અમેરિકી ફેડે 2019માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધવાનો સંકેત આપતાં સોનું ઊછળ્યુ

22 March, 2019 10:55 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી ફેડે 2019માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધવાનો સંકેત આપતાં સોનું ઊછળ્યુ

સોનું ઊછળ્યું

અમેરિકી ફેડરલ રિઝર્વે ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ નહીં વધે એવો સ્પષ્ટ સંકેત આપતાં સોનું વર્લ્ડ માર્કેટમાં ઊછળ્યું હતું. અમેરિકાનો ગ્રોથરેટ ચોથા ક્વૉર્ટરથી ધીમો પડવાની આગાહીને પગલે સોનામાં ઇન્વેસ્ટરોનું આકર્ષણ વધ્યું હતું. વળી પૅલેડિયમના ભાવ ઊછળીને ઑલટાઇમ હાઈ ૧૬૦૮ ડૉલરે પહોંચતાં સોનાની તેજીને સપોર્ટ મળ્યો હતો. ઑટોકૅટલિસ્ટ રીતે વેહિકલમાં વપરાતા પૅલેડિયમની માગમાં એકાએક વધારો થયો હતો. ખાસ કરીને હાઇબ્રીડ કારની ડિમાન્ડ વધતાં પૅલેડિયમની માગ વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગુડ્ઝના ઑર્ડરમાં જાન્યુઆરીમાં ૦.૧ ટકાનો વધારો નોંધાયો હતો, જે ડિસેમ્બર જેટલો જ હતો, પણ માર્કેટની ૦.૩ ટકાની ધારણા કરતાં ઓછો રહ્યો હતો. યુરો ઝોનનું ઇન્વેસ્ટર મોરલ માર્ચમાં ૧૦ મહિનાની ઊંચાઈએ માઇનસ ૨.૫ પૉઇન્ટ રહ્યું હતું, જે ફેબ્રુઆરીમાં માઇનસ ૧૬.૬ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા માઇનસ ૧૮.૭ પૉઇન્ટની હતી. યુરો ઝોન ઇકૉનૉમી વિશે કરાયેલા સર્વેમાં ૪૭.૭ ટકા ઇકૉનૉમિસ્ટોના મતે સ્થિતિ યથાવત્ રહેશે, પણ ૨૪.૯ ટકાના મતે યુરો ઝોનની ઇકૉનૉમી વધુ નબળી પડશે તેવો મત પડ્યો હતો. યુરો ઝોન કન્સ્ટ્રક્શન આઉટપુટ છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત જાન્યુઆરીમાં ૦.૭ ટકા ઘટ્યું હતું, જે ડિસેમ્બરમાં ૨.૧ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૧ ટકા વધારાની હતી. યુરો ઝોનમાં લેબર કૉસ્ટ ૨૦૧૮ના ચોથા ક્વૉર્ટરમાં ૨.૩ ટકા વધી હતી, જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૭ ટકા વધી હતી. ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાનો નિર્ણય લેવાતાં ડૉલર ઘટ્યો હતો અને સોનું ઊછળ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકી ફેડરલ રિઝર્વે ઑલમોસ્ટ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. ફેડના ૧૭ પૉલિસી-મેકરમાંથી ૧૧ મેમ્બરો ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારવાના મતના હતા, જ્યારે ચાર મેમ્બરો ૨૦૧૯માં એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તરફેણ કરતા હતા. ફેડે ૨૦૧૯ના ચોથા ક્વૉર્ટરથી અમેરિકાનો ગ્રોથ ધીમો પડવાની આગાહી કરી હતી અને ૨૦૧૯માં ઍવરેજ ગ્રોથરેટ ૨.૧ ટકા રહેવાની આગાહી કરી હતી, જે ૨૦૧૮થી એક ટકા ઓછો છે. જૉબલેસ રેટ ૨૦૧૯માં ૩.૭ ટકા રહેવાની આગાહી કરી હતી, જે અગાઉ ૩.૫ ટકાની હતી, જ્યારે ઇન્ફલેશન બે ટકાની રેન્જમાં રહેવાની આગાહી કરી હતી, પણ ઇન્ટરેસ્ટ રેટ ધારણાથી નીચો રહેવાની શક્યતા પણ બતાવી હતી. ફેડની મીટિંગ બાદ ઇકૉનૉમિસ્ટોને મતે ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સીસ પણ વધ્યા હતા, જે સોનાની તેજી માટે પૉઝિટિવ સિગ્નલ હતા. ફેડની મીટિંગ બાદ સોનાના ભાવમાં ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ડૉલરનો સુધારો થયો હતો.

દેશમાં ચાંદીની માગ ચાર વર્ષની ટોચે પહોંચવાનો અંદાજ

દેશમાં ચાંદીની માગ ચાલુ વર્ષ દરમ્યાન ચાર વર્ષની ટોચે પહોંચવાનો અંદાજ છે. સરકાર દ્વારા પીએમ-કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઈ હોવાથી ગ્રામીણ વિસ્તારમાં ચાંદીની માગ વધી શકે છે. ચૂંટણી પહેલાં ઇકૉનૉમીનો ગ્રોથ થાય એવા પગલાને પગલે માગ વધશે તેમ મેટલ ફોકસ કંપનીએ જણાવ્યું હતું. લંડનસ્થિત રિસર્ચ કંપનીનું કહેવું છે કે ચાલુ કૅલેન્ડર વર્ષ દરમ્યાન ચાંદીની કુલ માગ ૬૫૯૦ ટનની થાય તેવો અંદાજ છે, જે ૨૦૧૮માં કુલ ૬૪૪૨ ટનની થઈ હતી. ચાલુ વર્ષની માગ ૨૦૧૫ બાદની સૌથી વધુ વાર્ષિક માગ થવાનો અંદાજ છે. ઇકૉનૉમીમાં સુધારો, આવકમાં વધારો અને ચાંદીના ભાવ તેની સરખામણીમાં નીચા રહેવાને કારણે ચાંદીની માગમાં સુધારો થવાનો અંદાજ છે અને આગામી થોડાં વર્ષ સુધી ચાંદીની માગ વધતી રહે તેવી ધારણા છે.

news