દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહની કૉર્પોરેટ લડાઈમાં રતન તાતાને પછડાટ

19 December, 2019 10:08 AM IST  |  Mumbai Desk

દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહની કૉર્પોરેટ લડાઈમાં રતન તાતાને પછડાટ

ત્રણ વર્ષથી વધારે સમયથી તાતા જૂથ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા દેશના કૉર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા જંગમાં આજે પાલનજી મિસ્ત્રી કુટુંબના વારસદાર સાયરસ મિસ્ત્રીનો વિજય થયો છે. ૨૦૧૬ની ૨૪ ઑક્ટોબરે તાતા સન્સની બોર્ડ મીટિંગમાં કંપનીના એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે મિસ્ત્રીને હટાવી દેવામાં આવ્યા હતા. ત્રણ વર્ષ ચાલેલા કાયદાના જંગમાં આજે નૅશનલ કંપની લૉ અપેલેટ ‌િટ્રબ્યુનલનો ચુકાદો આવ્યો છે કે મિસ્ત્રીને હટાવી દેવા માટે તાતા સન્સના બોર્ડે લીધેલો નિર્ણય કાયદેસર નથી. તેમના સ્થાને ફેબ્રુઆરી ૨૦૧૭માં નીમવામાં આવેલા એન. ચંદ્રશેખરની ચૅરમૅનપદે નિમણૂક પણ કાયદેસર નથી, તાતા સન્સ એક જાહેર કંપની છે અને એ ખાનગી કંપની નથી. 

ચુકાદાની જાહેરાત સાથે જ તાતા જૂથની અગ્રણી કંપનીઓના શૅરના ભાવ ગગડવા ચાલુ થઈ ગયા હતા. જોકે અપેલેટ ‌ટ્રિબ્યુનલે મિસ્ત્રીને ફરી તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચૅરમૅનપદે બહાલ કરવા આદેશ આપ્યો છે અને આ માટે તાતાના બોર્ડને ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
ઑક્ટોબર ૨૦૧૬થી ઑક્ટોબર ૨૦૧૭ દરમ્યાન તાતા જૂથ વચ્ચે કડવાશભરી લડાઈ શરૂ થઈ હતી જેમાં બન્ને પક્ષે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા હતા. મિસ્ત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે તાતા જૂથનું બોર્ડ લઘુમતી શૅરહોલ્ડરના હિતમાં કામ કરી રહ્યું નથી અને મૅનેજમેન્ટમાં તાતા સન્સના બહુમતી શૅરહોલ્ડર સતત દખલ કરી રહ્યા છે.
આ ચુકાદાથી સાયરસ મિસ્ત્રીની કામગીરી, તેની જે રીતે હકાલપટ્ટી કરવામાં આવી એ સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે અને તેમની વ્યક્તિગત શાખ વધારે ઉજ્જવળ ઊભરી આવી છે. બીજી તરફ તાતા જૂથને વૈશ્વિક ઉદ્યોગગૃહની ઓળખ આપનાર રતન તાતાની છબિ સામે એક સવાલ ઊભો થયો છે. અપેલેટ ટ્રીબ્યુનલે પણ આ અંગે નોંધ લીધી છે.
રતન તાતા વિશે શું છે ચુકાદામાં?
અપેલેટ ‌િટ્રબ્યુનલે એવો આદેશ આપ્યો છે કે કંપનીની વાર્ષિક સાધારણ સભામાં બોર્ડ ઑફ ડિરેક્ટરની બહુમતીથી જે નિર્ણય લેવામાં આવતા હોય એમાં રતન તાતા અને તાતા ટ્રસ્ટના કોઈ પ્રતિનિધિ અગાઉથી કોઈ નિર્ણય લઈ શકશે નહીં.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીના ડિરેક્ટરોએ પૂર્વગ્રહ રાખી અને અન્યોને દબાણમાં રાખી નિર્ણય લીધા છે. આવા નિર્ણયો માત્ર આકસ્મિક સંજોગોમાં જ લેવાવા જોઈએ. ખાસ કરીને જ્યારે લઘુમતીમાં શૅરહોલ્ડર હોય ત્યારે તેને લેખિતમાં જાણ કરી, આ નિર્ણય તેના ઉપર શું અસર કરશે તેનાથી વાકેફ કરીને જ કાર્ય કરવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે રતન તાતાએ સાયરસ મિસ્ત્રીને બોર્ડની બેઠકમાં બોલાવી તેની કામગીરી સામે વાંધો ઉઠાવી તેમને હટી જવા માટે અચાનક જ જાણ કરી હતી. આ મામલે પણ સાયરસ મિસ્ત્રીએ વાંધો ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત સાયરસ મિસ્ત્રી અને તેને ટેકો આપી રહેલા લોકો માટે એનએનસીએલટીના ચુકાદામાં કેટલાક શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની સામે પણ અપેલેટ ‌િટ્રબ્યુનલે વાંધો ઉઠાવી તેને ચુકાદામાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. અપેલેટ ‌િટ્રબ્યુનલે નોંધ્યું છે કે આવા શબ્દોથી લોકોનું સ્વમાન ઘટે છે, તેમની શાખ ઘટે છે તેથી આવા શબ્દો દૂર રહેવા જોઈએ અને ટ્રીબ્યુનલે ભવિષ્યમાં આ અંગે ધ્યાન રાખવું જોઈએ.
મિસ્ત્રીની લડાઈ
તાતા સન્સ અને સાયરસ મિસ્ત્રીની આ લડાઈ માત્ર કાયદાકીય આંટીઘૂંટીની રહી નહોતી. મિસ્ત્રીએ હકાલપટ્ટી પછી રતન તાતાની દખલગીરી, તાતા જૂથ દ્વારા કરવામાં આવેલા રોકાણ, વિવિધ પ્રોજેક્ટમાં કરવામાં આવેલા જંગી ખર્ચ અને તેના કારણે જૂથ ઉપર સતત વધી રહેલી નાણાકીય ભીંસ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. રતન તાતાના સપના સમાન નેનો પ્રોજેક્ટ સામે પણ મિસ્ત્રીએ વાંધો ઉઠાવ્યો હતો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રતન તાતાની જીદના કારણે તાતા મોટર્સ નેનોનું ઉત્પાદન કરી રહી છે, આ કાર બજારમાં સારો પ્રતિસાદ મેળવવામાં નિષ્ફળ ગઈ હોવાથી કંપનીને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મિસ્ત્રીએ એક પત્રમાં જણાવ્યું હતું કે અણઘડ રીતે લેવાયેલા નિર્ણયોના કારણે જૂથને ૧૮ અબજ જેટલી મોટી રકમ માંડવાળ કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે.
જોકે, રતન તાતાએ સામે મિસ્ત્રીએ લીધેલા કેટલા નિર્ણયો અને તેના અંગે બોર્ડને કોઈ જાણકારી નહીં હોવાની કે બોર્ડને અંધારામાં રાખ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. મિસ્ત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે તાતા જૂથનું બોર્ડ લઘુમતી શૅરહોલ્ડરના હિતમાં કામ કરી રહ્યું નથી અને મૅનેજમેન્ટમાં તાતા સન્સના બહુમતી શૅરહોલ્ડર સતત દખલ કરી રહ્યા છે.

