વૈશ્વિક ઘઉંમાં મંદી : ભાવ ઘટીને ચાર મહિનાના તળિયે

22 February, 2019 09:00 AM IST  |  | મયૂર મહેતા

વૈશ્વિક ઘઉંમાં મંદી : ભાવ ઘટીને ચાર મહિનાના તળિયે

ઘઉં

કૉમોડિટી કરન્ટ

વૈશ્વિક ઘઉં બજારમાં ફરી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન વધવાના અંદાજને પગલે ભાવમાં એકધારો ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક બજાર માટે બેન્ચમાર્ક ગણાતા શિકાગો ઘઉં વાયદામાં ભાવ ઘટીને ચાર મહિનાના તળિયે પહોંચી ગયા હતા.

બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૪.૮૮ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો જે ૨૬ ઑક્ટોબર બાદની સૌથી નીચી સપાટી હતી. છેલ્લા એક સપ્તાહમાં ઘઉંના ભાવમાં આઠ ટકાનો ઘટાડો થયો છે જેને પગલે ઘઉંની બજારમાં સેન્ટિમેન્ટ બદલાયા છે. તાજેતરમાં સિરિયાએ બે લાખ ટન ઘઉંની અમેરિકાના બદલે કાળા સમુદ્રના દેશોમાંથી ખરીદી કરી છે જેને પગલે પણ અમેરિકન ઘઉંના ભાવ ઘટ્યા છે. બીજી તરફ વૈશ્વિક ટ્રેડિંગ કંપની ઍગ્રીકૉર્પે પણ ૫૦ હજાર ટન ઘઉં બંગલા દેશને સપ્લાય કર્યા હતા, જે પણ રશિયાથી જ નિકાસ થાય એવી ધારણા છે. આમ અમેરિકન ઘઉંની નિકાસમાગ ઘટી છે.

આ પણ વાંચો :ફેડના ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના અનિશ્ચિત વલણથી સોનામાં તેજીને બ્રેક

વૈશ્વિક બજારમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ-વૉરની પણ ઍગ્રી કૉમોડિટી પર અસર થઈ રહી છે. જો બન્ને દેશો વચ્ચે સમાધાન થશે તો પણ ઍગ્રી કૉમોડિટીમાં ભાવ ઘટે એવી સંભાવના છે. હાલમાં બન્ને દેશ વચ્ચે વેપારો ઓછા હોવાથી બીજા દેશોમાં માગણી વધી હોવાથી ભાવ ઊંચકાયા હતા. વળી નવી સીઝનમાં ઘઉંનાં ઉત્પાદનના અંદાજ પણ ઊંચા છે. ભારતમાં પણ ૧૦ કરોડ ટન ઉપર પાક થવાનો અંદાજ આવી રહ્યો હોવાથી સરેરાશ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેને પગલે બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે.