આજે નોટબંધીની વરસી: બૅન્કો નહીં, હાથ પર રોકડ રાખનાર જ છે રાજ્જા

08 November, 2019 01:43 PM IST  |  Mumbai | Sushma B Shah

આજે નોટબંધીની વરસી: બૅન્કો નહીં, હાથ પર રોકડ રાખનાર જ છે રાજ્જા

પ્રતીકાત્મક તસવીર

નોટબંધીની જાહેરાત ૨૦૧૬ની ૮ નવેમ્બરે કરવામાં આવી હતી. આવતી કાલે દેશભરમાંથી કાળું નાણું બહાર લાવવા, નકલી નોટોની સમસ્યા દૂર કરવા અને આતંકવાદી સંગઠનોની કમર તોડી નાખવા માટે ચલણમાંથી ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો રદ કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં પ્રજાને ખ્યાલ આવી ગયો છે કે રદ થયેલી ૯૯ ટકા રોકડ રકમ બૅન્કોમાં જમા થઈ ગઈ છે. કાળું નાણું રોકડ સ્વરૂપે સરકારના હાથમાં આવ્યું નથી. નકલી નોટોની સમસ્યા પણ દૂર થઈ નથી. ૨૦૦૦ રૂપિયાની નવી નકલી નોટો સતત પકડાતી રહે છે અને કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતની લડત હજી પણ ચાલુ જ છે. આંતકવાદી હુમલા પણ બંધ થયા નથી.

જે રીતે બૅન્કોમાં નોટ જમા થઈ રહી હતી એ પછી સરકારે પોતાનો ઉદ્દેશ બદલ્યો હતો અને દેશ રોકડને બદલે ડિજિટલથી વ્યવહાર કરતો થઈ જશે એવી જાહેરાત કરી હતી. ડિજિટલ વ્યવહાર ચોક્કસ વધ્યા છે, પણ રોકડનું પ્રમાણ બિલકુલ ઘટ્યું નથી. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑર્ગેનાઇઝેશન (સીએસઓ)ના નૅશનલ અકાઉન્ટ સ્ટૅટિસ્ટિક્સ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ (નોટબંધીના બીજા જ વર્ષે) લોકોના હાથમાં રોકડનું પ્રમાણ વધી ગયું હતું. દેશની પ્રજાની કુલ નાણાકીય મિલકતમાં રોકડનો હિસ્સો ૨૫ ટકા જેટલો પહોંચી ગયો હતો. આટલું ઓછું નથી આ પ્રમાણ (નાણાકીય મિલકતમાં રોકડનો હિસ્સો), પણ ૨૦૧૧-’૧૨ પછી સૌથી વધારે છે.

વાત અહીં અટકતી નથી. લોકોએ નોટબંધી વખતે બૅન્કોમાં નાણાં ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા પછી તરત જ ઉપાડી પણ લીધા હતા. ૨૦૧૬-’૧૭માં કુલ નાણાકીય બચતમાં ડિપોઝિટનો હિસ્સો વધીને ૬૭.૩ ટકા થયો હતો, જે ૨૦૧૭-’૧૮માં તરત જ ઘટીને ૨૮.૬ ટકા થઈ ગયો હતો. એટલે લોકો પોતાના ઘરમાં રોકડ રાખવાનું વધારે પસંદ કરે છે, નહીં કે બૅન્કમાં કે નાણાકીય કંપનીઓમાં ડિપોઝિટરૂપે. એ પણ નોંધવું જોઈએ કે ડિપોઝિટનું કુલ પ્રમાણ ૨૦૧૭-’૧૮માં છેલ્લાં ૬ વર્ષમાં સૌથી નીચું જોવા મળી રહ્યું છે.

૨૦૧૬-’૧૭ દરમ્યાન નોટબંધી આવી એટલે લોકો પોતાના હાથ પરની રોકડ રકમ બૅન્કમાં જમા કરાવી રહ્યા હતા. એટલી નવી નોટ બજારમાં આવી નહોતી એટલે હાથ પરની નોટનું પ્રમાણ નેગેટિવ જોવા મળી રહ્યું છે. જેવી બજારમાં રોકડની છત થઈ એટલે તરત જ લોકોએ પોતાની રોકડનો સંગ્રહ ચાલુ કરી દીધો એમ ઉપરોક્ત આંકડા સ્પષ્ટ જણાવે છે.

અર્થતંત્રમાં રોકડનું પ્રમાણ વધ્યું એટલે જ ૧૫.૪ લાખ કરોડ રૂપિયાની નોટો રદ થઈ એમાંથી ૯૯.૩ ટકા નોટો બૅન્કોમાં જમા થઈ ગઈ હતી. એ પછી સરકારે પોતાનો નોટબંધીનો ઉદ્દેશ બદલી એને ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો કરી નાખ્યો હતો. અહીં એ નોંધવું જોઈએ કે દેશમાં અત્યારે પ્રજાના હાથ પરની રોકડનું પ્રમાણ ૨૧.૩૦ લાખ કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે જે નોટબંધીની જાહેરાત કરતાં વધારે છે.

ઑપરેશન ક્લીન મની ક્યાં?

એ પણ નોંધવું જોઈએ કે નોટબંધી પછી તરત જ ઇન્કમ-ટૅક્સ છુપાવ્યો હોય એવા લોકો માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના નામની એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ માત્ર ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની છુપાયેલી આવક બહાર આવી હતી અને એમાં મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદમાં એવા કિસ્સા બહાર આવ્યા હતા જેમની આવક વર્ષે લાખ રૂપિયા પણ નહોતી એવી વ્યક્તિઓએ હજારો કરોડ રૂપિયાની છૂપી આવક જાહેર કરી હતી. ડિજિટલ કૅશના નામે નાણામંત્રાલયે ઑપરેશન ક્લીન મની નામની એક યોજના જાહેર કરી હતી. સ્વચ્છ ધન અભિયાનની આ યોજનામાં સરકારે મે ૨૦૧૭ પછી કોઈ પણ અપડેટ આપી નથી. માત્ર ૫૦૩ નાગરિકો આ યોજનામાં સ્વયંસેવક તરીકે જોડાયા છે અને પછી એનું શું થયું એ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

demonetisation business news