અપેલેટ ટ્રીબ્યુનલનો આદેશ ટૂંકમાં...
તાતા સન્સનો સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય કાયદેસર નથી.
તાતા જૂથની કંપનીઓમાંથી સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય પણ કાયદેસર નથી.
રતન તાતાએ સાયરસ મિસ્ત્રીને દબાવવાની કામગીરી કરી.
સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના એક્ઝિક્યુટીવ ચૅરમૅનપદે બહાલ કરો.
તાતા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપની કરવાનો નિર્ણય કાયદેસર નથી.
તાતા સન્સને ફરી પબ્લિક કંપની જાહેર કરવા રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને આદેશ.

તાતા જૂથની કંપનીઓમાં શૅરમાં ઘટાડો
આજે શૅરબજાર ચાલુ હતું ત્યારે લગભગ બપોરે ત્રણ વાગ્યે આ ચુકાદો આવ્યો હતો. ચુકાદો આવ્યા પછી તાતા જૂથની અગ્રણી કંપનીઓના શૅરના ભાવ તરત જ ઘટવાના શરૂ થયા હતા. વોલ્ટાસ, ટાઇટન જેવી કંપનીઓના ભાવમાં બહુ અસર થઈ નહોતી પણ એ સિવાયની મોટાભાગની કંપનીઓના શૅર ઘટીને બંધ આવ્યા હતા.

