સેબીની બોર્ડ મીટિંગમાં દેવું ચૂકવવામાં નિષ્ફળ કંપનીઓ માટે કડક નિયમો

21 November, 2019 10:59 AM IST  |  Mumbai

સેબીની બોર્ડ મીટિંગમાં દેવું ચૂકવવામાં નિષ્ફળ કંપનીઓ માટે કડક નિયમો

સેબી

ભારતમાં શૅરબજારમાં કાર્યરત કંપનીઓ છેલ્લા થોડા સમયથી દેવું ચૂકવવામાં નિષ્ફળ ગઈ હોય તેવી સમસ્યા વધી રહી છે. આ નિષ્ફળતાના કારણે બજારમાં કંપનીના શૅરના ભાવમાં ભારે વધારો કે ઘટાડો શક્ય હોય છે. આથી આજે દેવું ચૂકવવામાં નિષ્ફળ જનાર કંપનીઓ માટે નવા કડક નિયમોની જાહેરાત દેશની શૅરબજાર અને અન્ય જામીનગીરી બજારની નિયમનકાર સિક્યૉરિટીઝ અૅન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)ની આજે બોર્ડ મીટિંગમાં મંજૂર કરી હતી. 

સેબીએ એવું પ્રસ્તાવિત કર્યું છે કે જો કોઈ કંપની પોતાનું દેવું ચૂકવવામાં બૅન્ક કે અન્ય કોઈ નાણાં સંસ્થાને, પાકતી મુદ્દતે પરત કરવાની તારીખથી ૩૦ દિવસથી વધારે વિલંબ થયો હોય તો તે દિવસના ૨૪ કલાકમાં સ્ટૉક એક્સચેન્જને તેની જાણ કરવાની રહેશે. આ નિયમ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં આવશે. અત્યારે આવી જાણ કરવાની કોઈ નિશ્ચિત જોગવાઈ છે જ નહીં. બૉન્ડમાં નાણાં પરત કરવામાં નિષ્ફળ જાય તો અત્યારે એ જ દિવસે તેની જાણ કરવાની જરૂરિયાત રહે છે જ્યારે બૅન્કોનાં દેવાં પરત કરવામાં નિષ્ફળતા અંગે કોઈ જાણ કરવાની રહેતી નથી. સેબીના અધ્યક્ષ અજય ત્યાગીએ જણાવ્યું હતું કે પ્રજા અને રોકાણકારને બને એટલી માહિતી ઉપલબ્ધ થાય એ જરૂરી છે જેથી તે પોતાના રોકાણ અંગે સાચો નિર્ણય લઈ શકે.

રાઈટ્સ ઇશ્યુની સમયાવધિ ઘટશે

શૅરબજારમાં લિસ્ટેડ કંપનીઓ વધારે નાણાં મૂડી ઊભી કરવા માટે વર્તમાન શૅરહોલ્ડરને પ્રાધાન્ય આપી રાઈટ ઇશ્યુ લાવતી હોય છે. અત્યારે આવા ઇશ્યુ પૂર્ણ કરવાની સમયમર્યાદામાં લગભગ ૫૫ દિવસ જેટલો સમય લાગે છે તેની સામે સેબીએ તે ઘટાડી હવેથી ૩૧ દિવસ જેટલો સમય લાગે તેવા ફેરફાર કર્યા છે.

આ ઉપરાંત સેબીએ રાઈટ ઇશ્યુના હક્ક માટે શૅરહોલ્ડરને જાણ કરવા માટે હવેથી ડીમેટ પ્રક્રિયાનો જ ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે શૅરહોલ્ડર પાસે ફિઝિકલ શૅર છે તેમણે પણ ડીમેટ ખાતાની વિગતો આપવી પડશે. રાઈટના શૅર સીધા જ ડીમેટ સ્વરૂપે જમા થશે અને તેનું ખરીદ- વેચાણ પણ એ રીતે જ કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે નવા ભરણામાં અમલી અસબા પ્રક્રિયાનો ઉપયોગ શૅરહોલ્ડરોએ રાઈટ ઇશ્યુમાં અરજી કરતી વખતે કરવાનો રહેશે એમ પણ નવા નિયમોનો પ્રસ્તાવ છે.

પોર્ટફોલિયો મૅનેજમેન્ટના નિયમોમાં ફેરફાર

સેબીએ બોર્ડ મીટિંગમાં પોર્ટફોલિયો મૅનેજમેન્ટના નિયમોમાં પણ કેટલાક ફેરફાર મંજૂર કર્યા છે. આ ફેરફારથી રોકાણકારોનાં હિતો વધારે સુરક્ષિત થશે.

પ્રિન્સિપલ ઑફિસર માટેની લાયકાતમાં લઘુતમ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ જ પીએમએસ ચલાવતી કંપની તેની નિમણૂક કરી શકશે. આ ઑફિસર ઉપરાંત એક કમ્પ્લાયન્સ ઑફિસરની નિમણૂક પણ ફરજિયાત કરવામાં આવી છે. અત્યારે પીએમએસની સેવા માટે ૨ કરોડ રૂપિયાથી વધુની લાયકાત આવશ્યક છે જે વધારે ૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે પીએમએસ સેવા આ લાયકાતથી નીચે છે તેને ૩૬ મહિનામાં નેટવર્થ વધારવાનો સમય આપવામાં આવ્યો છે. ગ્રાહકની લઘુતમ રોકાણ મર્યાદા ૨૫ લાખથી વધારી ૫૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. વર્તમાન ગ્રાહકો રોકાણ વધારી કે પીએમએસનો વર્તમાન કરાર પૂરો થાય ત્યારે તેમનું રોકાણ કાઢી શકે છે. જેમાં ગ્રાહકની વગર પીએમએસ અધિકારી રોકાણ કરે છે તેમાં માત્ર લિસ્ટેડ શૅર, મની માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકાણ થઈ શકશે જ્યારે જેમાં પીએમએસ ગ્રાહકની ઈચ્છાએ રોકાણ કરે છે તેમાં ૨૫ ટકા સુધીની રકમ લીસ્ટિંગ થયું ન હોય તેવી કંપનીમાં કરી શકે છે.

sebi business news