ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે લૉટરી પરના GSTનો દર એકસમાન રાખવાની ભલામણ

19 February, 2019 09:23 AM IST  | 

ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે લૉટરી પરના GSTનો દર એકસમાન રાખવાની ભલામણ

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ

લૉટરી પરના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના દરની સમીક્ષા કરવા માટેની પ્રધાનોની કમિટીએ ૧૮ ટકા કે ૨૮ ટકાનો એકસમાન દર રાખવાની ભલામણ કરી છે. આ અંગેનો અંતિમ નિર્ણય ૨૦ ફેબ્રુઆરીએ GST કાઉન્સિલની યોજાનારી મીટિંગમાં લેવામાં આવશે.

અત્યારે રાજ્યો દ્વારા ચલાવાતી લૉટરી પર ૧૨ ટકાનો GST લાગે છે, જ્યારે રાજ્યમાન્ય લૉટરી પર ૨૮ ટકા વેરો લાગે છે. મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટીવારના વડપણ હેઠળના આઠ સભ્યોના ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે રાજ્ય સંચાલિત લૉટરી પરનો વેરો ૧૮ ટકા અને રાજ્યમાન્ય લૉટરી પરનો વેરો ૨૮ ટકા જાળવી રાખવાની ભલામણ કરી છે. આ અંગેનો અંતિમ નિર્ણય આવતી કાલે મળનારી GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે એમ એક અધિકારીએ કહ્યું હતું.

સમિતિના અન્ય સભ્યોમાં પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રા, કેરળના નાણાપ્રધાન થોમસ આઇઝૅક, આસામના નાણાપ્રધાન હિંમત બિશ્વા શર્મા, પંજાબના નાણાપ્રધાન મનપ્રીત સિંહ બાદલ, ગોવાના પંચાયતપ્રધાન મોવિન ગોદીન્હો, કર્ણાટકના નાણાપ્રધાન કૃષ્ણા બાયરે ગૌડા, અરુણાચલના કર અને એક્સાઇઝ પ્રધાન જાકાર ગામલીનનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર અને આસામ જેવાં મોટાં રાજ્યોએ એકસમાન વેરાની ભલામણ કરી હતી. સમિતિના સભ્ય અને પંજાબના નાણાપ્રધાન મનપ્રીત સિંહ બાદલ હાજર રહ્યા નહોતા, કારણ કે તેમણે પંજાબનું બજેટ રજૂ કરવાનું હતું; જ્યારે આઇઝૅક તબિયતના કારણસર હાજર રહ્યા નહોતા. અધિકારીએ કહ્યું હતું કે કાઉન્સિલની આગામી મીટિંગમાં ટૅક્સના યોગ્ય દરની ભલામણ અંગે ચર્ચા થશે, જ્યારે લૉટરી પરના વેરાની ચોરી અંગેની બાબતો પછીની મીટિંગમાં હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : SCનો વેદાંતાના ઝટકો, સ્ટરલાઇટ પ્લાન્ટને ફરી ખોલવાની ન આપી મંજૂરી

GST કાઉન્સિલની ૩૩મી મીટિંગમાં બાંધકામ હેઠળની રેસિડેન્શિયલ પ્રૉપર્ટીઝ પરનો વેરો હાલના ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની વિચારણા કરવામાં આવશે. અફૉર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ત્રણ ટકા વેરાનું સૂચન કરવામાં આવ્યું છે.

goods and services tax