મિસ્ત્રી vs તાતાની તવારીખ
૨૦૧૬
૨૪ ઑક્ટોબર : તાતા સન્સ સાયરસ મિસ્ત્રીને એક બોર્ડ મીટિંગમાં કંપનીના એક્ઝિક્યુટીવ ચૅરમૅન તરીકે હટાવવાની જાહેરાત કરે છે અને વચગાળાના ચૅરમૅન તરીકે રતન તાતાની નિમણૂક કરવામાં આવે છે.
૨૫ ઑક્ટોબર : તાતા જૂથ ઉપર ટ્રસ્ટીઓ રિમોટ કન્ટ્રોલ અંકુશ ધરાવે છે અને જુદી જુદી કંપનીઓમાં ૧૮ અબજ ડૉલરની માંડવાળ કરવી પડશે એવો પત્ર મિસ્ત્રી તાતા સન્સના બોર્ડને લખે છે.
૫ નવેમ્બર : તાતા જૂથની શૅરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં શૅરહોલ્ડરની વિશેષ સભા બોલાવી આ કંપનીઓના ચૅરમૅનપદેથી મિસ્ત્રીને હટાવવાની જાહેરાત કરે છે.
૧૪ નવેમ્બર : તાતા મોટર્સના સ્વતંત્ર ડિરેક્ટર બોર્ડ મીટિંગમાં તાતા જૂથ કે મિસ્ત્રી વચ્ચે કોઈ એક બાજુ નક્કી નહીં રહે એવી જાહેરાત કરે છે.
૧૬ નવેમ્બર : તાતા સ્ટીલ, તાતા મોટર્સ અને તાતા સ્ટીલના બોર્ડમાંથી નસલી વાડિયાને હટાવી દેવામાં આવે છે.
૧૯ ડિસેમ્બર : મિસ્ત્રી તાતા જૂથની દરેક કંપનીઓમાંથી રાજીનામું આપે છે.
૨૦ ડિસેમ્બર : મિસ્ત્રી નૅશનલ કંપની લૉ ટ્રીબ્યુનલમાં તાતા જૂથ સામે કેસ દાખલ કરે છે. તેમનો આરોપ છે કે કંપનીનું બોર્ડ નાણાં રોકાણકારોના હિતમાં કાર્ય કરતું નથી, પોતાની હકાલપટ્ટી ગેરકાયદે છે.
૨૦૧૭
૧૨ જાન્યુઆરી : તાતા સન્સ, ટીસીએસના સીઈઓ એન. ચન્દ્રશેખરની તાતા સન્સના ચૅરમૅન તરીકે નિમણૂક કરે છે.
૧૮ જાન્યુઆરી : મિસ્ત્રીની આક્ષેપવાળી અરજી નામંજૂર થાય છે.
૨૩ જાન્યુઆરી : નસલી વાડિયાના આરોપમાં સેબી જાહેરાત કરે છે કે રતન તાતાએ કંપનીઓના શૅરમાં કોઈ ઇનસાઈડર ટ્રેડિંગ કર્યું નથી.
૬ ફેબ્રુઆરી : મિસ્ત્રીને તાતા સન્સના ડિરેક્ટર તરીકે કાઢી મૂકવામાં આવે છે.
૬ માર્ચ : ટ્રીબ્યુનલમાં મિસ્ત્રીની અરજી ફરી નામંજૂર થાય છે.
૨૧ એપ્રિલ : મિસ્ત્રી નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રીબ્યુનલમાં ૧૦ ટકા શૅરહોલ્ડર તરીકે જ કંપની સામે કેસ થઈ શકે તેવી અગાઉ અરજી નામંજૂર થઈ હતી (તા. ૬ માર્ચ) તેની સામે અપીલ કરે છે.
૨૯ ઑગસ્ટ: તાતા સન્સ પોતાની કંપનીને પબ્લિકમાંથી પ્રાઇવેટ જાહેર કરે છે.
૨૧ સપ્ટેમ્બર : અપીલમાં મિસ્ત્રી ૧૦ ટકા શૅરહોલ્ડિંગવાળો કેસ જીતે છે.
જુલાઈ ૨૦૧૮ : મિસ્ત્રીનો કેસ ટ્રીબ્યુનલ કાઢી નાખે છે. તેમને તાતા સન્સના બોર્ડથી હટાવી દેવામાં આવ્યા હોવાનો નિર્ણય, તાતા સન્સને પ્રાઇવેટ કંપની તરીકે જાહેર કરવાનો નિર્ણય યોગ્ય ઠેરવે છે.

ratan tata tata business news