ફેડ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારે એવા સંકેતોથી સોનામાં મક્કમ તેજી

08 January, 2019 08:04 AM IST  |  | Mayur Mehta

ફેડ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારે એવા સંકેતોથી સોનામાં મક્કમ તેજી

સોનામાં સુધારો

બુલિયન બુલેટિન

ફેડ ચૅરમૅન જેરોમ પૉલે ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટ વધારવા બાબતે સાવચેતીભર્યું વલણ અપનાવવાની જાહેરાત કરતાં ડૉલર ઘટ્યો હતો અને સોનું સુધર્યું હતું. વર્લ્ડના ટૉપમોસ્ટ ઇકૉનૉમિસ્ટો હવે એવું માનવા લાગ્યા છે કે ગ્લોબલ સ્લોડાઉનનો ભય અને કૉર્પોરેટ અર્નિંગના નબળા ડેટા જોતાં તેમ જ ટ્રમ્પના આકરા તેવર જોતાં ફેડ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું જોખમ હવે ખેડી શકે એમ નથી. આ સંજોગોને લઈને સોનામાં નવી લેવાલી ઉમેરાઈ હતી અને સોનામાં મક્કમ સુધારો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા અનુસાર ડિસેમ્બરમાં ૩.૧૨ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. નવેમ્બરમાં માત્ર ૧.૭૬ લાખ જ નવી નોકરીઓ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૭૭ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. ડિસેમ્બરમાં છેલ્લા દસ મહિનાની સૌથી વધુ નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ ડિસેમ્બરમાં વધીને ૩.૯ ટકાએ પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૯ વર્ષના તળિયે ૩.૭ ટકા હતો. અમેરિકાના વર્કરોનું વેતન ડિસેમ્બરમાં ૧૧ સેન્ટ એટલે કે ૦.૪ ટકા વધ્યું હતું જે નવેમ્બરમાં ૦.૨ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. જપાનનો સર્વિસ સેક્ટરનો પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને ત્રણ મહિનાના તળિયે ૫૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૨.૩ પૉઇન્ટ હતો. અમેરિકાનો સર્વિસ સેક્ટરનો પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને ૫૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૪.૭ પૉઇન્ટ હતો અને પ્રિલિમનરી એસ્ટિમેટમાં ૫૩.૪ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરમાં ન્યુ બિઝનેસનો ગ્રોથ ૧૪ મહિનાના તળિયે પહોંચ્યો હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટા છતાં ફેડ ચૅરમૅને ઇન્ટરેસ્ટ-રેટ વધારવામાં સાવચેતી રાખવાની વાત કરતાં ડૉલર ઘટ્યો હતો અને સોનામાં સુધારાની આગેકૂચ યથાવત્ રહી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ફેડ ચૅરમૅન જેરોમ પૉલે બે ભૂતપૂર્વ ફેડ ચૅરપર્સન જેનેટ યેલન અને બેન બર્નાન્કી સાથેની મીટિંગ દરમ્યાન જણાવ્યું હતું કે ઇકૉનૉમિક રિસ્કના સ્લોડાઉનનો અહેસાસ હવે શરૂ થયો હોવાથી ૨૦૧૯માં ફેડની પૉલિસી સાવચેતીભરી અને ફ્લેક્સિબલ રહેશે. ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે ફેડ ચૅરમૅનની કમેન્ટ સ્પષ્ટ સંકેત આપે છે કે ૨૦૧૯માં ફેડ ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું ટાળશે, કારણ કે ટ્રેડ-વૉરની વર્લ્ડ ઇકૉનૉમી પર થયેલી અસર અને અમેરિકામાં કૉર્પોરેટ અર્નિંગ ધારણા કરતાં વધુ ઘટ્યું હોવાથી ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો છે. વળી ટ્રમ્પ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના ફેડના નિર્ણયની વારંવાર ટીકા થઈ રહી છે. ટ્રમ્પે ટ્રેડ-વૉર વિશે જણાવ્યું હતું કે ચીનના ઇકૉનૉમિક ડેટા નબળા આવી રહ્યા હોવાથી બન્ને દેશો વચ્ચેની મંત્રણામાં અમેરિકાનું સ્ટૅન્ડ વધુ સ્ટ્રૉન્ગ બન્યું છે. ટ્રમ્પના નિવેદન બાદ ટ્રેડ-વૉર વિશે બન્ને દેશો વચ્ચેનું સમાધાન હવે નજીક હોવાના સ્પષ્ટ સંકેતો સાંપડ્યા હતા જેને કારણે ડૉલરનું સેફ હેવન સ્ટેટસ વધુ નબળું પડ્યું હતું. આમ તમામ સમાચારો સોનામાં ધીમી પણ મક્કમ તેજીના સ્પષ્ટ નિર્દેશો આપે છે.

વર્લ્ડ માર્કેટની તેજીના સથવારે લોકલ માર્કેટમાં સોનું-ચાંદી મક્કમ

વર્લ્ડ માર્કેટમાં ડૉલરની નબળાઈને કારણે તમામ પ્રેશ્યસ મેટલના ભાવ વધી રહ્યા છે. પેલેડિયમના ભાવ વર્લ્ડ માર્કેટમાં ૧૩૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. લોકલ માર્કેટમાં પણ સોનું-ચાંદી સતત વધી રહ્યાં છે. સોનાનો ભાવ સપ્તાહના આરંભે દિલ્હીમાં ૧૫૦ રૂપિયા વધીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૨,૬૫૦ રૂપિયા બોલાયા હતા. જોકે મુંબઈમાં સોનું પાંચ રૂપિયા ઘટીને ૩૧,૮૮૦ રૂપિયા બંધ રહ્યું હતું. ચાંદીનો ભાવ દિલ્હીમાં ૪૧૦ રૂપિયા વધીને પ્રતિ કિલોના ૪૦,૦૧૦ રૂપિયા બોલાયા હતા, જ્યારે મુંબઈમાં ચાંદી ૧૦૫ રૂપિયા વધીને ૩૮,૯૦૫ રૂપિયા બોલાઈ હતી.

news