US ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવવાને પગલે ડૉલર સુધરતાં સોનામાં ઝડપી ઘટાડો

13 April, 2019 11:43 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

US ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવવાને પગલે ડૉલર સુધરતાં સોનામાં ઝડપી ઘટાડો

ગોલ્ડ

અમેરિકાના અનએમ્પ્લૉઇમેન્ટ બેનિફિટ, પ્રોડ્યુસર્સ પ્રાઇસ ડેટા અને ચીનના એક્સપોર્ટ ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટ્યો હતો, જેને કારણે ડૉલર સુધર્યો હતો અને સોનું ઘટ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં છેલ્લા ૩૬ કલાકમાં સોનું ૧૫થી ૧૭ ડૉલર તૂટ્યું હતું, સોનું વધીને ૧૩૧૦ ડૉલર સુધી પહોંચ્યું હતું, જે ઘટીને ૧૨૯૨.૫૦ ડૉલર થયું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના અનએમ્પ્લૉઇમેન્ટ બેનિફિટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૮ હજારનો ઘટાડો થઈને કુલ અનએમ્પ્લૉઇમેન્ટ બેનિફિટ ૧.૯૬ લાખે પહોંચ્યા હતા, જે છેલ્લાં ૫૦ વર્ષના સૌથી ઓછા છે. અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં ૦.૬ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં માત્ર ૦.૧ ટકા જ વધ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધવાની હતી. ચીનની એક્સપોર્ટ માર્ચમાં ૧૪.૨ ટકા વધી હતી, જે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કમ્બાઇન્ડ ૨૦.૮ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૭.૩ ટકા વધવાની હતી. ચીનની ઇમ્પોર્ટ માર્ચમાં ૭.૬ ટકા ઘટી હતી, જે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કમ્બાઇન્ડ ૫.૨ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૧.૩ ટકા ઘટાડાની હતી. ચીનની એક્સપોર્ટના વધારા સામે ઇમ્પોર્ટ ઘટતાં ટ્રેડ સરપ્લસ વધીને ૩૨.૬૪ અબજ ડૉલરે પહોંચી હતી, જે ગયા વર્ષે આ સમયે ૫.૭૭ અબજ ડૉલરની ડેફેસિટ બતાવતી હતી. અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટા અને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ડેટાને પગલે ડૉલર મજબૂત થયો હતો અને સોનું છેલ્લા બે દિવસમાં ઝડપથી સુધર્યું હોવાથી ગુરુવારે ઓવરનાઇટ એક ટકાથી પણ વધુ તૂટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ગ્લોબલ સ્લોડાઉનની જોરશોરથી વાતો થઈ રહી છે, પણ હજુ ગ્લોબલ સ્લોડાઉનની અસર માર્કેટ લેવલે ઓછી દેખાતી હોવાથી ઇકૉનૉમિક ઇન્ડિકેટરના આધારે જ ગ્લોબલ સ્લોડાઉન વિશે ફોરકાસ્ટિંગ થઈ રહ્યું છે. સોનામાં હાલ ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા અને સેન્ટ્રલ બૅન્કોની વધી રહેલી ખરીદીના આધાર પર જ તેજી થઈ રહી છે. ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા વધારતાં ઇકૉનૉમિક ડેટા આવે ત્યારે સોનામાં ઉછાળો આવી રહ્યો છે, એની સામે ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવે ત્યારે સોનામાં ઘટાડો જોવા મળે છે. ટ્રેડવૉર અને બ્રેક્ઝિટ અસર સપોર્ટિંગ છે અને એની બહુ જ અસર ગોલ્ડ માર્કેટમાં હાલ પડી રહી નથી. આવનારા સમયમાં ગ્લોબલ સ્લોડાઉનને સમર્થન આપતાં ડેટા કે સેન્ટ્રલ બૅન્કોની મોટી ખરીદી થયાના ડેટા આવશે ત્યારે સોનું સુધરશે અને આ બન્ને કારણોથી વિરુદ્ધ સમાચાર આવશે ત્યારે સોનું ઘટશે. ગ્લોબલ સ્લોડાઉન કે સેન્ટ્રલ બૅન્કોની ખરીદીના કોઈ મોટા સમાચાર ન આવે ત્યાં સુધી સોનામાં આવી વધ-ઘટ ચાલુ રહેવાની છે.

આ પણ વાંચો : તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનો નફો 18 ટકા વધીને 8126 કરોડ રૂપિયા

ગોલ્ડ-સિલ્વર રેશિયો નવી ઊંચાઈએ પહોંચતાં સોનામાં તેજીનો સંકેત

વર્લ્ડ માર્કેટમાં ગોલ્ડ-સિલ્વરના ભાવ વચ્ચેનો તફાવત (રેશિયો)ને આધારે સોના-ચાંદીમાં તેજી-મંદીની આગાહી લાંબા સમયથી થઈ રહી છે. હાલ ગોલ્ડ-સિલ્વરના ભાવ વચ્ચેનો રેશિયો ૮૬ થયો છે, જે ૨૦૧૦ પછીનો સૌથી ઊંચો છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ સિલ્વર રિપોર્ટમાં જણાવ્યું છે કે જ્યારે પણ ગોલ્ડ-સિલ્વર રેશિયો ૮૦ ઉપર જાય ત્યારે વર્લ્ડમાં ક્રાઇસિસનો સંકેત આપે છે અને ક્રાઇસિસના સમયમાં ગોલ્ડની ડિમાન્ડ હંમેશાં વધતી રહી છે અને ભાવ સતત વધતા રહે છે. નિષ્ણાતો કહે છે કે ગોલ્ડ-સિલ્વર રેશિયો ઊંચો એટલે કે ૮૦ની ઉપર હોય ત્યારે સોનામાં તેજીનો સંકેત છે અને જ્યારે ગોલ્ડ-સિલ્વર રેશિયો નીચો હોય ત્યારે ચાંદીમાં તેજીનો સંકેત છે.

news