કોરોના ઇફેકટ - શૅરબજારોમાં સુપર તેજી વચ્ચે મૅન્યુફૅકચરિંગની મંદીના ઓળા

10 February, 2020 05:31 PM IST  |  Mumbai Desk | Biren Vakil

કોરોના ઇફેકટ - શૅરબજારોમાં સુપર તેજી વચ્ચે મૅન્યુફૅકચરિંગની મંદીના ઓળા

કોરોના વાઇરસના રોગચાળામાં અત્યાર સુધી ૨૮,૦૦૦ કેસ નોંધાયા છે. ૭૦૦ જેવાં મોત થયાં છે. ચીનમાં સંખ્યાબંધ શહેરો કવોરેન્ટાઇન કરાયા છે. ૧લી માર્ચ સુધી ધંધા, રોજગાર બંધ રહેવાથી આર્થિક વિકાસ, ખાસ કરીને મૅન્યુફૅકચરિંગ સેક્ટરમાં મોટી મંદી તોળાય છે. વાઇરસનો મરણાંક ૨ ટકા જેટલો, સાર્સ વાઇરસ કરતાં ઘણો ઓછો છે. સાર્સમાં મરણદર ૮-૯ ટકા હતો. જોકે કોરોના મામલે ગભરાટ બહેકાવવાનો ટ્રૅન્ડ દેખાય છે. અમેરિકી પંડિતો અને મીડિયા કોરોના ફૅકટરને બહુ ચગાવે છે. ચીનને ટ્રેડ-વૉરમાં કે ૫-જી ટેક્નૉલૉજીમાં હરાવવામાં સફળ થયા નથી એટલે કોરોનો હેટ કૅમ્પેઇનમાં ગુસ્સો નીકળી રહ્યો છે.
કોરોના ઇફેકટને કારણે સૌથી વધારે અસર કૉમોડિટી બજારોને થઈ છે. ક્રૂડ ઑઇલ, કોપર, ઝિંક, કૉટન, સોયાબીન જેવી વૈશ્વિક કૉમોડિટી તૂટતા સ્થાનિક બજારમાં પણ જીરું, ગવાર, ચણા, ધાણા જેવી કૉમોડિટીને કોરોના સાથે કંઈ લાગતું વળગતું ન હોવા છતાં એક ધક્કા ઔર દો ન્યાયે કડાકો આવ્યો છે. ચીન કૉમોડિટિઝ બજારોમાં મોટું વપરાશકાર છે અને અત્યારે ડિમાન્ડ ઘટાડાની ચિંતા બજારને સતાવે છે. જોકે આગળ જતા સપ્લાય ડિસરપ્શનની ચિંતા પણ આવી શકે. ઘણીખરી ચીની કંપનીઓ ફોર્સ મેજર કલમનો ઉપયોગ કરી સોદામાંથી ફરી જાય, માલ ખરીદે નહીં અથવા મોકલે નહીં. અત્યારે પરિસ્થિતિ પ્રવાહી છે.
કરન્સી બજારોની વાત કરીએ તો બજેટનો આંચકો પચાવી શૅરબજારો ફરી વધ્યા છે, પણ રૂપિયામાં થોડી નરમાઈ છે. રૂપિયો શુક્રવારે ૭૧.૪૦ બંધ રહ્યો હતો. ઘણા લાંબા સમયથી રૂપિયામાં ટ્રેડિંગ રેન્જ સંકડાઈ ગઈ છે એટલે હવે વોલેટિલિટી વધશે, ટ્રેડિંગ રેન્જ મોટી થશે. હાલમાં રેન્જ ૭૦.૮૫-૭૧.૪૪ છે અને નવી રેન્જ ૭૧.૧૭ - ૭૧.૮૭ થશે. જ્યારે રૂપિયો ૭૧.૫૩ ઉપર બંધ આવે પછી નવી રેન્જ ૭૧.૩૭ - ૭૨.૨૮ ખૂલશે. માર્ચ અંત પહેલાં રૂપિયો ૭૨.૨૦ - ૭૨.૫૦ થવાની પ્રબળ શક્યતા છે.
