CBDTએ રિટર્ન ફાઈલ ન કરનારાઓને નોટિસો મોકલવાની શરૂઆત કરી

20 April, 2019 12:44 PM IST  | 

CBDTએ રિટર્ન ફાઈલ ન કરનારાઓને નોટિસો મોકલવાની શરૂઆત કરી

ફાઈલ ફોટો

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસે (CBDT) નિયમિત રિટર્ન ફાઈલ ન કરતા (કે જેમને ડ્રૉપ ફાઈલર્સ કહેવાય છે તેમને) અને રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી ગયેલા કરદાતાઓ વિરુદ્ધ ૩૦ જૂન સુધીમાં દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ ઇન્કમ-ટેક્સ ડિપાર્ટમેન્ટને આપ્યો છે.

આઇટી ડિપાર્ટમેન્ટની નૉન-ફાઈલર મોનિટરિંગ સિસ્ટમે (NMS) પ્રાપ્ત કરેલા ડેટા અનુસાર ૨૦૧૩થી ૨૦૧૭ દરમ્યાન ૨.૦૪ કરોડ નૉન-ફાઈલર્સ રહ્યા છે, જેમાંથી ૨૫ લાખ ડ્રૉપ ફાઈલર્સ છે.

અમે દેશભરના બધા નૉન-ફાઈલર્સ કે ડ્રૉપ્ડ ફાઈલર્સને નોટિસો ઇશ્યુ કરી રહ્યા છીએ અને સંબંધિત કેસોમાં કારવાઈ શરૂ કરવામાં આવશે, એમ એક આકારણી અધિકારીએ કહ્યું હતું.

ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ ૨૭૧એફ પ્રમાણે મોડું રિટર્ન ફાઈલ કરવા બદલ કલમ ૨૩૪ હેઠળ દંડ કરવામાં આવશે. જો કરદાતા છેલ્લી તારીખ ૩૧ ઑગસ્ટ બાદ, પરંતુ ૩૧ ડિસેમ્બર પૂર્વે રિટર્ન ફાઈલ કરે તો તેમને ૫૦૦૦ રૂપિયા દંડ થાય છે. જેઓ ૩૧ ડિસેમ્બર બાદ રિટર્ન ફાઈલ કરે છે તેમને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થાય છે. જોકે, નાના કરદાતાઓ કે જેમની કુલ વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ નથી તેમને વધુમાં વધુ ૧૦૦૦ રૂપિયાનો દંડ થાય છે.

આવકવેરા વિભાગને NMS ડેટા દ્વારા જાણવા મળ્યું છે કે ૨૦૧૩થી રિટર્ન ન ફાઈલ કરનારાઓની સંખ્યા સતત વધતી ગઈ છે. આ ડેટા આકારણી અધિકારીઓમાં વહેંચવામાં આવ્યો છે. આ માહિતીનો ઉપયોગ વેરાના પાયાને વિસ્તૃત કરવા માટેનાં પગલાં લેવા અર્થે કરવામાં આવશે.

૨૦૧૪માં રિટર્ન ફાઈલ ન કરનારાઓની સંખ્યા ૧૨.૨ લાખની હતી તે ૨૦૧૫માં વધીને ૬૭.૫ લાખની થઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૧૮માં નૉન-ફાઈલર્સની સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૧૭ના ૨૮.૮૩ લાખથી ઘટીને ૨૫.૨ લાખની થઈ હતી.

જો કાર્યક્ષમ વેરાતંત્ર સાથે વર્તમાન ડેટાબેઝ પર કામ કરવામાં આવે અને વેરારાહતો, પ્રોત્સાહનો અને થર્ડ પાર્ટી પાસેથી વેરાની વસૂલી જેવી કાનૂની જોગવાઈઓની સમયાંતરે પુનર્સમીક્ષા કરાતી રહે તો કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, એમ એક સિનિયર વેરા અધિકારીએ કહ્યું હતું.

આકારણી અધિકારી દંડ સહિત ત્રણ મહિનાથી લઈને બે વર્ષના ગાળા માટેની કારવાઈ શરૂ કરી શકે છે. જો વેરાની આવક ૨૫ લાખ રૂપિયાથી અધિક હોય તો આ સમયમાં વધારો પણ થઈ શકે છે.

news