જૂનિયર અધિકારીઓને મોકલી દીધા.' ઠાકુરે કહ્યું કે સંસદીય સમિતિએ તેને ખૂબ ગંભીરતાથી લીધું છે અને જો ડોર્સી ફરીથી હાજર ન થાય તો તેને સંસદીય વિશેષાધિકારોનું હનન માનવામાં આવશે.

ટ્વિટરના અધિકારીઓ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અધિકારીઓને સોશિયલ મીડિયા તેમજ ઓનલાઇન ન્યુઝ પ્લેટફોર્મ પર નાગરિકોના અધિકારોની સુરક્ષા સાથે સંકળાયેલા ઉપાયો પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ટ્વિટર તરફથી આ મામલે હજુ સુધી કોઈ કોમેન્ટ આવી નથી.

સમિતિએ 1 ફેબ્રુઆરીના રોજ ટ્વિટરને પત્ર મોકલીને સમન પાઠવ્યા હતા. પહેલા 7 ફેબ્રુઆરીના રોજ મીટિંગ નક્કી હતી, પરંતુ હવે તેને 11 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે જેથી ટ્વિટરના સીઇઓ જેક ડોર્સી સહિત કેટલાક વરિષ્ઠ અધિકારીઓને આવવા માટે પૂરતો સમય મળી શકે.

ઉલ્લેખનીય છે કે યુથ ફોર સોશિયલ મીડિયા ડેમોક્રસી (વાઇએસએમડી)એ ટ્વિટર પર પક્ષપાતનો આરોપ લગાવીને આ મહિનાની શરૂઆતમાં નવી દિલ્હી સ્થિત ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: ફેસબુકને થયા 15 વર્ષ, આજે માર્કેટ વેલ્યુ છે 34 લાખ કરોડ રૂપિયા

31 જાન્યુઆરીના રોજ અનુરાગ ઠાકુરને સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં વાયએસએમડીએ કહ્યું હતું, 'ડાબેરી વિચારધારાવાળા તે અકાઉન્ટ્સ પર કોઈ કાર્યવાહી નથી થતી, જે સતત આક્રમક, ગાળોથી ભરપૂર અને ધમકીવાળી પોસ્ટ કરે છે, જ્યારે તે ટ્વિટરના નિયમોની વિરુદ્ધ હોય છે.' ટ્વિટરે જોકે આ આરોપનું ખંડન કર્યું હતું.

social networking site