અમેરિકન શટડાઉન લંબાતાં સોનું ઇકૉનૉમિક ક્રાઇસિસના ભયે સુધર્યું

18 January, 2019 09:51 AM IST  |  | મયૂર મહેતા

અમેરિકન શટડાઉન લંબાતાં સોનું ઇકૉનૉમિક ક્રાઇસિસના ભયે સુધર્યું

સોનામાં સુધારો

બુલિયન બુલેટિન

અમેરિકન ફાઇનૅન્શિયલ શટડાઉનના 27 દિવસ પૂરા થયા હોવા છતાં હજી સુધી એનો કોઈ ઉકેલ આવે એવા કોઈ સંકેતો દેખાતા ન હોવાથી એનાં ગંભીર પરિણામો આવવાની શક્યતા દેખાય છે. ઇકૉનૉમિસ્ટો શટડાઉનને કારણે ઇકૉનૉમિક ક્રાઇસિસની આગાહી કરી રહ્યા હોવાથી સોનામાં સેફ હેવન બાઇંગ વધ્યું હતું. વળી થેરેસા મેએ વિશ્વાસનો મત જીતી લેતાં બ્રિટિશ પાઉન્ડ સુધરતાં ડૉલર ઘટ્યો હતો અને સોનાને સપોર્ટ મળ્યો હતો. પલૅડિયમના ભાવ ઑલટાઇમ હાઈ 1366 ડૉલર જોવા મળ્યા હતા. સોના કરતાં પલૅડિયમના ભાવ ઊંચા થયા હોય એવું 16 વર્ષ પછી બન્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો હોલબિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને 58 પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં 56 પૉઇન્ટ હતો. અમેરિકાની ઇમ્પોર્ટ પ્રાઇસ ડિસેમ્બરમાં એક ટકો ઘટી હતી જે સતત બીજા મહિને ઘટી હતી અને નવેમ્બરમાં 1.9 ટકા ઘટી હતી. અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસ ડિસેમ્બરમાં 0.6 ટકા ઘટી હતી જે નવેમ્બરમાં 0.8 ટકા ઘટી હતી. બ્રિટનનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ઘટીને 23 મહિનાના તળિયે 2.1 ટકા રહ્યું હતું, પેટ્રોલ અને ઍર ફ્યુઅલના ભાવ ઘટતાં ઇન્ફ્લેશન પર દબાણ વધ્યું હતું. બ્રિટનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ઘટીને આઠ મહિનાના તળિયે 2.5 ટકા રહ્યું હતું જે નવેમ્બરમાં ત્રણ ટકા હતું. ચીને ઇકૉનૉમીને તૂટતી બચાવવા 83 અબજ ડૉલર ફાઇનૅન્શિયલ સિસ્ટમમાં ઠાલવ્યા હતા. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ નાણાં ફાઇનૅન્શિયલ સિસ્ટમમાં ઠલવાયાં હતાં. અમેરિકન ફાઇનૅન્શિયલ શટડાઉનને 27 દિવસ પૂરા થતાં ઇકૉનૉમી વધુ બગડી હતી જેને કારણે ડૉલર ઘટતાં સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેએ પાર્લમેન્ટમાં વિશ્વાસનો મત જીતી લેતાં હાલ પૂરતી બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ ટળી હતી. હવે થેરેસા મેએ બ્રિટનને યુરોપિયન યુનિયનથી બહાર કાઢવા કોઈ નવો રસ્તો શોધવો પડશે. બ્રિટનની પાર્લમેન્ટે થેરેસા મે દ્વારા તૈયાર થયેલી ડિવૉર્સ-ડીલને નામંજૂર કરતાં હવે કોઈ પણ ડીલ વગર બ્રિટન યુરોપિયન યુનિયનથી છૂટું પડી જશે એવી શક્યતા વધી છે. બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ ટળતાં પાઉન્ડ સુધર્યો હતો. બૅન્ક ઑફ જપાનના ગવર્નર હરુહિકો કુરોડાએ નવી ફાઇનૅન્શિયલ સિસ્ટમ ઊભી કરવાનું એલાન કર્યું હતું જેમાં મર્જર અને એક્વિઝિશનને પ્રાધાન્ય આપવામાં આવશે. જપાનની ઘટી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને હવે નવા ફેરફારોનું એલાન આવનારા દિવસોમાં યેનને મજબૂત કરશે અને કરન્સી બાસ્કેટમાં ડૉલર પર દબાણ વધશે. અમેરિકાના ફાઇનૅન્શિયલ શટડાઉનને 27 દિવસ પૂરા થયા હોવા છતાં કોઈ ઉકેલ આવવાના સંકેતો દેખાતા નથી જે ફેડને ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની પૉલિસીમાં ચેન્જ લાવવાની ફરજ પડશે. સોનાની માર્કેટને અસર કરનારા બધા દેશોના ઘટનાક્રમ સ્પક્ટપણે ભાવ ગ્રૅજ્યુઅલી વધવાનો સંકેત આપે છે.

ભારતની ચાંદીની ઇમ્પોર્ટ 2018માં પચીસ ટકા ઘટી

ભારતની ચાંદીની ઇમ્પોર્ટ 2018માં પચીસ ટકા ઘટીને 5200 ટન નોંધાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ચાંદીની ડિમાન્ડ હંમેશાં ઊંચી રહેતી હોય છે, પણ ૨૦૧૮માં નબળા ચોમાસા અને ખેડૂતવર્ગમાં નાણાંની તંગીને કારણે ગ્રામ્ય ભારતમાં ચાંદીની ડિમાન્ડ 40 ટકા ઘટી હોવાનું ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશને જણાવ્યું હતું. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ભારતનાં સૌથી મોટાં ચાંદીનાં ખરીદનાર રાજ્યો છે.

આ પણ વાંચો : ફૉરેન પૉલિસીની ટોચની વૈશ્વિક વિચારકોની સૂચિમાં મુકેશ અંબાણી

ચાંદીના ભાવ ભારતીય માર્કેટમાં 2018માં 11.04 ટકા વધ્યા હતા અને વર્લ્ડ માર્કેટમાં ચાંદીના ભાવ 2018માં 0.21 ટકા વધ્યા હતા. 2019માં ચાંદીના ભાવમાં તેજી રહેવાની આગાહી ટૉપ લેવલના ઍનલિસ્ટો અગાઉ કરી ચૂક્યા છે.