વૈશ્વિક બૉન્ડ યીલ્ડમાં કડાકો : ડૉલેક્સ અને રૂપિયામાં સુધારો

11 February, 2019 09:29 AM IST  |  | બિરેન વકીલ

વૈશ્વિક બૉન્ડ યીલ્ડમાં કડાકો : ડૉલેક્સ અને રૂપિયામાં સુધારો

પ્રતીકાત્મક તસવીર

કરન્સી-કૉર્નર 

ફેડની છેલ્લી બેઠકમાં અમેરિકી વ્યાજદરો હવે ન્યુટ્રલ છે અને વધારવાની જરૂર લાગતી નથી. જરૂર પડે ફેડ બૅલૅન્સ-શીટ ઍડ્જસ્ટમેન્ટ પણ કરી શકે છે એટલે કે લિક્વિડિટી વધારી પણ શકે છે એવો સધિયારો મળ્યા પછી સોનું, ચાંદી, ક્રૂડ અને મેટલ બજારોમાં તેજીનો ઉછાળો આવ્યો હતો એ થોડો શમ્યો છે. શૅરબજારો લિક્વિડિટી સપોર્ટને કારણે અનેક નકારાત્મક કારણો વચ્ચે પણ મક્કમ છે, પણ બૉન્ડબજારો વૈશ્વિક મંદીના આગમનની છડી પોકારે છે. ફેડને ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદર વધારાની નીતિ વિશે શા માટે યુ ટર્ન લેવો પડ્યો એનો જવાબ બૉન્ડ યીલ્ડ, ખાસ કરીને યુરોપિયન બૉન્ડ યીલ્ડમાંથી મળે છે. જર્મન ૧૦ વર્ષના બૉન્ડ યીલ્ડ ૦.૬૩થી ઘટીને ૦.૦૮ ટકા થઈ ગયા છે. એક વર્ષમાં ૯૦ ટકા તૂટ્યા છે. અમેરિકી ૧૦ વર્ષના બૉન્ડ યીલ્ડ ૩.૨૬થી ઘટીને ૨.૬૭ થઈ ગયા છે. વૈશ્વિક દેવાબજારમાં અંદાજે ૯ ટ્રિલ્યન બૉન્ડમાં યીલ્ડ નેગેટિવ છે. ચીનના સ્લૉડાઉનથી યુરોપમાં મંદીનાં વાદળ છવાયાં છે. ઇટલી મંદીમાં સરી ચૂક્યું છે. જર્મનીના નિકાસ આધારિત અંથર્તત્રમાં પણ નરમાઈ છે. ફ્રાન્સમાં યેલ્લો વેસ્ટ સામાજિક તોફાનો હવે બેલ્જિયમમાં પણ પ્રસર્યાં છે. યુરો ઝોને ૨૦૧૯માં આર્થિક વિકાસદર ૧.૯ ટકાથી ઘટાડીને ૧.૩ ટકા કર્યો છે. ઓસનિયામાં પણ આર્થિક સ્લૉડાઉન છે. ચીનમાં મંદી વકરી છે. ભારતમાં પણ રિઝર્વ બૅન્કે રેટ-કટ આપ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધની પ્રતિકૂળ અસર વૈશ્વિક વિકાસ પર દેખાઈ રહી છે. એકમાત્ર અમેરિકા મંદીથી બચેલું રહીને સંગીન વિકાસ કરી રહ્યું છે, પણ સમગ્ર વિશ્વ મંદીમાં હશે તો અમેરિકાની તેજી કેટલી ટકશે?

સ્થાનિક બજારોની વાત કરીએ તો રિઝર્વ બૅન્કના રેટ-કટનો બજારને ખાસ ફાયદો મળી શક્યો નથી. કૉર્પોરેટ ગવર્નન્સ અને સંખ્યાબંધ કંપનીઓ દેવાની પરત ચુકવણીમાં મુસીબત વેઠી રહી છે. કૉર્પોરેટ્સ ડેબ્ટ ડિફૉલ્ટમાં ચિંતાજનક વધારો થયો છે. ગવર્નમેન્ટ બૉન્ડ અને કૉર્પોરેટ બૉન્ડ વચ્ચેના યીલ્ડ-ગૅપમાં વધારો થયો છે. ભારતીય અર્થતંત્ર ૭ ટકાના દરે વિકાસ પામવાની વાતો અને બેકારી-દર ૪૫ વર્ષની ઊંચી સપાટીએ હોવાની વાતો પરસ્પર વિરોધાભાસી લાગે છે. શૅરબજારની તેજીની મજબૂતીને પણ બારીકાઈથી જોઈ તો નિફ્ટી હેવીવેઇટ શૅરો અને એમાં પણ ખાસ કરીને ઇન્ડેક્સ ટકેલો છે. મોટા ભાગના મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરો ટોચના ભાવથી ઍવરેજ ૪૦-૬૦ ટકા તૂટી ગયા છે. ટોચની ૫૦ મ્યુચ્યુઅલ ફન્ડ યોજનામાં પણ પાછલા એક વર્ષમાં વળતર ૪૦-૫૦ ટકા નેગેટિવ થઈ ગયું છે. અમુક શૅરો ટૉપના ભાવથી ૯૦ ટકા તૂટ્યા છે.

રૂપિયો સાંકડી વધઘટે અથડાય છે. વિશ્વબજારમાં ડૉલર ઇન્ડેક્સ સુધરતાં રૂપિયામાં પણ સુધારો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયો અને ડૉલર ઇન્ડેક્સ સામસામે ચાલવાને બદલે સાથે ચાલે છે. હવે રૂપિયો અને યુરો સામસામા છે. ડૉલેક્સ વધે તો રૂપિયો વધે અને યુરો વધે તો રૂપિયો ઘટે એવો કાચો અડસટ્ટો રાખી શકાય. ડૉલેક્સ ૯૪.૪૦-૯૬.૬૦ વચ્ચે અથડાય છે અને ૯૭.૭ સુધી જવાની સંભાવના છે. જો ૯૭.૮૪ ઉપર ટકી જાય તો ડૉલેક્સમાં મોટો ઉછાળો આવી શકે. ૯૪.૨૦ ઉપર ટકે ત્યાં સુધી ડૉલરમાં મંદીની સંભાવના ઓછી છે. યુરોપિયન દેશોમાં નવેસરની મંદી આવતાં અમેરિકામાં રોકાણ વધશે. રૂપિયો હાલમાં ૭૦.૮૫-૭૨.૨૮ની રેન્જમાં છે. જો ૭૦.૭૮ નીચે ટકી જાય તો નવેસરથી સુધરીને ૭૦.૩૦-૭૦.૫૦ આવે. હાલમાં પૂરતું ૭૧.૮૦-૭૨ રેઝિસ્ટન્સ છે. લાંબા ગાળે ફન્ડામેન્ટલ્સ નબળાં છે એ જોતાં ૭૩.૩૦-૭૪ની સંભાવના વધુ છે.

વિશ્વબજારની વાત કરીએ તો અમેરિકામાં આવતા શુક્રવારથી ફરી શટડાઉન તોળાય છે. અમેરિકા અને ચીન વચ્ચેની વેપારી વાટાઘાટોમાં સાત-સાત મહિનાથી કોઈ નિવેડો આવતો નથી. ૧ માર્ચે રોડ-ટૅરિફ ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાની મુદત પૂરી થાય છે. ૨૮મીએ વિયેટનામમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે મંત્રણા થવાની હતી પણ એ મોકૂફ રહી છે. ઘરઆંગણે ચૂંટણીપૂર્વેનો માહોલ બંધાતો જાય છે.