વૈશ્વિક બજારોમાં કોરોના પેનિક વચ્ચે ડૉલેકસ ફરી મજબૂત થઈ ગયો છે. સેફ હેવન ગણાતા ડૉલર, યેન, સોનું, સ્વિસ ફ્રાન્ક વધ્યા છે. હવે ડિજિટલ એસેટમાં બિટકોઇન પણ સેફ હેવન સ્ટેટસ માટે દાવેદારી કરી રહ્યો છે. ડૉલેકસ ૯૮.૬૦ થયો છે. અને હાલપૂરતો ૯૭.૭૦ - ૯૯.૭૦ વચ્ચે રહેશે. શુક્રવારે અમેરિકાનો જૉબ ડેટા ઘણો સારો હતો. બજારની નજર ચાલુ સપ્તાહે ફેડ ચૅરમૅન પોવેલની ટેસ્ટીમની અને ફેડના સભ્યો જેમ્સ બુલાર્ડ અને નીલ કશ્કરીના વકતવ્યો પર રહેશે. ફેડે શુક્રવારે એક અહેવાલ પેશ કર્યો છે એમાં કોરોના ઇફેકટને વૈશ્વિક અર્થતંત્ર માટે નવો ખતરો બતાવ્યો છે. ફેડ કદાચ એકાદ વ્યાજદર ઘટાડવા માટે કેસ તૈયાર કરી રહ્યું છે. ટ્રમ્પ ઇમ્પીચમેન્ટમાંથી દોષમુકત થયા છે, પણ હવે નવાં બહાના હેઠળ ફરી ઇમ્પીચમેન્ટ માટેનો કારસો ઘડાઈ રહ્યો છે. ૨૦૨૦ની તડામાર તૈયારીમાં ટ્રમ્પ માટે મોકળું મેદાન છે. ડેમોક્રેટસ પાસે કોઈ ચહેરો નથી. છેલ્લી ઘડીના ગેમ ચેન્જરમાં કદાચ હિલેરી ઊતરે.
દરમ્યાન યુરોપમાં સ્વિસ ફ્રાન્ક સ્ટાર પરફોર્મર હતો. યુરો અને પાઉન્ડ નરમ રહ્યા હતા. યુરોપ કલાઇમેટ ચેન્જના નામે કાર્બન ટૅકસ લાદશે એની વપરાશ પર નેગેટિવ અસર થશે. યુકે યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયા પછી ઇયુના બજેટમાં નાણાકીય આવક ઘટશે. જર્મની પર બોજો વધશે. યુરોમાં નોંધપાત્ર મંદીની સંભાવના છે. પાઉન્ડને શરૂઆતમાં મંદી નડશે, પણ સરવાળે ફાયદો થશે.
એશિયામાં ટર્કી લીરા તૂટીને ૬.૦૦ થઈ ગયો છે. યુઆન પણ ઘટ્યો છે. ચીનમાં સોમવારે બજારોમાં કાતિલ કડાકો હતો, પણ જંગી સ્ટિમ્યુલસ અને મંદીને રોકવા સર્કિટો લાગુ કરાતા બજાર ટકી ગયાં હતાં. ટર્કીની સીરિયામાં અને લિબિયામાં લશ્કરી દખલ વધી છે. લીબિયામાં બહુપક્ષીય લશ્કરી સંઘર્ષના એંધાણ દેખાય છે. અમેરિકાએ યમનમાં હવાઇ હુમલામાં અલ કાયદાના ટોચના કમાન્ડર કાસિમને મારી નાખ્યો છે. ઇરાની કમાન્ડર સુલેમાનીની હત્યા પછી આ બીજું મોટું એલિમિનેશન છે. મિડલ ઈસ્ટ અત્યારે તો શાંત છે, પણ ભીતરમાં લાવા ધગધગે છે. યુરોની રેન્જ ૧.૦૭૦૦ - ૧.૧૧૦૦, પાઉન્ડ રેન્જ ૧.૨૭ - ૧.૩૧ અને યેન રેન્જ ૧૦૭ - ૧૧૧ છે.

coronavirus business news