હળવા વ્યાજદરની નીતિ ચાલુ રહેશે એવા સંકેતથી સોનાની તેજીમાં હાશકારો

13 December, 2019 04:28 PM IST  |  Mumbai | Boolean Watch

હળવા વ્યાજદરની નીતિ ચાલુ રહેશે એવા સંકેતથી સોનાની તેજીમાં હાશકારો

સોનાના ભાવમાં બુધવારે અને ગુરુવારે વૃદ્ધિ જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વની બેઠક અને આજે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની બેઠક બાદ બજારને એવો વિશ્વાસ મળી ગયો છે કે હળવા વ્યાજદરની નીતિ ચાલુ રહેશે. વ્યાજદર ઘટેલા રહે તો સોના જેવી વ્યાજના દર સાથે નહીં જોડાયેલી ચીજના ભાવમાં તેજી જોવા મળે છે. જોકે બ્રિટનમાં ચૂંટણી અને રવિવારે ચીન ઉપર નવા ટેરિફ લાદવામાં આવે છે કે નહીં તેના ઉપર બજારની નજર રહેલી હોવાથી વ્યાપક ખરીદી જોવા મળી રહી નથી.

સોનાના ભાવ વિશ્વની હાજર બજારમાં ૧૪૬૩.૯ ડૉલર સામે બુધવારે ઊછળીને ૧૪૭૪.૬ ડૉલરની સપાટીએ બંધ આવ્યા હતા. ગુરુવારે ભાવ થોડા પ્રોફિટ બુકિંગના કારણે ઘટી ૧૪૭૨.૪ ડૉલર થઈ અત્યારે વધીને ૧૪૭૮.૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ન્યુ યોર્કમાં સોનું ફેબુઆરી વાયદો ૦.૭૭ ટકા વધી ૧૪૮૬.૩૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૧.૧૨ ટકા વધી ૧૭.૦૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. સોનાના ભાવ ઑક્ટોબર પછીની સૌથી ઊંચી સપાટીની નજીક જવા પ્રયત્ન કરી રહ્યા છે.

અપેક્ષા અનુસાર વ્યાજનો દર ઘટ્યો નથી પણ ફુગાવાના નક્કર સંકેત નહીં મળે ત્યાં સુધી વ્યાજદર વધશે પણ નહીં એવું ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે નિવેદન આપ્યું હોવાથી બજારમાં તેજી જોવા મળી રહી છે.

ભારતમાં હાજર, વાયદા વધ્યા
મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૭૦ વધી ૩૮,૯૪૫ અને અમદાવાદ ખાતે ૧૭૫ વધી ૩૯,૦૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૭૭૦ ખૂલી ઉપરમાં ૩૭,૮૨૦ અને નીચામાં ૩૭,૬૩૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૨ વધીને ૩૭,૮૦૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૬ વધીને ૮ ગ્રામદીઠ ૩૦, ૫૦૧ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૫૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૬ વધીને બંધમાં ૩૭,૭૮૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૪૮૦ વધી ૪૫,૦૩૦ અને અમદાવાદ ખાતે ૪૭૦ વધી ૪૫,૦૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩,૯૬૯ ખૂલી ઉપરમાં ૪૪,૦૫૯ અને નીચામાં ૪૩,૮૦૪ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૮૫ વધીને ૪૪,૦૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૭૮ વધીને ૪૪,૦૩૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી ૧૮૦ વધીને ૪૪,૦૩૬ રૂપિયા બંધ રહ્યા હતા.

ચીનના ટેરિફ ઉપર આજે ખબર પડશે
અમેરિકાએ ચીનથી આયાત થતી ૧૫૬ અબજ ડૉલરની ચીજો ઉપર ૧૫ ટકા ટેરિફ લાદવાની અગાઉ જાહેરાત કરી છે. આ ટેરિફની મર્યાદા સપ્ટેમ્બરથી વધી ૧૫ ડિસેમ્બર કરવામાં આવી છે. બન્ને દેશ ટ્રેડ વૉરનો અંત લાવી વ્યાપાર સંધિનો પ્રથમ તબક્કો નક્કી કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વધારાના ટેરિફ લાદે છે કે નહીં તેના ઉપર નજર છે. બજારમાં આ ટેરિફ આવે તો મોટી તેજી આવી શકે છે. આની સાથે બન્ને દેશ વચ્ચેની વ્યાપાર મંત્રણાનું ભાવિ પણ નક્કી થઈ જશે.

bombay stock exchange national stock exchange business news